આજે સમગ્ર રાજ્યમાં ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટમાં આજે ન્યુ એરા સ્કૂલ ખાતે ધો.10ના બોર્ડની પરીક્ષાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક, પેન અને મોં મીઠું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા અને પરીક્ષા સ્ટ્રેસ ફ્રી રહેવા માટેની વિનંતી કરી હતી. આજથી ધો.10 અને ધો. 12(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને શુભેચ્છા પાઠવવા શાળાઓ ખાતે મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો જુસ્સો વધારશે.
રાજકોટ જિલ્લા કલેક્ટર પોલીસ અધિક્ષક પણ હાજર
રાજકોટમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ અને જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ શહેરની ન્યુ એરા સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લામાં એસ.એસ.સી ધો.10ના કુલ 47610 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહના 7660 તેમજ સામાન્ય પ્રવાહના 28380 એમ કુલ 36040 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓની સહાયતા માટે જુદાં જુદાં 10 સર્વાંગી વિકાસ સંકુલો ખાતે હેલ્પલાઈન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 16.32 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ 10ની પરીક્ષા 28મી માર્ચ સુધી ચાલશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29 માર્ચ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી ચાલશે.
આ વર્ષે કુલ 9.56 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. આ માટે રાજ્યના 33 જિલ્લાઓમાં 958 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે. જ્યારે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના કુલ 5.65 લાખ, જ્યારે વિજ્ઞાન પ્રવાહના કુલ 1.10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
આ સિવાય 157 કેદીઓ પણ ધોરણ 10 અને 12માંની બોર્ડની પરીક્ષા આપશે. આ માટે ચાર સેન્ટ્રલ જેલોમાં જ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. ધોરણ 10ના 101 અને 12માં ધોરણના 56 કેદીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે ગત વર્ષે 76 કેદીઓએ ધોરણ 10 તેમજ 46 કેદીઓએ 12માં ધોરણની પરીક્ષા આપી હતી.
બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેર અને ગ્રામ્યની વાત કરીએ તો 248 વિદ્યાર્થીઓને રાઈટર ફાળવવામાં આવ્યા છે. તેમા ધો. 12 સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી કેરિશ શેઠ જેને બ્રેઈન હેમરેજ થયું હતું તે પણ પરીક્ષા આપી રહ્યો છે.