Zomatoમાંથી વેજ નૂડલ્સ મંગાવ્યા, પણ ડિલિવર થયું નોનવેજ ફૂડ

0
19

ઘેરબેઠાં મનપસંદ વિવિધ વાનગીઓ આરોગવા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે, પરંતુ ગઈ કાલે શહેરની એક યુવતીને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવામાં કડવો અનુભવ થયો છે.

ઘરે ફૂડ ઓર્ડર કરતી એપમાંથી મંગાવ્યુ ભોજન પણ વેજને બદલે નોનવેજ જમવાનું આવતા ગ્રાહક ભડક્યુ.

નહેરુનગર વિસ્તારમાં રહેતી જાસ્મીન પટેલે ગઈ કાલે બપોરે Zomato એપ પરથી ફૂડ ઓર્ડર કર્યો હતો. તેણે પ્રહ્લાદનગરમાં આવેલી માર્કી મોમોસમાંથી વેજ હક્કા નૂડલ્સ મંગાવ્યા હતા, જે બાદ થોડી જ વારમાં તેમનો ઓર્ડર આવ્યો હતો. જોકે તેમાં વેજના બદલે નોન વેજ નૂડલ્સ ડિલિવર કરાયા હતા.

સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો અનુભવ
ત્યારબાદ યુવતીએ આ બાબતે તાત્કાલિક રેસ્ટોરાંને ફોન કરી જાણ કરતાં તપાસ કરીએ છીએ તેમ કહીને ફોન મૂકી દીધો હતો. યુવતીએ ઝોમેટોમાં ફોન કરીને પોતાની સાથે થયેલી આ ઘટના વિશે કહેતાં રેસ્ટોરાંના માલિક હાજર નથી તેવો જવાબ મળ્યો હતો. જાસ્મીન પટેલે આ અનુભવને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. Zomato જવાબદાર કંપની તરીકે આ બાબતે તપાસ કરીને પગલાં લે તેવી તેમણે માગ કરી છે.