છેલ્લા એક વર્ષથી ભારત રશિયા પાસેથી મોટા પાયે ક્રૂડ ઓઈલ ખરીદીને તેમાંથી પેટ્રોલ ડિઝલ બનાવીને યુરોપને એક્સપોર્ટ કરી રહ્યુ છે.
ભારતના વેપાર સામે યુરોપિયન યુનિયનના વિદેશ તેમજ સુરક્ષા નીતિના પ્રમુખ જોસેફ બોરેલને વાંધો પડી ગયો છે. જોસેફનુ કહેવુ છે કે, યુરોપિયન યુનિયને રશિયાનુ પેટ્રોલ ડીઝલ યુરોપમાં વેચવા બદલ ભારત સામે કાર્યવાહી કરવી જોઈએ. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, રશિયા પાસેથી ભારત મોટા પાયે ઓઈલ ખરીદી રહ્યુ છે અને તેમાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવીને્ યુરોપને વેચી રહ્યુ છે તે વાત અમને ખબર હતી. તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે. જો રશિયન ઓઈલ આડકતરી રીતે પેટ્રોલ અને ડિઝલ સ્વરૂપે યુરોપમાં આવે છે તો તે નિશ્ચિત પણે પ્રતિબંધોનુ ઉલ્લંઘન છે. આ માટે યુરોપિયન યુનિયનના સભ્યોએ કોઈ નિર્ણય તો લેવો પડશે.
બોરેલે આ વાત ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની બેઠક પહેલા કરી હતી. જોકે જયશંકરે તેનો જવાબ આપતા કહ્યુ હતુ કે, યુરોપિયન યુનિયનના નિયમો અંગે મને જે સમજ છે તે પ્રમાણે રશિયાનુ ક્રૂડ ઓઈલ અન્ય દેશમાં જો રિફાઈન થતુ હોય તો તેને રશિયન ઓઈલ માની શકાય નહી.
ઉલ્લેખનીય છે કે, ભારતની રિફાઈનરીઓએ ડિસેમ્બર અને એપ્રિલની વચ્ચે યુરોપમાં લગભગ 2. 80 લાખ બેરલ પ્રતિ દિવસ પ્રમાણે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરી છે. જે ગયા વર્ષ કરતા પ્રતિ દિવસ 1. 70 લાખ બેરલ વધારે છે.