શનિ-રવિનાં દિવસે પણ પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશે
દરેક ઝોનમાં એક એક સિવિક સેન્ટર ચાલુ રાખવા મ્યુનિ.કમિશનરની સૂચના
અમદાવાદ મ્યુનિ.નાં નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ યોજનાને સફળ બનાવવા માટે શનિવાર અને રવિવારે રજાનાં દિવસોએ પણ દરેક ઝોનમાં એક એક સિવિક સેન્ટર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. મ્યુનિ. રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકિલે જણાવ્યું હતું કે, મ્યુનિ.ની એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ લેવા લોકો તૈયાર હોય છે, પરંતુ નોકરિયાત વર્ગ સહિતનાં નાગરિકોને સપ્તાહ દરમિયાન સમય ન મળે તો તેઓ શનિવાર-રવિવારે આવા કામો આટોપતાં હોય છે. બીજી બાજુ મ્યુનિ.ના સિવિક સેન્ટર બીજા અને ચોથા શનિવારે તથા દર રવિવારે બંધ હોય છે તે જોતાં નાગરિકોની સુવિધા માટે શનિ-રવિ સિવિક સેન્ટર ચાલુ રાખવા માટે તેમણે કમિશનરને પત્ર પાઠવ્યો હતો અને કમિશનરે પણ તેમની રજૂઆતને સમજી ઇ-ગવર્નન્સ વિભાગને દરેક ઝોનમાં એક એક સિવિક સેન્ટર ચાલુ રખાવવાની તેમજ નાણાંખાતાને બેંક સાથે સંકલન કરવા અને ઝોનલ ટેક્સ વિભાગને એક એક કેશિયર જેવા કર્મચારી હાજર રાખવાની સૂચના પાઠવી દીધી છે. નોંધનીય છે કે, મ્યુનિ.ને પણ આવક થાય તેવા હેતુથી જુદા જુદા પ્રકારની રિબેટ યોજના પ્રથમવાર જાહેર કરવામાં આવી છે.
રજાનાં દિવસોએ કઇ જગ્યાએ સિવિક સેન્ટર ચાલુ રખાશે
મધ્ય રિલિફ રોડ
પશ્ચિમ ઉસ્માનપુરા
ઉત્તર મેમ્કો
દક્ષિણ મણિનગર
પૂર્વ વિરાટનગર
નવો ઝોન બોડકદેવ કચેરી