અમેરિકા અને ઈરાન વચ્ચે તંગ વાતાવરણ અને અમેરિકા તથા ચીન વચ્ચેની વ્યાપાર મંત્રણા દિશાવિહીન હોવાની ગણતરીએ સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ખરીદી જોવા મળી રહી છે. આજે સોનાના ભાવ છેલ્લા એક સ્પતાહની સાંકડી વધ-ઘટ બાદ ફરી વધવાના ચાલુ થયા હતા. જોકે ચાંદીમાં ઉછાળો વધારે તીવ્ર હતો. ભારતમાં પણ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ૧૦૨૦ જેટલો સુધારો જોવા મળી રહ્યો છે.
ભારતને બાદ કરતાં એશિયા અને યુરોપની સ્ટૉક માર્કેટમાં નબળી હાલત જોવા મળી રહી છે અને અમેરિકામાં શૅર ઘટાડા સાથે ખૂલ્યા છે. આ સ્થિતિએ રોકાણકારો એમ માની રહ્યા છે કે રાજકીય અનિશ્ચિતતા વધી રહી છે. હૉન્ગકૉન્ગમાં શનિવારે વધારે ઉગ્ર દેખાવ જોવા મળ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે બે દિવસની મંત્રણામાં કોઈ ઉકેલ આવ્યો નથી અને વૈશ્વિક આર્થિક વિકાસ હજી પણ નબળો જ છે જેનાથી ચળકતી ધાતુઓના ભાવને તેજીનો ટેકો મળ્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે અમેરિકા અને ચીન વચ્ચે ૨૦૨૦ પહેલાં ટ્રેડ-વૉર વિશે કોઈ સંધિ શક્ય નથી. એક વર્ષ જેટલો લાંબો સમય લાગી શકવાનો હોવાથી આર્થિક વિકાસને ફટકો પડશે અને એનાથી વ્યાજદર હજી ઘટશે એવી આશા ફરી ઉજ્જ્વળ બની છે.
યુરોપિયન યુનિયનમાં પર્ચેઝિંગ મૅનેજર ઇન્ડેક્સ ૫૦.૪ આવ્યો હતો જે ધારણા કરતાં નબળો હતો. ૫૦થી નીચેની સપાટી આર્થિક ઘટાડો સૂચવે છે. જર્મનીમાં આ ઇન્ડેક્સ ૪૧.૪ આવ્યો હતો જે જર્મની આર્થિક મંદી તરફ આગળ વધી રહ્યું હોવાનું સૂચવે છે. આ આંકડાઓના આધારે સોનાના ભાવમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
વિદેશમાં હાજર બજારમાં શુક્રવારે સોનું ૧૮ ડૉલર વધી ૧૫૧૭.૩૦ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યું હતું. આજે એ ૧૫૧૨.૬૯ ખૂલી અત્યારે ૧૫૧૯.૨૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.
શુક્રવારે ન્યુ યૉર્ક કૉમેક્સ વાયદો ૧૫૧૫.૧૦ ડૉલરની સપાટીએ બંધ આવ્યો હતો, જે આજે ૧૫૨૧.૮૦ ખૂલી અત્યારે ૧૫૨૬.૩૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદીનો વાયદો શુક્રવારે ૧૭.૮૪૯ ડૉલરની સપાટીએ બંધ હતો જે આજે ૧૮.૦૩૫ ખૂલી અત્યારે ૧૮.૫૭૩ ડૉલર પ્રતિ ઔંસ કે ચાર ટકા ઉપર છે.
ભારતમાં ચાંદીમાં ઉછાળો
હાજર ચાંદીમાં મુંબઈમાં ૧૧૨૦ વધી ૪૮,૦૮૦ અને અમદાવાદમાં ૧૧૨૫ વધી ૪૮,૧૮૦ રૂપિયા પ્રતિ એક કિલોનો ભાવ રહ્યો હતો. વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૬૭૦૫ ખૂલી, ઉપરમાં ૪૭૬૮૦ અને નીચામાં ૪૬૭૦૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૧૩૫ વધીને ૪૭૬૦૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૧૪૭ વધીને ૪૭૬૧૧ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૧૫૭ વધીને ૪૭૬૧૨ રૂપિયા બંધ રહ્યા હતા.
મુંબઈમાં હાજર બજારમાં સોનું દિવસના એક તબક્કે ૩૯,૦૩૦ની સપાટી સુધી પહોંચ્યું હતું, પણ પછી આગલા બંધ કરતાં ૨૫ ઘટી ૩૮,૯૪૫ અને અમદાવાદમાં કોઈ પણ વધ-ઘટ વગર ૩૯,૦૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ બંધ આવ્યું હતું. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭૮૦૦ ખૂલી, ઉપરમાં ૩૭૯૫૦ રૂપિયા અને નીચામાં ૩૭૭૩૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૭૫ વધીને ૩૭૮૭૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧૮ વધીને ૮ ગ્રામદીઠ ૩૦૨૬૫ રૂપિયા અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૦ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૦૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૮૯ વધીને બંધમાં ૩૭૮૫૮ રૂપિયાના ભાવ રહ્યા હતા.
રૂપિયો મક્કમ બંધ આવ્યો
સ્થાનિક શૅરબજારમાં વિદેશી સંસ્થાઓની વ્યાપક ખરીદીને કારણે રૂપિયો દિવસના નીચલા સ્તરથી વધીને બંધ આવ્યો હતો, પણ શુક્રવારના સ્તર જેટલું જ એનું મૂલ્ય હતું. ડૉલર સામે રૂપિયો આજે ૭૧.૦૩ની નબળી શરૂઆત સાથે ખૂલ્યો હતો અને વધીને ૭૦.૮૭ થયા બાદ વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે એક તબક્કે ફરી ૭૧.૦૩ થયો હતો. જોકે વિદેશી સંસ્થાઓએ આજે ૨૬૮૪ કરોડ રૂપિયાની શૅરબજારમાં ખરીદી કરી હોવાના અહેવાલે એ શુક્રવારના ૭૦.૯૪ના સ્તર પર બંધ આવ્યો હતો.