ચૂંટણી વાયદા મુજબ 10 દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરતી કોંગ્રેસ સરકાર..!
એજન્સી, ભોપાલ: ખેડૂતોના દેવા માફીના વાયદાએ કોંગ્રેસને ત્રણેય રાજ્યોમાં સત્તા અપાવ્યા પછી કોંગ્રેસે પણ આ મુદ્દાને યથાવત રાખવા પહેલુ પગલું ભર્યું હતું. સામવારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદની શપથ લીધાના કલાકોમાં જ કમલનાથે ખેડૂતોની દેવા માફી ફાઇલ પર હસ્તાક્ષર કરી મંજૂરી આપી હતી. તેની સાથે જ ખેડૂતોને સરકારી અને સહકારી બેન્કો દ્વારા આપવામાં આવેલ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થઇ જશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન વાયદો કર્યો હતો કે, રાજ્યમાં તેમની સરકાર રચાશે તો માત્ર 10 દિવસની અંદર જ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે.
ખેડૂત કલ્યાણ અને ખેતી વિકાસ વિભાગ મધ્ય પ્રદેશના પ્રમુખ સચિવ ડો. રાજેશના હસ્તાક્ષર સાથે જાહેર કરાયેલ પત્ર મુજબ, 31 માર્ચ 2018 પહેલા જેટલા ખેડૂતોને બે લાખ સુધીનું દેવું ચૂકવવા પાત્ર હશે, તેને માફ કરવામાં આવે છે. જેનાથી સરકારી અને સહકારી બેન્કો પાસેથી લોન લેનાર ખેડૂતોને લાભ થશે.
સોમવારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનેલ કમલનાથે તેમના કામની શરૂઆત ખેડૂતોના દેવા માફ કરીને કરી હતી. આ સિવાય કન્યા વિવાહ યોજના હેઠળ આપવામાં આવતી રકમને વધારીને 51 હજાર કરવામાં આવી હતી. રાજ્યમાં ચાર ગારમેન્ટ પાર્ક બનાવવાની શરૂઆત પણ કરી દેવાઇ હતી. મધ્ય પ્રદેશના સીએમ દ્વારા દેવા માફી જાહેરનામાં પર હસ્તાક્ષર પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી હતી કે, મધ્ય પ્રદેશના સીએમે ખેડૂતોના દેવા માફ કર્યા. એક એ કર્યા બે બાકી.
ઉલ્લેખનીય બાબત છે કે, ચૂંટણી પ્રચારમાં દેવા માફીના વાયદાઓને લીધે મધ્ય પ્રદેશ રાજ્યના ઘણા ખેડૂતોએ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. ખેડૂતો પહેલેથી જ જાણતા હતા કે કોંગ્રેસ આવશે અને તેમના દેવા માફ કરશે. સરકારી આંકડાઓ અનુસાર આ વર્ષે રાજ્યમાં ખેડૂતોએ અનાજના પાકનું વેચાણ પર ઓછું કર્યું હતું, કારણ કે જો ખેડૂતો અનાજ વેચતા તો તેમને મળતી લઘુત્તમ સમર્થન કિંમત તેમના ખાતાઓમાં જમા થતી અને બેન્કો ખાતામાંથી લોનના હપ્તા કાપી લેતી.
ચૂંટણી પ્રચારમાં પણ કોંગ્રેસ નેતાઓએ ખેડૂતોને દેવા માફીનો વાયદો કરતા અપીલ કરી હતી કે અનાજના પાકને વેચશો નહી અને કોંગ્રેસને વોટ આપો. નોંધનીય છે કે, રાજ્યમાં વિતેલા કેટલાક વર્ષોમાં ખેડૂતોએ ઘણી વખત નાના-મોટા આંદોલન કર્યા હતા.