પાકિસ્તાન અત્યારે મહાવિનાશ તરફ ઢસડાઈ રહ્યું છે, તેના ટુકડા થઈ જવા સંભવ છે.’ તેવી ચેતવણી ઉચ્ચારતા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને (વર્તમાન સરકાર ઉપર) આક્ષેપ મૂક્યો હતો કે તે તેમના પક્ષ પાકિસ્તાન તહેરિક એ ઇન્સાફ (પીટીઆઇ) પક્ષના કાર્યકરો સામે સેના મૂકી રહી છે.
પોતાના ‘ઝમાત પાર્ક’ નિવાસસ્થાનેથી પ્રસિદ્ધ કરેલા એક વિડિયો મેસેજમાં ઇમરાનખાને જણાવ્યું હતું કે, દેશમાં પ્રવર્તતી રાજકીય અસ્થિરતાનો અંત લાવવાનો એકમાત્ર ઉપાય છે, તે છે વહેલી ચૂંટણીઓ. નહીં તો દેશની પરિસ્થિતિ પૂર્વ પાકિસ્તાન જેવી થઈ જશે. (દેશના ટુકડા થઈ જશે.)
તેઓએ કહ્યું પીડીએમ (પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ)ના નેતાઓ અને લંડન નાસી ગયેલા નવાઝ શરીફને તો દેશની રજમાત્ર પરવાહ નથી. દેશના સંવિધાનની પ્રતિષ્ઠા ન રહે કે દેશની સંસ્થાનો તોડી પડાય કે પાકિસ્તાની સેનાની બદનક્ષી થાય તે પૈકી કશાની તેઓને પડી નથી. તેઓ તો પોતે કરેલી લૂંટનો માલ સલામત રહે અને તેમના હિતો જળવાઈ રહે તેની જ ચિંતામાં વ્યસ્ત છે. આથી હું એક ભયાવહ સ્વપ્નું જોઈ રહ્યો છું કે જેમાં દેશ તત્કાળ વિખંડનના આરે આવી ઉભો છે તેથી જ હું સત્તાધીશોને અરજ કરું છું કે, ચૂંટણી યોજો દેશ બચાવો.
ઉલ્લેખનીય છે કે, અત્યારે તો પોલીસે ઇમરાનખાનના નિવાસસ્થાનને ઘેરી લીધું છે.
ઇસ્લામાબાદ હાઇકોર્ટના પરિસરમાંથી જ તેઓની ૯મી મેએ કરાયેલી ધરપકડ અંગે તેમણે કહ્યું : ‘તે ચોખ્ખું ષડયંત્ર હતું તે દેશના શાસક ગઠબંધન અને પંજાબ સરકારે યોજ્યું હતું.’ આ સાથે પાકિસ્તાનના ખ્યાતનામ દૈનિક ‘ધી ડૉન’ને આપેલી મુલાકાતમાં તેઓએ ચેતવણી ઉચ્ચારી હતી કે, ‘હવે સત્તાધીશોએ પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. નહીં તો પૂર્વ-પાકિસ્તાન જેવા દેશની સ્થિતિ થઈ જશે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘જ્યારે હું સેનાની ટીકા કરું છું ત્યારે મારાં સંતાનોને જ ઠપકો આપતો હોઉં તેમ કહું છું. મેં વારંવાર કહ્યું છે કે, હું દેશની સંસ્થાઓની આંતરિક બાબતોમાં પડતો નથી. મને જ્યારે નિશ્ચિત સમાચાર મળ્યા કે, સેનાના પૂર્વ વડા મારી વિરૂદ્ધ ષડયંત્ર યોજી રહ્યા છે ત્યારે પણ મેં (તંત્રમાં) હસ્તક્ષેપ કર્યો ન હતો.’
પોતાના નિવાસસ્થાનનાં ૪૦ ત્રાસવાદીઓ છુપાયા છે તેવા સરકારના આક્ષેપોને સખ્ત રદિયો આપતા તેમણે કહ્યું હતું કે, સરકાર કાયદેસર રીતે મારું નિવાસસ્થાન તપાસી શકે છે. જે તેણે વિધિવત ‘સર્ચ વૉરન્ટ’ મેળવી કરવું જોઈએ. અરે ! ત્રાસવાદીઓને હું રાખું તો મારા જ જાનનું જોખમ થાય. સરકારે આ બહાને દેશના સૌથી મોટા પક્ષ (પીટીઆઇ) પર તૂટી પડવું ન જોઈએ. જો કે તે પણ સત્ય છે કે ઇમરાનની ધરપકડ પછી ફાટી નીકળેલા રમખાણો હજી પૂરા શમ્યાં જ નથી.