ફુગાવો ઘટાડવા માટે બેંક ઓફ ઇંગ્લેન્ડે ફરી એક વખત વ્યાજ દર વધાર્યા ઃ વ્યાજ દર થોડાક સમય માટે ઉંચા જ રહેવાની ચેતવણી
સળંગ ૧૪મી વખત વ્યાજ દરમાં વધારો
બેંક ઓફ ઈંગ્લેન્ડે મોંઘવારીને ડામવા માટે ગુરુવારે મુખ્ય વ્યાજ દરમાં વધુ ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે. આ સાથે વ્યાજદર ૫.૨૫ ટકાએ ૧૫ વર્ષની ટોચે પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે સળગ ૧૪મી વખત બેંક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજ દરમાં વધારો કર્યો છે. જો કે અર્થશાસ્ત્રીઓએ અગાઉ જ અંદાજ વ્યક્ત કર્યો હતો કે મધ્યસ્થ બેંક આ વખતે પણ વ્યાજ દરમા વધારો કરશે.
મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)માં ૬-૩ના વોટિંગ સાથે સેન્ટ્રલ બેંક વ્યાજ દરમાં વધારો કર્યો છે. ેમધ્યસ્થ બેંકે ચેતવણી આપી છે કે ઉધાર ખર્ચ થોડા સમય માટે ઉંચા જ રહેવાની શક્યતા છે.
બ્રિટનમાં ફુગાવો ગયા વર્ષે ૧૧.૧ ટકાની ૪૧-વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને ત્યારબાદ અન્ય ટોચના અર્થતંત્રો કરતાં વધુ ધીમો ઘટયો છે.
જૂનમાં ઈંગ્લેન્ડમાં મોંઘવારી દર ઘટીને ૭.૯ ટકા થયો છે, જે અન્ય કોઈપણ મોટા અર્થતંત્રોમાં સૌથી વધુ છે. જોકે સેન્ટ્રલ બેંકે આગાહી કરી છે કે આ વર્ષના અંત સુધીમાં ફુગાવો ઘટીને ૪.૯ ટકા થવાની સંભાવના છે અને ફુગાવો ૨૦૨૫ના બીજા ક્વાર્ટર સુધી નિર્ધારિત ૨ ટકાના લક્ષ્યાંક પર પહોંચશે.
મે મહિનામાં ૪.૦ ટકા અને તાજેતરના ડેટાની આગાહી અનુસાર ૪.૦ ટકાનો બેરોજગારી દર ૨૦૨૪ના અંત સુધીમાં વધીને ૪.૮ ટકા થવાની આશંકા છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમેરિકાના ફેડ રિઝર્વ અને યુરોપની મધ્યસ્થ બેંકે પણ વ્યાજ દરમાં વધારો કર્યો હતો.