મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના

0
342

શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને ભાજપ શાસિત ૧૮ રાજયોના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

જયેશ રાદડિયા, સૌરભ પટેલ, જીતુ વાઘાણી, ગણપત વસાવા, બાબુભાઈ બોખીરીયા, પ્રદિપસિંહ જાડેજા, પરષોતમ સોલંકી, હકુભા જાડેજા, કાનાણીને મંત્રીપદ મળે તેવી શક્યતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે રાજયમાં છઠ્ઠી વખત ભાજપ સરકાર બનાવવા જઈ રહ્યું છે. ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાંડેની ખાસ ઉપસ્થિતિમાં મળેલી ધારાસભ્યની બેઠકમાં દળના નેતા તરીકે વિજયભાઈ રૂપાણી અને ઉપનેતા તરીકે નીતિનભાઈ પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. આગામી મંગળવારે વિજયભાઈ રૂપાણી પોતાના મંત્રીમંડળ સાથે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરે તેવી સંભાવના જણાઈ રહી છે.

શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ઉપરાંત ભાજપ શાસિત ૧૮ રાજયોના મુખ્યમંત્રી પણ હાજરી આપશે. શપથગ્રહણ સમારોહમાં અમદાવાદ કાંકરીયા ખાતે યોજાય તેવી શકયતા જણાઈ રહી છે.

ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી મળતા ભાજપ હાઈકમાન્ડે ફરી એક વખત રાજયની કમાન રાજકોટના લોકલાડીલા ધારાસભ્ય વિજયભાઈ રૂપાણીને સોંપવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે મળેલી ધારાસભ્યોની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલની વધુ એકવાર સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની પસંદગી બાદ હવે ભાજપે શપથવિધિ સમારોહની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આજે વિજયભાઈ રૂપાણી સરકાર રચવા માટે રાજયપાલ ઓ.પી.કોહલી સમક્ષ પ્રસ્તાવ રજુ કરશે અને મંગળવારે મંત્રીમંડળ સાથે શપથગ્રહણ કરશે. શપથગ્રહણ સમારોહ અમદાવાદમાં કાંકરીયા તળાવના કાંઠે યોજાઈ તેવી સંભાવના જણાઈ રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાં જયેશભાઈ રાદડિયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ગણપતભાઈ વસાવા, બાબુભાઈ બોખીરીયા, પ્રદિપસિંહ જાડેજા સહિતનાને કેબિનેટ મંત્રીનો દરજજો મળે તેવી સંભાવના હાલ વર્તાઈ રહી છે.

અનેક મંત્રીઓ ચૂંટણીમાં હારી ગયા હોય મંત્રી મંડળમાં રાજયકક્ષાના મંત્રી તરીકે નવા ચહેરાને તક મળી શકે છે. ભાવનગરથી ચુંટાયેલા પરસોતમભાઈ સોલંકી પોતાનું મંત્રીપદ જાળવી રાખશે. આ ઉપરાંત વલ્લભભાઈ કાકડીયા, રોહિતભાઈ પટેલ, નીમાબેન આચાર્યને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે.

શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ઉપરાંત ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડનવીસ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે, બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર, ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકર સહિત ભાજપ શાસિત ૧૮ રાજયોના મુખ્યમંત્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે.