બોટમાં કુલ 40 લોકો સવાર હતા
હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે
ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પાસે મુસાફરોથી ભરેલી બોટ ડૂબી ગઈ હતી. સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર બોટમાં અંદાજે 40 લોકો સવાર હતા જેમાંથી 15ના મોતની પુષ્ટિ થઈ છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
બોટ ડૂબવાનું કારણ અકબંધ
ઇન્ડોનેશિયાની સ્થાનિક એજન્સીએ જણાવ્યું હતું કે બોટમાં સવાર 19 લોકો હજુ પણ ગુમ છે. છ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હાલ બોટ ડૂબવાનું કારણ સ્પષ્ટ થયું નથી. સ્થાનિક અધિકારી મોહમ્મદ અરાફાહે જણાવ્યું હતું કે તમામ મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને તેમના મૃતદેહો તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. આ સિવાય બચાવાયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં આ પ્રકારના અકસ્માતો સામાન્ય
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મુસાફરો આ બોટમાં દક્ષિણ-પૂર્વ સુલાવેસી પ્રાંતની રાજધાની કેંદારીથી 200 કિલોમીટર દૂર મુના દ્વીપની ખાડીને પાર કરી રહ્યા હતા. બોટ એ ઇન્ડોનેશિયામાં પરિવહનનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. દેશના 17,000 ટાપુઓ વચ્ચે મુસાફરી કરવા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. જો કે સલામતીના ધોરણોના અભાવને કારણે આ વિસ્તારમાં આ પ્રકારના અકસ્માતો સામાન્ય છે.