ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલમાં જ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) હવે એ નિષ્કર્ષ પર પહોંચી ગઈ છે કે ટુર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલના આધારે જ કરવામાં આવે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. ICCના ટોચના સૂત્રના જણાવ્યા અનુસાર, ગુરુવારે દુબઈમાં ICCના હેડક્વાર્ટર ખાતે નવા ચેરમેન જય શાહ અને પાકિસ્તાનના પ્રતિનિધિ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વચ્ચેની અનૌપચારિક બેઠક દરમિયાન આ નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તમામ પક્ષો સૈદ્ધાંતિક રીતે સહમત થયા છે કે વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી UAE અને પાકિસ્તાનમાં યોજાશે.
પાકિસ્તાન હાઇબ્રિડ મોડલ માટે સંમત!
પાકિસ્તાને ગયા અઠવાડિયે ICCની બેઠકનો બહિષ્કાર કરવાની ધમકીને પાછી ખેંચી લીધી હતી. ત્યાર પછી પાકિસ્તાને હાઇબ્રિડ મોડલ માટે સંમતિ દર્શાવી હતી. અને 2031 સુધીમાં પોતાના માટે આ પ્રકારની વ્યવસ્થાની માંગ કરી હતી. જો કે ICC 2027 સુધી તેની તમામ ટુર્નામેન્ટ માટે હાઇબ્રિડ મોડલ માટે સંમત છે. આ દરમિયાન ભારત આવતા વર્ષે ઓક્ટોબરમાં મહિલા વનડે વર્લ્ડકપ અને શ્રીલંકા સાથે સંયુક્ત રીતે 2026 પુરુષ T20 વર્લ્ડકપની યજમાની કરશે.જો હાઇબ્રિડ મોડલ અમલમાં નહી આવે તો પણ પાકિસ્તાનને વર્ષ 2026માં યોજાનારી ટુર્નામેન્ટ માટે ભારત આવવાની ફરજ પાડી શકાશે નહી. સૂત્રએ જણાવ્યું કે, પાકિસ્તાન 2026ના પુરુષ T20 વર્લ્ડકપ દરમિયાન શ્રીલંકામાં તેની મેચ રમશે. હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાને કારણે PCB દ્વારા માંગવામાં આવેલ વળતર હજુ પણ વિચારણા હેઠળ છે.
અંતે પાકિસ્તાને ઝુકવું પડ્યું :
હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. તેનું સૌથી મોટું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ મડાગાંઠ છે. BCCIએ પહેલાથી જ ICCને જાણ કરી દીધી હતી કે, ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. તો બીજી તરફ પાકિસ્તાન કોઈપણ ભોગે હાઇબ્રિડ મોડલ માટે સંમત થવા તૈયાર ન હતું. ગયા અઠવાડિયે ICCની બેઠકમાં પાકિસ્તાને હાઇબ્રિડ મોડલને અસ્વીકાર કરવાની વાત કહી હતી. ત્યારબાદ ICCએ પાકિસ્તાનને અલ્ટીમેટમ આપ્યું હતું. આ પછી પાકિસ્તાને ઝુકવું પડ્યું અને ICCની સૂચનાઓ સ્વીકારવી પડી હતી. હવે ICC દ્વારા ટૂંક સમયમાં ટુર્નામેન્ટના શેડ્યૂલની જાહેરાત થઇ શકે છે.