અમૃતસરમાં દશેરા સમારોહ દરમિયાન થયેલી દુર્ઘટનાનો ઘણાં વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે. શનિવારે બપોરે ગુસ્સે થયેલા લોકોએ શિવાલા ફાટકના ગેટમેન નિર્મલ સિંહ સાથે મારઝૂડ કરી હતી અને તેને રેલવેની કેબીનમાંથી બહાર ફેંકી દીધો હતો. તેના માથામાં ઈજા થઈ હતી. બીજી બાજુ મુખ્યમંત્રી અમરિંદર સિંહ ઘટનાના 16 કલાક પછી હોસ્પિટલ ઘાયલોની મુલાકાત કરવા પહોંચ્યા હતા. તેઓ મોડા પહોંચ્યા હતા તે વિશે તેમણે ખુલાસો પણ કર્યો હતો. તેમણે કહ્યું, હું ઈઝરાયલ જવાનો હતો. ઘટના સમયે દિલ્હી એરપોર્ટ પર હતો. તેથી ત્યાંથી આવતા વાર લાગી. જ્યારે રાજ્યના રેલ મંત્રી મનોજ સિન્હાએ કહ્યું છે કે, આ દુર્ઘટનામાં રેલવે વિભાગની કોઈ ભૂલ નથી. રેલવે પ્રશાસનને આ પ્રકારના આયોજનની કોઈ માહિતી આપવામાં આવી જ નથી.
મીડિયાને શું કહ્યું સીએમએ?
મુખ્યમંત્રી અમરિંદર સિંહે 16 કલાક પછી હોસ્પિટલની મુલાકાત લઈને પીડિતોની હાલત જાણી છે. તેમણે કહ્યું છે કે, આ ઘટનામાં 59 લોકોના મોત થયા છે જ્યારે 57 લોકો ઘાયલ થયા છે. શક્ય હશે તેટલા જલદી મૃતકોના પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવશે. 9 સિવાય બાકી બધા મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસને ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને 4 સપ્તાહમાં રિપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું છે.
પંજાબ સરકારનું કહેવું છે કે, અમૃતસરમાં રાવણ દહન જોઈ રહેલાં લોકો બે ટ્રેનની અડફેટે આવી ગયા હતા તેમાં રેલવે વિભાગની કોઈ ભૂલ નથી. ઘટના પછી અમૃતસર પહોંચેલા રાજ્યમંત્રી મનોજ સિન્હાએ શનિવારે કહ્યું કે, આ દુર્ઘટનામાં રેલવે વિભાગની કોઈ ખામી નથી. રેલવે પ્રશાસનને આ આયોજનને કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યાંના સ્થાનિક પ્રશાસનના અગ્રણ અધિકારીએ પણ કહ્યું કે, આ પ્રમાણેના કોઈ આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે સ્થાનિક પ્રશાસનને જ રાવણ દહનના કાર્યક્રમ વિશે જાણ નથી તો રેલવે વિભાગને કેવી રીતે ખબર હોય?
પંજાબમાં રાજકીય શોકની કરાઈ જાહેરાત
ટ્રેન જલંધરથી અમૃતસર જઈ રહી હતી ત્યારે જ જોડા ફાટક પાસે આ દુર્ઘટના બની હતી. આ ભયાનક ઘટના પછી પંજાબમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વિટ કર્યું છે કે, અમૃતસર રેલવે દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એક દિવસનો શોક રાખવામાં આવશે. આજે પંજાબની દરેક સ્કૂલ-કોલેજ અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ સમયે અંદાજે 200થી વધુ લોકો હતાં જે રેલવે ટ્રેક નજીક ઊભા રહીને રાવણદહન જોઈ રહ્યાં હતાં.
દુર્ઘટનામાં 70 લોકોના મોત
જાણો અમૃતસર ટ્રેન દુર્ઘટના સાથે જોડાયેલી મહત્વની 10 વાતો
1) અમૃતસરના પ્રથમ ઉપમંડળ મેજિસ્ટ્રેટ રાજેશ શર્માએ 70 લોકોના મોતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ઘાયલ લોકોને અમૃતસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ રેલવે વિભાગનું કહેવું છે કે, અમૃતસરમાં દુર્ઘટના સ્થળ પાસે દશેરા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે તેવી કોઈ માહિતી આપવામાં આવી નહોતી. રેલવે વિભાગે પણ આ માટે કોઈ મંજૂરી આપી નથી.
2) સ્થાનીક અધિકારીઓએ જણાવ્યું કે રાવણદહન અને ફટાકડાં ફૂટ્યાં પછી ભીડમાંથી અમુક લોકો રેલવે ટ્રેક પર આવી ગયા હતા. ત્યાં પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો ઊભા રહીને રાવણદહન જોઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, તે સમયે બે વિરુદ્ધ દિશામાંથી એક સાથે ટ્રેન આવી હોવાથી લોકોને બચવા માટે સમય ખૂબ ઓછો રહ્યો. ઘણાં લોકો ટ્રેન નીચે કચડાઈ ગયા. આ સમયે ઘટના સ્થળે ચીસો-બૂમો શરૂ થઈ ગઈ હતી. ભાન ગુમાવી બેસેલા લોકો તેમના પરિવારજનોને શોધી રહ્યા હતા. ઘટનાના કલાકો પછી પણ ક્ષત-વિક્ષત લાશો ઘટના સ્થળ પર પડી રહી હતી. કારણ કે નારાજ લોકો પ્રશાસનને મૃતદેહો હટાવવાની કામગીરી કરવા દેતા નહોતા. ઘણાં મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.
