– જાન્યુઆરી ૨૦૨૨માં સેન્સેક્સના ૫૮,૦૦૦ના લેવલે પીઈ રેશિયો ૨૮ ગણો હતો, જે અત્યારે ૬૭,૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ ૨૪.૭ ગણો
ભારતીય શેરમાર્કેટમાં તેજીનો ઘોડો વિનમાં છે. માર્ચ મહિનાથી દલાલ સ્ટ્રીટમાં તેજીનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. જોકે તાજેતરના સપ્તાહમાં બજારમાં આવેલ એકતરફી રેલી પર હવે દરેક ટ્રેડર અને ઈન્વેસ્ટરને આશંકા ઉપજે છે કે બજાર આટલું કેમ વધી રહ્યું છે. બજારની આ તેજી પરપોટો તો નથી ને ? બજારમાં દરેક ઉછાળે વેચવાની સલાહ માર્કેટ એક્સપર્ટ આપતા જોવા મળી રહ્યાં છે પરંતુ આ ઉછાળો બાદમાં આવેલા સામાન્ય ઘટાડાને પચાવીને ફરી નવી તેજીનો દોરીસંચાર કરી રહ્યો છે. તેમછતા ટૂંકાગાળામાં આવેલ આ તેજી શંકા ઉપજાવે છે અને બજાર મૂલ્યાંકન પર સવાલ ઉભા કરે છે. જોકે રસપ્રદ વાત એ છે કે દલાલ સ્ટ્રીટની આગઝરતી તેજી છતા વર્તમાન વેલ્યુએશન ઐતિહાસિક દ્રષ્ટિએ સરખામણીમાં ઓછા છે.
વિશ્લેષકોને ઘણી વખત એવું કહેતા સાંભળ્યા હશે કે ભારતીય બજારો મોંઘા થઈ ગયા છે. ખાસ કરીને નવા નાણાંકીય વર્ષની શરૂઆતથી તો ખાસ પરંતુ, પાછલા વર્ષોના વેલ્યુએશનની સરખામણીએ વર્તમાન વેલ્યુએશન નીચા દેખાય છે. જાન્યુઆરી ૨૦૨૨માં સેન્સેક્સ ૫૮,૦૦૦ની આસપાસ હતો. તેનો ૧૨-મહિનાનો પ્રાઈસ ટૂ અર્નિંગ એટલેકે પીઈ રેશિયો ૨૮ ગણો હતો. ૧૮ જુલાઈના રોજ સેન્સેક્સ ૬૭,૦૦૦ પર પહોંચ્યો છે અને ૧૨ મહિનાનો ટ્રેલિંગ પીઈ રેશિયો હાલમાં ૨૪.૭ ગણો છે. એપ્રિલ ૨૦૨૧માં સેન્સેક્સ ૪૮,૭૮૦ પર હતો ત્યારે તેનો પીઈ રેશિયો ૩૩.૫ ગણો હતો.
માર્કેટ એનાલિસ્ટ હેમાંગ જાનીએ જણાવ્યું કે વેલ્યુએશન હાલ જાન્યુઆરી ૨૦૨૨ના જેટલા ઊંચા નથી. સેન્સેક્સનો ૧૨ મહિનાનો ફોરવર્ડ પીઈ હાલ ૧૯.૫ ગણો છે. આ સેન્સેક્સના પોતાના લોંગ પીરિયડ એવરેજ કરતા ૫ ટકા ઓછો છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સેન્સેક્સનો અર્નિંગ્સ પર શેર એટલેકે ઈપીએસ લગભગ ૨૨ ટકા વધ્યો છે અને તે ૨૬૮૮ રૂપિયા થયો છે. આ આંકડો બજાર કરતાં વધુ સારું પ્રદર્શન છે કારણ કે આ સમયગાળા દરમિયાન બજારે લગભગ ૧૫ ટકા વળતર આપ્યું છે. આ દર્શાવે છે કે વેલ્યુએશન જાન્યુઆરી ૨૦૨૨ કરતાં ઓછું છે.
જોકે સંબંધિત મૂલ્યાંકન હજુ પણ પ્રીમિયમ પર છે. એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટની સાપેક્ષે એમએસસીઆઈ ઈન્ડિયા ૧૦૦% પ્રીમિયમ પર ટ્રેડિંગ કરી રહ્યું છે. તેની સરખામણીમાં લોંગ પીરિયડ એવરેજ ૭૦ ટકા છે. આ કિસ્સામાં સરેરાશ પ્રીમિયમ છેલ્લા ૧૦ વર્ષનું છે. આર્થિક સ્થિતિ સારી હોવાથી પ્રીમિયમ વધુ હોવા છતાં ટકાવી રાખવાની અપેક્ષા છે.
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં પણ સમાન વલણ જોવા મળ્યું છે. છેલ્લા ૪ મહિનામાં બંને ઈન્ડેકસમાં ૨૪ ટકાનો વધારો થયો છે. હાલમાં તેઓ અનુક્રમે ૨૫ ગણા અને ૨૬.૭ ગણાના ગુણાંકમાં ટ્રેડિંગ કરી રહ્યાં છે. જોકે સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં તેમનો ટ્રેલિંગ ૧૨-મહિનાનો પીઈ રેશિયો અનુક્રમે ૩૫ ગણો અને ૪૨ ગણો હતો.
એપ્રિલ ૨૦૨૧માં મિડકેપ ઇન્ડેક્સ લગભગ ૨૦,૩૦૦ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૨૧,૬૭૦ પર હતો. આ અનુક્રમે ૫૭ ગણો અને ૭૭ ગણો પીઈ રેશિયો છે. ઉચ્ચ પીઈ રેશિયોનું કારણ કોરોના રોગચાળાને કારણે કમાણીમાં ઘટાડો હતો.
શેરબજારના વેલ્યુએશન પર નજર
મહિનો | સેન્સેકસ | ૧૨ | બીએસઈ | ૧૨ | બીએસઈ | ૧૨ |
– | લેવલ | મહિનાનો | સ્મોલકેપ | મહિનાનો | સ્મોલકેપ | મહિનાનો |
– | – | PE | – | PE | – | PE |
જાન્યુઆરી,૨૨ | ૫૮,૦૧૫ | ૨૮.૧૭ | ૨૪,૬૧૩ | ૨૭.૨૪ | ૨૯,૨૨૭ | ૪૬.૭ |
એપ્રિલ, ૨૨ | ૫૭,૦૬૦ | ૨૫.૪ | ૨૪,૪૧૮ | ૨૪.૯૭ | ૨૮,૬૧૨ | ૩૯.૭૮ |
જૂન, ૨૦૨૨ | ૫૩,૦૧૯ | ૨૧.૭૯ | ૨૧,૭૧૩ | ૨૦.૪૪ | ૨૪,૭૮૬ | ૩૩.૯૧ |
ડિસેમ્બર, ૨૦૨૨ | ૬૦,૮૪૦ | ૨૩.૬૨ | ૨૫,૩૧૫ | ૨૬.૮૮ | ૨૮,૯૨૭ | ૨૪.૩૨ |
માર્ચ, ૨૦૨૩ | ૫૮,૯૯૧ | ૨૨.૨૧ | ૨૪,૦૬૬ | ૨૩.૪૨ | ૨૬,૯૫૭ | ૨૨.૨૭ |
જુલાઈ, ૨૦૨૩ | ૬૭,૦૦૦ | ૨૪.૭૩ | ૨૯,૪૨૩ | ૨૫.૨૫ | ૩૩,૮૨૮ | ૨૬.૬૫ |