મુંબઈ : વર્તમાન નાણાં વર્ષ ઉપરાંત આગામી નાણાં વર્ષમાં પણ દેશમાં પ્રાઈમરી માર્કેટ મારફત નાણાં ઊભા કરવાની માત્રા ઊંચી જોવા મળી રહી છે. આગામી નાણાં વર્ષમાં ૬૫થી વધુ જેટલી કંપનીઓએ રૂપિયા ૭૨૦૦૦ કરોડથી વધુ જેટલું ભંડોળ ઊભું કરી લેવા પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાનું સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના સુત્રો જણાવી રહ્યા છે ૨૫ જેટલી કંપનીઓને ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) માટે સેબીની મંજુરી મળી ગઈ છે જ્યારે બીજી ૪૧ કંપનીઓ સેબીની મંજુરીની રાહ જોઈ રહી છે. જે ૨૫ કંપનીઓને મંજુરી મળી ગઈ છે તે સંયુકત રીતે રૂપિયા ૨૭૧૯૦ કરોડ ઊભા કરવા ધારે છે જ્યારે મંજુરી માટે રાહ જોતી બાકીની ૪૧ કંપનીઓ રૂપિયા ૪૫૫૦૦ કરોડથી વધુ ઊભા કરવા યોજના ધરાવે છે.દેશમાં સેકન્ડરી માર્કેટની સાથોસાથ પ્રાઈમરી માર્કેટમાં પણ રોકાણકારોનું વ્યાપક આકર્ષણ જોવા મળી રહ્યું છે. જાહેર ભરણાં મારફત ઈક્વિટીઝમાં રોકાણ કરવા રિટેલ રોકાણકારોનો ઉત્સાહ જળવાઈ રહેવાની ધારણાં છે કેલેન્ડર વર્ષ ૨૦૨૩ની સરખામણીએ અનેક મોટી કંપનીઓ આઈપીઓ લાવી રહી છે, માટે આઈપીઓનું સરેરાશ કદ પણ ઊંચુ જોવા મળશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. એપ્રિલ-મે આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર પણ રોકાણકારો માટે સાનુકૂળ વાતાવરણ પૂરુ પાડવા ઈરાદો ધરાવે છે. આગામી એકથી બે વર્ષમાં દેશની પ્રાઈમરી માર્કેટમાં જાહેર ભરણાં મારફત ૧૦ અબજ ડોલર જેટલું ભંડોળ ઊભુ થવાની ધારણાં મૂકવામાં આવી રહી છે ૨૦૨૩માં મેઈનબોર્ડ આઈપીઓ મારફત ૫૭ કંપનીઓએ રૂપિયા ૪૯૪૩૦ કરોડ ઊભા કર્યા હતા, જે ૨૦૨૨ની સરખામણીએ ૧૭ ટકા ઓછા હતા. ૨૦૨૨માં ૪૦ કંપનીઓએ આઈપીઓ મારફત રૂપિયા ૫૯૩૦૦ કરોડ ઊભા કર્યા હતા.