3) ઘટના પછી લોકોએ નવજોત કૌર સિદ્ધુ સામે નારેબાજી શરૂ કરી હતી જે રાવણદહનના કાર્યક્રમ દરમિયાન ત્યાં મુખ્ય અતિથિ તરીકે ત્યાં હાજર હતા. જોકે નવજોત કૌર સિદ્ધુએ કહ્યું છે કે, તેઓ ઘટના સમયે કાર્યક્રમ સ્થળ પર હતાં જ નહીં. તેમણે કહ્યું કે, દુર્ઘટનાના તુરંત પછી તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી કે, દશેરા આયોજન દરમિયાન ટ્રેકના આ ભાગમાં ટ્રેનોની સંખ્યા ઓછી રાખે.
4) રાવણ દહન કાર્યક્રમના મુખ્ય અતિથિ નવજોત કૌરે કહ્યું કે, આ દુર્ઘટના વિશે રાજકારણ કરવું શરમજનક છે. હું ઘરે પહોંચી ત્યારપછી મને આટલાં લોકોના મોત થયા હોવાની માહિતી મળી હતી. મેં પોલીસ વિભાગને ફોન કરીને જાણ્યું કે, શું મારે દુર્ઘટના સ્થળે જવું જોઈએ? તો તેમણે જણાવ્યું કે, હાલ તે સ્થળે ખૂબ અરાજકતાનો માહોલ છે. તેથી મેં નિર્ણય કર્યો કે મારે હવે તે લોકોને બચાવવા જોઈએ જે લોકો ઘાયલ છે અને તેથી હુ સીધી હોસ્પિટલ ગઈ હતી.
5) રાવણ દહનના કાર્યક્રમ દરમિયાન ફટાકડાંનો અવાજ એટલો બધો હતો કે પુરપાટ સ્પીડે આવતી ટ્રેનનો અવાજ લોકોને સંભળાયો ન હતો. જેના કારણે ટ્રેક ઊભેલાં લોકો મોટી સંખ્યામાં ટ્રેનની અડફેટે આવ્યા હતા. હાલ મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં 70 જેટલાં લોકોના મોત થયા હોવાનો પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.
6) આ દરમિયાન પંજાબ સરકારે એક દિવસ રાજકીય શોકની જાહેરાત કરી દીધી છે. ઓફિસો અને સ્કૂલ-કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, અત્યારે મને ખબર નથી કે રેલવે ટ્રેક પર હાલ રાવણદહનનો કાર્યક્રમ કેમ રાખવામાં આવ્યો હતો. ઘટનાને 12 કલાક થઈ ગયા છે પરંતુ મુખ્યમંત્રી અમરિંદર સિંહ હજી સુધી ઘટનાસ્થળે પહોંચ્યા નથી. તેમણે પ્રશાસનને તપાસનો આદેશ આપી દીધો છે. અમરિંદર સિંહે હાલ તેમની ઈઝરાયલ મુલાકાતનો કાર્યક્રમ રદ કરી દીધો છે.
7) પંજાબ સરકારે મૃતકોના પરિવારજનો માટે રૂ. પાંચ-પાંચ લાખના વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં ઘાયલ દરેક લોકોને મફતમાં ઈલાજ કરવાની જાહેરાત કરી છે.
8) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં લોકોના મોત વિશે દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ અધિકારીઓને તાત્કાલીક સહાય પહોંચાડવાનો આદેશ આપ્યો છે. વડાપ્રધાને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ. 2 લાખની સહાય જાહેર કરી છે અને ઘાયલોને રૂ. 50,000નું વળતર આપવાની જાહેરાત કરી છે.
9) રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, પંજાબના અમૃતસરમાં રેલવે ટ્રેક પર થયેલા દુર્ઘટના ખૂબ દુખદ છે. રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા, રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાણી અને ઉત્તર રેલવેના જનરલ મેનેજર ઘટના સ્થળે હાજર હતાં. રેલવે મંત્રી પીયૂષ ગોયલ હાલ અમેરિકા છે અને ત્યાં તેમણે તેમના દરેક કાર્યક્રમ રદ કરીને પરત આવી રહ્યા છે.
10) રેલવેએ અમૃતસરમાં ટ્રેન દુર્ઘટનાના પીડિત લોકો માટે હેલપલાઈન નંબર જાહેર કરી દીધાં છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, 01832223171 અને 01832564485 નંબર પર ફોન કરીને ઘટના વિશેની માહિતી લઈ શકો છો. મનાવલા સ્ટેશન પર ફોન નંબર 0183-2440024, 0183-2402927 અને ફિરોઝપુરનો હેલ્પલાઈન નંબર 01632-1072 છે.