કોરોનાને ડામવા માટે વેક્સિન સાથે વૈજ્ઞાનિકો નવી આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે. દક્ષિણ અમેરિકામાં જોવા મળતાં ‘લામા’ ઊંટના શરીરની નેનોબોડીઝ કોરોના સામે લડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ નેનોબોડીઝ પ્રોટીનમાંથી બને છે. વાઈરસ સામે લડતું આ પ્રોટીન કોરોના પીડિતોના નાકમાં સ્પ્રે તરીકે ઈન્જેક્ટ કરવામાં આવે છે. આ નેનોબોડીઝ એક પ્રકારની એન્ટિબોડીઝ જ છે.રિસર્ચ કરનાર ઈંગ્લેન્ડની રોઝાલિંડ ફ્રેંક્લિન ઈન્સ્ટિટ્યુટના સંશોધકના જણાવ્યા પ્રમાણે, આ અમેરિકન ઊંટમાં બનતી નેનોબોડીઝ કોરોનાના જુદા જુદા વેરિઅન્ટ સામે લડી શકે છે. કોરોનાથી સંક્રમિત પશુઓમાં આ નેનોબોડીઝ ઈન્જેક્ટ કરવા પર તેમનાં લક્ષણો ઓછાં થતાં જોવાં મળ્યાં છે. આ નેનોબોડીઝ લેબમાં મોટા પાયે તૈયાર કરી શકાય છે. માણસો માટે એન્ટિબોડીઝના સોર્સ તરીકે તે સરળ વિકલ્પ સાબિત થઈ શકે છે.’નેચર કમ્યુનિકેશન ‘ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, લામાના શરીરમાં એન્ટિબોડીઝ બનતી રહે છે. તે કોરોના સામે કેટલી કારગર સાબિત થાય છે તે સમજવા માટે લામાના શરીરમાં સ્પાઈક પ્રોટીન ઈન્જેક્ટ કરવામાં આવ્યા. શરીરમાં સ્પાઈક પ્રોટીનની હાજરી હોવા છતાં તેઓ બીમાર થયાં નહિ. બીમાર થવાને બદલે તેમનાં શરીરમાં વાઈરસનો સામનો કરનાર નેનોબોડીઝ બની. તે કોરોના સામે અસરકારક સાબિત થઈ. કોરોના વેક્સિન માણસોમાં આ જ પ્રકારનું કામ કરે છે.વૈજ્ઞાનિકોએ લામાના બ્લડ સેમ્પલમાંથી કોરોના સામે અસરકારક સાબિત થનાર 4 નેનોબોડીઝ અલગ કરી. કોરોના સામે કારગર સાબિત થયેલી નેનોબોડીઝ લેબમાં તૈયાર કરવામાં આવી. રિસર્ચમાં જોવા મળ્યું કે આ નેનોબોડીઝ એક ચેન બનાવી પોતાની ક્ષમતા વધારે છે અને કોરોના સંક્રમણ ફેલાવતાં રોકે છે.