યુક્રેન-રશિયા યુદ્ધને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. શાંતિ માટે કોઈ માર્ગ મળતો નથી. હવે સઉદી અરબસ્તાને યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે અંતર-રાષ્ટ્રીય સ્તરની પરિષદ બોલાવી છે. તેમાં ભારતને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું છે. રીપોટર્સ જણાવે છે કે આ યુદ્ધમાં મધ્યસ્થતા કરવા ભારતને સમજાવવામાં આવશે.
આ પરિષદમાં ૩૦ દેશોના વરિષ્ટ અધિકારીઓ ભાગ લેવાના છે. જેમાં ઈન્ડોનેશિયા, ઈજીપ્ત, મેસિકો, ચીલી અને ઝાંબિયા પણ સામેલ છે. ૫-૬ ઑગસ્ટે આ પરિષદ યોજાવાની છે.
યુક્રેન અને પશ્ચિમના દેશોનું કહેવું છે કે આ પરિષદમાં રશિયાને સામેલ ન કરવું જોઈએ. રશિયાનું કહેવું છે કે શાંતિ ત્યારે જ સ્થાપિત થઈ શકે કે યુક્રેને તે વાત સ્વીકારવી જોઈએ કે જે પ્રદેશોમાં લોક-મત સંગ્રહ કરવામાં આવ્યો છે. તે પ્રદેશો રશિયાના છે, તે યુક્રેને સ્વીકારવું જોઈએ. યુક્રેન કહે છે કે પહેલા રશિયા પોતાની સેના યુક્રેનની ધરતી પરથી હટાવી લે તે પછી જ શાંતિ-મંત્રણા સંભવિત છે. જ્યારે રશિયા કહે છે કે યુક્રેને પહેલા શસ્ત્ર-વિરામ કરવો જોઈએ.
સઉદી અરબસ્તાનમાં યોજાનારી આ પરિષદમાં તે દેશોને આમંત્રિત કરાયા છે તેમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા, પોલેન્ડ અને યુરોપીય યુનિયને હાજરી આપવાનું વચન આપ્યું છે. અમેરિકાના એન.એસ.એ. જેક સુલીવાન પણ તે પરિષદમાં ઉપસ્થિત રહેશે. તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની એક પરિષદ જૂન મહિનામાં કોપનહેગનમાં પણ યોજાઈ હતી.
એક તરફ શાંતિ-મંત્રણાની તૈયારીઓ ચાલી રહે છે. ત્યારે બીજી તરફ શનિવારે યુક્રેને મોસ્કો ઉત્તર ‘દ્રેત’ દ્વારા હુમલા શરૂ કરી દીધા હતા. તેમાં એકનું મૃત્યુ પણ થયું હતું. તેમાં રશિયાનાં એક સરકારી મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. દરમિયાન પુતિને પ્રેસ કોન્ફરસમાં જણાવ્યું હતું કે યુક્રેની સેના સતત હુમલા કરી રહી છે. તેથી અમારા તરફથી પણ ગોળીબારી બંધ નહી થાય. આમ પરિસ્થિતિ વધુને વધુ ગુંચવાતી જાય છે.