નવીદિલ્હી : સાઉથ આફ્રિકા સામેની આગામી વન-ડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બે ભારતીય ઝડપી બોલરો બહાર થઈ ગયા છે. વન-ડે ટીમમાં સામેલ દીપક ચહર ફેમિલી મેડિકલ ઇમર્જન્સીને કારણે વન-ડે નહીં રમે. જોકે BCCIએ ઈમર્જન્સી શું છે એની માહિતી આપી નથી. હાલમાં ચહરની જગ્યાએ આકાશ દીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે મોહમ્મદ શમી ટેસ્ટ ટીમમાં જોવા મળશે નહીં. શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે શમીએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો નથી. આવી સ્થિતિમાં તે ટીમનો ભાગ નહીં હોય. આ સાથે 50 ઓવરની ક્રિકેટમાં ભારતના કોચિંગ સ્ટાફને અસ્થાયી રૂપે બદલવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડના કોચિંગ સ્ટાફની જગ્યાએ ઈન્ડિયા A કોચ સિતાંશુ કોટક અને તેના સપોર્ટ સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે. દ્રવિડ અને તેનો સપોર્ટ સ્ટાફ હવે T20 સિરીઝ બાદ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝની જવાબદારી સંભાળશે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ત્રણ T20 શ્રેણી બાદ હવે ભારતે 17 ડિસેમ્બરથી ત્રણ મેચની વન-ડે શ્રેણી રમવાની છે. એ પછી ટીમ ઈન્ડિયાએ પ્રવાસના છેલ્લા ભાગમાં બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ પર બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરાયેલા મોહમ્મદ શમીને વન-ડે વર્લ્ડ કપ દરમિયાન ઈજા થઈ હતી. ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલાં તે મેડિકલ ટેસ્ટ ક્લિયર કરી શક્યો નહોતો. શમી વન-ડે વર્લ્ડ કપમાં ભારતનો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. તેણે 7 મેચમાં 24 વિકેટ લીધી હતી. જ્યારે વન-ડે અને ટેસ્ટ ટીમમાં સામેલ બેટર શ્રેયસ અય્યર પ્રથમ વન-ડે બાદ ટેસ્ટ ટીમ સાથે જોડાશે. તે સિરીઝની છેલ્લી બે વન-ડે મેચમાં ટીમનો ભાગ નહીં હોય. BCCIએ રવિવાર (17 ડિસેમ્બર)થી રમાનારી દક્ષિણ આફ્રિકા સામે 3 મેચની વન-ડે સિરીઝ પહેલાં કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. રાહુલ દ્રવિડ વન-ડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ નહીં હોય. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાને નવો કોચિંગ સ્ટાફ મળશે. ઈન્ડિયા A કોચ સિતાંશુ કોટક ODI શ્રેણી માટે હેડ કોચ રહેશે. ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રાને નવા કોચિંગ સ્ટાફમાં ઉમેરવામાં આવ્યા છે, જેઓ ફિલ્ડિંગ કોચની ભૂમિકા નિભાવશે, જ્યારે રાજીવ દત્ત બોલિંગ કોચની ભૂમિકા નિભાવશે. દ્રવિડ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ સહિત તેનો કોચિંગ સ્ટાફ પ્રવાસના અંતમાં નિર્ધારિત દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરશે. વન-ડે ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન , અર્શદીપ સિંહ અને આકાશ દીપ. ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન) અને પ્રસિદ્ધ ક્રિષ્ના.