સુપ્રીમ કોર્ટે બુધવારે આમ્રપાલી ગ્રુપની નોઈડા અને ગ્રેટર નોઈડા સ્થિત 7 પ્રોપર્ટીઓને સીલ કરવાનો આદેશ આપ્યો છે. આ જગ્યાએ જ તેની 46 કંપનીઓના દસ્તાવેજો રાખવામાં આવ્યા છે. કોર્ટના જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડે આ સિવાયની બિહારના રાજગીર અને બક્સર સ્થિત બે પ્રોપર્ટીઓને પણ સીલ કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રોપર્ટીઓની ચાવી સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર પાસે રહેશે.
હાલ કંપનીના ત્રણે ડાયરેકટરોને રખાયા છે લોકઅપમાં
મંગળવારે કોર્ટે કંપનીના ત્રણે ડાયરેકટરોને પોલીસ કસ્ટડીમાં મોકલવાની વાત જણાવી હતી. આ ઉપરાંત 46 કંપનીઓના દસ્તાવેજ ફોરેન્સિક ઓડિટર્સને સોપવાના આદેશ આપ્યા હતા. કંપનીના ત્રણે ડાયરેકટરોને પોલિસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. તેમને જયાં સુધી 7 પ્રોપર્ટીઓ સીલ થતી નથી, ત્યાં સુધી લોકઅપમાં મોકલવામાં આવશે નહિ.
અધૂરા પ્રોજેકટોના પગલે ફસાયા છે રોકાણકારોના પૈસા
આમ્રપ્રાલી રિયલ એસ્ટેટ ગ્રુપના ડાયરેકટરો અનિલ કુમાર શર્મા, શિવ પ્રિયા અને અજય કુમારને પોલિસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આમપ્રાલી ગ્રુપના અધૂરા પડેલા પ્રોજેકટોના કારણે મોટી સંખ્યામાં રોકાણકારોના પૈસા ફસાયેલા છે. કોર્ટે ડેવલોપરને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જયાં સુધી દસ્તાવેજો નહીં આપવામાં આવે, ત્યાં સુધી તમે પોલિસની કસ્ટડીમાં રહેશો. આ પહેલા કોર્ટે રિયલ એસ્ટેટ કંપની તરફથી રજૂ થયેલા વકીલને પૂછ્યું હતું કે ફોરેન્સિક ઓડિટ સાથે સંબંધિત દસ્તાવેજો અત્યાર સુધીમાં ઓડિટરોની પાસે કેમ જમા નથી કરાવવામાં આવ્યા ?
અગાઉ કોર્ટે આમ્રપાલીની 16 સંપતીઓની હરાજી કે વેચાણના આપ્યા હતા આદેશ
અગાઉ સુપ્રીમ કોર્ટે DRTને આમ્રપાલીની 16 સંપતીઓની હરાજી કે વેચાણના આદેશ આપ્યા હતા. એવું અનુમાન છે કે, સંપતિઓના વેચાણથી 1600 કરોડ રૂપિયા એકત્રિત થઈ શકે છે. કોર્ટે કહ્યું હતું કે તે નક્કી કરશે કે કઈ રીતે આ રકમનો ઉપયોગ અધૂરા પ્રોજેકટોને પૂરા કરવા માટે કરવાનો રહેશે. કોર્ટે આમ્રપાલીના ડાયરેકટરોને પણ સંબધિત દસ્તાવેજોને ડીઆરટીમાં જમા કરાવવાનું કહ્યું હતું. કોર્ટે ફોરેન્સિક ઓડિટરને આદેશ આપ્યો હતો કે તે 60 દિવસની અંદર રિપોર્ટ સોપે કે રકમનો ગોટાળો કઈ રીતે થયો.