અમદાવાદ: દેશમાં હાલમાં 80 કરોડ લોકો ઈન્ટરનેટ વાપરે છે પરંતુ આવનારા 3 વર્ષ બાદ આ આંકડો 120 કરોડ પર પહોંચશે. સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે. દેશમાં જે ચિંતાનો વિષય છે. આ માટે સાયબર સિક્યુરિટી મુદ્દે નવા કડક કાયદા લાવ્યા છીએ. 5 લાખ ગામડામાં આવતા 5 વર્ષમાં ઘર સુધી સાયબર કનેક્શન જશે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ નિવેદન આપ્યું છે. અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીમાં ઉપસ્થિત રહેલા મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ વાત કરી હતી.કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર અમદાવાદની મુલાકાતે આવ્યા છે. એસ.જી. હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટીની મુલાકાત લઈ તેઓએ ઇંક્યુબેશન સેન્ટર ખુલ્લું મૂક્યું હતું. સાથે જ તેઓએ નિરમા યુનિવર્સિટીનાં સ્ટાર્ટઅપ્સ સાથે ચર્ચા કરી હતી. તેઓએ વિધાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, ગુજરાત સહિતના રાજ્યમાં યુવાનોને આઇટી ક્ષેત્રે તક મુદ્દે જાણકારી હોવી જરૂરી છે. ગુજરાત માટે આઇટી ક્ષેત્રે ઊંચી સંભાવનાઓ છે. આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદી બાદના 75 વર્ષમાંથી 65 વર્ષ સુધી આપણે ઘણું બધું ગુમાવ્યું.રાજીવ ગાંધી કહેતા હતા કે, 100 પૈસામાંથી 15 પૈસા જ લોકો સુધી પહોંચે છે. 85 પૈસા લોકો સુધી પહોંચતા જ ન હતા. આ તે સમયના પીએમએ આવું કહ્યું હતું. અમારા સમયમાં અમારી પાસે 3 ઓપ્શન હતા, સરકારી નોકરી મેળવી લઈએ, ટાટા, બિરલા જેવી કંપનીમાં નોકરી મળી જાય અથવા વિદેશ જઈને ભણીએ. 65 વર્ષ આપણે બેકફૂટ પર રહ્યા. આજે ભારત ફ્રન્ટફૂટ પર કામ કરે છે. ટેકસ કલેક્શન, સર્વિસ એક્સપોર્ટ, ગુડ્સ એક્સ્પોર્ટમાં રેકોર્ડ કર્યો છે.