વસવાટ કરવા માટે વિશ્વમાં સૌથી કંગાળ કે અતિ દુ:ખી દેશોની યાદીમાં ભારત અને અમેરિકા વચ્ચે બહુ તફાવત નથી. સૌથી મહત્વનું છે કે વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં સૌથી ખુશ ગણવામાં આવેલા ફિનલેન્ડ અને ભારત વચ્ચે બહુ અંતર નથી. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી સ્ટીવ હેન્ક દ્વારા વિશ્વના દેશોની એન્યુઅલ મીઝરી ઇન્ડેક્સની યાદી બહાર પડી છે. આ યાદીમાં ભારતનો ક્રમ ૧૦૩ ઉપર, ફિનલેન્ડ ૧૦૯ અને અમેરિકા ૧૩૪મા ક્રમ ઉપર આવે છે. આ યાદીમાં કુલ ૧૫૭ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વસવાટ માટેના સૌથી કંગાળ દેશોમાં ઝિમ્બાબ્વે સૌથી અગ્રેસર છે જયારે સૌથી સુખી અને ખુશ દેશ તરીકે સ્વિઝરલેન્ડ અવ્વલ છે.
ગરીબી, મોંઘવારી અને બેરોજગારી જેવા કારણોસર આફ્રિકન દેશોને રહેણાક માટે સૌથી ખરાબ ગણવામાં આવે છે. ઝિમ્બાબ્વેમાં ફુગાવાનો દર ૨૪૩.૮ ટકા છે એટલે ત્યાની પ્રજા માટે જીવવું દુષ્કર બની ગયું હોવાથી તેનો યાદીમાં પ્રથમ ક્રમ આવે છે. યુદ્ધ કે ગૃહકલેશથી ત્રસ્ત યુક્રેન, સીરીયા અને સુદાન કરતા પણ આફ્રિકા ખંડના આ દેશમાં જીવન કંગાળ હોવાનું આ અહેવાલ નોંધે છે.
ભારતનો ક્રમ ૧૫૭ દેશોની યાદીમાં ૧૦૩ ઉપર આવે છે. ભારતમાં પ્રજાના દુ:ખ માટેનું સૌથી મોટું કારણ બેરોજગારી હોવાનું આ ઇન્ડેક્સ જણાવે છે. જોકે, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વિકસિત દેશોમાં જ્યાં સ્થાયી થવાનું સપનું સમગ્ર દુનિયાની પ્રજા જોવે છે એવા અમેરિકાનો ક્રમ ૧૩૪ છે અને તે સૌથી ખુશ દેશ નથી એવું આ ઇન્ડેક્સ નોંધે છે. અહી બેરોજગારી લોકોને સૌથી વધુ સતાવી રહી હોવાથી તેનો ક્રમ નીચે આવ્યો છે. પાંચ વર્ષ પહેલા વિશ્વના સૌથી સુખી દેશ એવું ફિનલેન્ડ મીઝરી ઇન્ડેક્સમાં ૧૦૯માં ક્રમ ઉપર આવે છે. પાક્સિતાનનો આ યાદીમાં ૩૫મો ક્રમ છે. આર્થિક રીતે બેહાલ પાકિસ્તાનના નાગરિકો માટે અત્યારે જીવન જરૂરી આહાર માટેની ચીજોના ભાવ આસમાને છે એટલે તેનો ક્રમ ઘણો આગળ આવ્યો હોવાનું અહેવાલમાં નોંધ્યું છે.
સ્થાનિક પ્રજા ઉપર મોંઘવારીના માર માટે ઝિમ્બાબ્વેની વર્તમાન સરકાર જવાબદાર હોવાનું હેન્કે આ યાદી બહાર પાડી ટ્વીટ કરતા જણાવ્યું હતું. વિશ્વમાં વસવાટ માટે સૌથી ખરાબ ૧૫ દેશોમાં આ સિવાય વેનેઝુએલા, સીરિયા, લેબેનોન, સુદાન, આર્જેન્ટીના, યમન, યુક્રેન, ક્યુબા, તુર્કી, શ્રીલંકા, હૈતી, એન્ગોલા, ટોંગા અને ઘાનાનો સમાવેશ થાય છે.
વિશ્વમાં સૌથી ખુશ દેશોની યાદીમાં સ્વીત્ઝરલન્ડ સૌથી અગ્રેસર છે. આ માટે સ્ટીવ હેન્કે જણાવ્યું હતું કે આ દેશની પ્રજા ઉપર વિશ્વના બધા દેશોની સરખામણીએ સૌથી ઓછુ દેવું હોવાથી ત્યાં પ્રજા સૌથી વધુ ખુશ છે. સૌથી ખુશ દેશોની યાદીમાં કુવૈત બીજા ક્રમ ઉપર છે. આ સીવ્યા આયર્લેન્ડ, જાપાન, મલેશિયા, તાઈવાન, નાઈજર, થાઈલેન્ડ, ટોગો અને માલ્ટાનો યાદીમાં સૌથી ખુશ દેશો તરીકે સમાવેશ થાય છે.
મીઝરી ઇન્ડેક્સ કેવી રીતે ગણવામાં આવે છે
નોર્થ હોપકિન્સ યુનિવર્સીટીના પ્રોફેસર સ્ટીવ હેન્ક દ્વારા મીઝરી ઇન્ડેક્સ ગણવામાં આવે છે.
આ ઇન્ડેક્સમાં બેરોજગારીને બેવડી કરી, ફુગાવાનો દર, બેંક ધિરાણના દરના સરવાળામાંથી વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર બાદ કરવાથી મીઝરી ઇન્ડેક્સ બને છે. ઇન્ડેક્સ અનુસાર જે દેશનો ક્રમ આગળ આવે તે દેશને સૌથી કંગાળ ગણવામાં આવે છે જયારે સૌથી ખુશ દેશનો ક્રમ સૌથી છેલ્લો આવે છે.