– સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૧૦૩૮ પોઈન્ટ ગબડયો : નિફટી ૨૩૪ પોઈન્ટ ગબડીને ૧૯૭૪૫
– છ દિવસની રેકોર્ડ તેજીને બ્રેક : આઈટી ઈન્ડેક્સ ૧૩૫૪ પોઈન્ટ તૂટયો
ચોમાસાની સારી પ્રગતિ બાદ ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિ, લીલા દુકાળનો ભય ઊભો થવા સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આઈટી જાયન્ટ ઈન્ફોસીસે ગઈકાલે ત્રિમાસિક પરિણામ સાથે વર્ષ માટે આવક વૃદ્વિનો અંદાજ ઘટાડીને મૂકતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝની પ્રાઈસ ડિસ્કવરી, વેલ્યુએશનની ગેમ પૂરી થતાં આજે ફંડો, તેજીના મોટો ખેલાડીઓએ છ દિવસની રેકોર્ડ તેજીને બ્રેક લગાવી હતી. તેજીના ઐતિહાસિક ઘોડાપૂરમાં અનેક શેરોના ભાવો બેફામ વધી જતાં અનિવાર્ય બની ગયેલું કરેકશન આજે આઈટી શેરોને નિમિત બનાવી આપવામાં આવ્યું હતું.
આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં ફંડોની વેચવાલીએ સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૧૦૩૮.૧૬ પોઈન્ટ અને નિફટી સ્પોટ ૨૭૯.૧૫ પોઈન્ટનો ઈન્ટ્રા-ડે કડાકો બોલાઈ ગયો હતો. નિફટી નીચામાં ૧૯૭૦૦ થઈ અંતે ૨૩૪.૧૫ પોઈન્ટ ઘટીને ૧૯૭૪૫ બંધ રહ્યો હતો. સેન્સેક્સ નીચામાં ૬૬૫૩૩.૭૪ સુધી ખાબકી અંતે ૮૮૭.૬૪ પોઈન્ટ ગબડીને ૬૬૬૮૪.૨૬ બંધ રહ્યો હતો.
ઈન્ફોસીસ નબળા ગાઈડન્સે રૂ.૧૧૮ તૂટયો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ઈન્ફોસીસ પાછળ કડાકો બોલાઈ ગયો હતો. કરેકશન માટે આઈટી શેરો ફંડો, મહારથીઓ માટે હંમેશા હાથવગું હથિયાર હોય એમ આજે ઈન્ફોસીસના આવક-અંદાજો પાછળ કડાકો બોલાવી દેવાયો હતો. ઈન્ફોસીસે આવકના વર્ષ માટેના વૃદ્વિના અંદાજને ઘટાડીને એક થી ૩.૫ ટકા મૂકતાં શેરમાં હેમરીંગે રૂ.૧૧૮.૪૫ તૂટીને રૂ.૧૩૩૦.૪૦ રહ્યો હતો. એચસીએલ ટેકનોલોજી રૂ.૩૮.૪૫ તૂટીને રૂ.૧૧૧૬.૭૫, વિપ્રો રૂ.૧૨.૮૦ તૂટીને રૂ.૪૦૪.૫૫, ટીસીએસ રૂ.૯૨.૭૫ તૂટીને રૂ.૩૩૬૯.૬૦, ટાટા એલેક્સી રૂ.૧૯૨.૭૦ તૂટીને રૂ.૭૩૧૧.૩૦ રહ્યા હતા. અલબત તાન્લા પ્લેટફોર્મ્સ રૂ.૧૪૫.૪૦ વધીને રૂ.૧૨૬૩.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૩૮૪.૬૨ પોઈન્ટ તૂટીને ૩૦૦૯૯.૨૪ બંધ રહ્યો હતો.
રિઝલ્ટ પૂર્વે રિલાયન્સમાં પ્રોફિટ બુકિંગ
જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝનું રૂ.૧.૬૬ લાખ કરોડથી વધુ વેલ્યુએશન નક્કી થયા બાદ વેલ્યુએશનની ગેમ હાલ તુરત પૂરી થવા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જૂન ૨૦૨૩ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામ શુક્રવારે સાંજે જાહેર થતાં પૂર્વે સાવચેતીમાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફંડોએ નફારૂપી વેચવાલી કરતાં શેર રૂ.૬૬.૮૦ ઘટીને રૂ.૨૫૩૬.૨૦ રહ્યો હતો. શેર નીચામાં આજે રૂ.૨૫૨૩.૬૦ સુધી ગયો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૬૭ પોઈન્ટ તૂટયો
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે પ્રોફિટ બુકિંગ થતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૬૬.૫૩ પોઈન્ટ ઘટીને ૪૨,૨૫૬.૬૪ બંધ રહ્યો હતો. હવેલ્સ ઈન્ડિયા રૂ.૪૫.૨૫ ઘટીને રૂ.૧૩૦૩.૧૦, વોલ્ટાસ રૂ.૧૨.૮૫ ઘટીને રૂ.૭૬૪.૫૫, બજાજ ઈલેક્ટ્રિકલ્સ રૂ.૯.૫૦ ઘટીને રૂ.૧૨૫૯.૯૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓફલોડિંગ વધ્યું
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, મ્યુચ્યુઅલ ફંડોનું ઓફલોડિંગ વધતાં માર્કેટબ્રેડથ વધુ ખરાબ બની હતી. બીએસઈમાં આજે ટ્રેડીંગ થયેલી ૩૫૧૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ઘટીને ૧૬૧૫ અને ઘટનારની સંખ્યા વધીને ૧૭૭૨ રહી હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૧.૯૫ લાખ કરોડ ઘટયું
સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએઆજે તેજીને બ્રેક લગાવી મોટું કરેકશન આપતાં અને ફંડોની એ ગુ્રપ અને સ્મોલ, મિડ કેપ શેરોમાં નફારૂપી વેચવાલી વધતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૯૫ લાખ કરોડ ઘટીને રૂ.૩૦૨.૦૯ લાખ કરોડ રહ્યું હતું.
નિફટીના ૧%ના કડાકા સામે સ્જીભૈંમાં ૯%નું ગાબડું નોંધાતા બજારમાં અચંબો
ભારતીય શેરમાર્કેટમાં દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસના શેરમાં અંદાજે ૮%ના કડાકાના કારણે નેગેટીવ ટ્રેન્ડ ઉભો થતા આજે સેન્સેકસ-નિફટી જેવા બેંચમાર્કમાં સવા ટકાનો કડાકો જોવા મળ્યો હતો. જોકે એમએસસીઆઈ ઈન્ડેકસમાં એકાએક બપોરના સુમારે ૯ ટકાનો કડાકો જોવા મળ્યો હતો. ભારતીય સમય અનુસાર શુક્રવારે બપોરે ૧.૨૦ વાગ્યે ઈન્ડેક્સ અચાનક ૯ ટકાથી વધુ તૂટયો હતો. જોકે આ સમયે નિફ્ટીમાં માત્ર ૧.૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ એકાએક કડાકાએ બજારની ચાલ પર શંકા ઉપજાવી હતી. આ અંગે વૈશ્વિક ઈન્ડેક્સ પ્રોવાઈડર એમએસસીઆઈને પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું કે શુક્રવારના ટ્રેડિંગમાં એમએસસીઆઈ ઈન્ડિયા ઈન્ડેક્સમાં તીવ્ર ઘટાડાની તપાસ કરી રહ્યાં છે.