રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. પરંતુ રાજકોટના મોરબી રોડ પર આવેલા ખોબા જેવડા કાગદડી ગામમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું. માત્ર 2 કલાકમાં જ 12 ઇંચ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાય ગયું હતું. ગ્રામજનોના કહેવા મુજબ 100થી 150 પશુ તણાયા છે. જેમાંથી 25ના મૃતદેહ મળ્યા છે અને બાકીના પશુઓની હજુ સુધી ભાળ નથી. 100 વર્ષમાં અમે આવો વરસાદ ક્યારેય જોયો નથી. વરસાદે અમને મચ્છુ હોનારતની યાદ કરાવી હતી. ગામના નીચાણવાળા વિસ્તારોમાં માથાડૂબ પાણી ભરાયા હતા.ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર દોઢથી બે કલાકના સમયમાં અમારા ગામમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે ગામ બેટમાં ફેરવાયું હતું. કોઇનું ખેતર ધોવાયું તો કોઇના પશુઓ તણાયા છે. કોઇના ઘરની ઘરવખરી તણાય તો કોઇના ઘરે પડેલું તૈયાર અનાજ પલળી ગયું છે. ભારે વરસાદને કારણે માલધારીઓના વંડામાં રહેલા પશુઓ તણાય ગયા છે. વીજપોલ ધરાશાયી થઇ ગયા છે. નદીકાંઠે આવેલા ખેતરોમાં તો એવી સ્થિતિ થઇ હતી કે જાણે ખેતર નહિ કોઇ નદીનો ખાલી પટ્ટ હોય. ગામના વડીલોનું કહેવું હતું કે, 100 વર્ષમાં ક્યારેય ન જોઇ હોય તેવી તારાજી ગામમાં સર્જાઇ છે. જો વધારે વરસાદ આવ્યો હોત તો સ્થિતિ વધુ ગંભીર બની જાત.
ખેતરમાં પાક ધોવાયો, ઘરમાં ઘરવખરી ધોવાઇ
ખેતરોમાં એટલું ધોવાણ થયું છે કે, વાવેતર કર્યુ છે કે નહિ તે ખબર ન પડે તે રીતે મેદાન થઇ ગયું છે. અનેક ઘરોની ઘરવખરી વરસાદમાં પલળી ગઇ છે. ખેડૂતે મહેનત કરીને વાવેલું લસણ, ઘઉં, ચણા, જીરૂ, રાય સહિતના તૈયાર પાક પલળી ગયા છે તો અનેક ઘરોમાં વાવેતરનું ખાતર અને પશુઓ માટેનો ચારો પલળી ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે, આ વર્ષ પહેલા વરસાદમાં જ ફેઈલ થયું છે. હવે સીધું શિયાળું વાવેતર લઇ શકાશે. ત્યારે સરકારે આ અંગે સહાય કરવી જરૂરી છે.કાગદડી ગામના સરપંચ દેવ કોરડીયાએ જણાવ્યું હતું કે, રવિવારે કાગદડી ગામમાં સાંજના 4થી 6 વાગ્યા સુધીમાં અંદાજે 10થી 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આશરે 150 જેટલા પશુ લાપત્તા છે. અંદાજે 20થી 25 વીજપોલ પડી ગયા છે. ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું છે. આજ દિન સુધી ન જોયેલો વરસાદ કાલે જોવા મળ્યો હતો. આથી કાગદડી ગામના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. PGVCL અને ખેતી વિભાગની ટીમ દોડી આવી છે અને નુકસાનીનો સર્વે હાથ ધર્યો છે. પશુ આરોગ્યની ટીમ પણ સર્વે કરી રહી છે. અંદાજે 100 હેક્ટર જેવી જમીન ધોવાય ગઈ છે. હજુ ફિક્સ અનુમાન લગાવવામાં આવી રહ્યું નથી.