- શાકભાજી, દુધ, ફળફળાદીની છુટક કિંમતોમાં વધારો નોંધાયો
- કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિ વિરૂદ્ધ ૧૦ દિવસના આંદોલનની શરૂઆત થયા બાદ ખેડૂતોએ શહેરો માટે પુરવઠો રોકી દેતા કિંમતોમાં ઝડપથી વધારો થયો
નવી દિલ્હી,તા. ૨
ખેડુતોના દસ દિવસના ગામડા બંધના બીજા દિવસે આજે જીવન જરૂરી ચીજવસ્તુઓની સેવા પર પ્રતિકુળ અસર થઇ રહી હતી. ખેડૂતોના આંદોલને બીજા દિવસમાં પ્રવેશ કરતા પંજાબ, હરિયાણા સહિત જુદા જુદા રાજ્યોના મોટા શહેરોમાં દુધ અને શાકભાજીની કિંમતમાં તીવ્ર વધારો થયો હતો. મંડીઓમાં કૃષિ પેદાશોનો નવેસરનો પુરવઠો પહોંચી રહ્યો નથી. જેના પરિણામ સ્વરૂપે કિંમતો વધવાની શરૂઆત થઈ ગઈ છે. સરકારના નિયમો સામેના વિરોધમાં શાકભાજી, દુધ, અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ ખેડૂતો જાહેર રસ્તાઓ ઉપર ફેંકી રહ્યા છે. સાથે સાથે શહેરોમાં સપ્લાય પણ રોકી ચુક્યા છે. ગઈકાલે ૧૦ દિવસના ખેડૂત આંદોલનની શરૂઆત થઈ હતી. જેના ભાગરૂપે કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિઓના સામેના વિરોધમાં જુદા જુદા શહેરોમાં ખેડૂતો શાકભાજી, ફળફળાદી, દુધ અને અન્ય વસ્તુઓનો પુરવઠો અટકાવી ચુક્યા છે. જાકે કૃષિ પેદાશોની કિંમતો પર તરત અસરદેખાઈ નથી પરંતુ આજે કેટલાક શહેરોમાં છુટક શાકભાજીની કિંમતોમાં વધારો થયો હતો. પ્રતિ કિલો ૧૦ થી ૨૦ રૂપિયાનો વધારો થઈ ગયો હતો. ચંદીગઢથી પ્રાપ્ત અહેવાલ મુજબ ટામેટાની કિંમત વધીને ૨૦ થી ૨૫ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જે હાલમાં ૧૦ થી ૧૫ રૂપિયા હતી. આવી જ રીતે બટાકા, અન્ય ચીજવસ્તુઓની છુટક કિંમતો પણ આસમાને પહોંચી છે. પંજાબના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. પહેલી જૂનથી લઈને ૧૦મી જૂન સુધી સપ્લાયને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિસાન એકતા મંચ અને રાષ્ટ્રીય કિસાન મહાસંઘના બેનર હેઠળ ખેડૂતો દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચીજવસ્તુઓ ખેડુતોના ગામડા બંધના કારણે હવે વધારે મોંઘી થઇ રહી છે. ખેડુતોના બંધના કારણે શાકભાજી અને દુધનો પુરવઠો ખોરવાઇ ગયો છે. મોટા માર્કેટ સુધી જથ્થો પહોંચી રહ્યો નથી. જેથી અસર દેખાવવાની શરૂઆત થઇ ગઇ છે. દેશના ૨૨ રાજ્યોમાં ૧૧૨થી વધુ ખેડૂત સંગઠનોની અપીલ પર ખેડૂતોની ૧૦ દિવસના ગામડા બંધ આંદોલનની શરૂઆત થયા બાદ હવે આગામીદિવસોમાં તેની સીધી અસર લોકોમાં દેખાય તેવી વકી છે. આ આંદોલન સ્વૈસ્છિક છે. તેમાં કોઇપણ પ્રકારના ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા નથી. માત્ર
ખેડૂતો પોતાના ઘરથી બહાર નિકળી રહ્યા નથી. જે લોકોને શાકભાજી, દૂધની જરૂર છે તે લોકોને ગામડામાં આવવું પડશે. ખેડૂતો મુખ્યરીતે વિરોધ નોંધાવીને શાકભાજી રસ્તા પર ફેંકી દેતા, દૂધ જાહેર રસ્તા પર ઢોળી દેતા નજરે પડ્યા હતા. સરકારની નીતિઓ સામેના વિરોધમાં આ આંદોલન થઇ રહ્યા છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે કે, પુરતા નાણા લોકોને મળી રહ્યા નથી. ખેડૂતોને તેમની પેદાશના પુરતા નાણા મળી રહ્યા નથી. ખેડૂતોની સાથે સાથે જુદા જુદા કારોબાર સાથે જાડાયેલા લોકો પરેશાન દેખાઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોને આંદોલનની રાહ છોડી દેવા માટે અપીલ કરી હતી. જા કે, આની અસર દેખાઈ નથી. દુધ અને શાકભાજીનું સંકટ તોળાઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે તમામ પગલા પહેલાથી જ લેવામાં આવ્યા છે. ખેડૂત સંગઠનો મુજબ પહેલીથી લઇને હવે ૧૦મી સુધી ગામથી કોઇપણ સામગ્રી શહેરમાં પહોંચશે નહીં. દૂધ, ફળફળાદી, શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓને લઇને પણ શહેરના લોકોને અડચણો થઇ શકે છે. દૂધ, ફળફળાદીને ગામમાં જ વેચવામાં આવશે. આંદોલનના ભાગરુપે છઠ્ઠી જૂનના દિવસે શહીદ દિવસ, આઠમી જૂનના અસહયોગ દિવસ અને ૧૦મી જૂનના દિવસે ભારત બંધ રાખવામાં આવશે. ખેડૂતોની માંગણી છે કે તેમને જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ નાણા મળવા જાઇએ. મધ્યપ્રદેશમાં થોડાક સમય પહેલા ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેને લઇને પણ વિરોધ પ્રદર્શન જારી છે. રાષ્ટ્રીય કિસાન મજદૂર મહાસંઘના અધ્યક્ષ શિવકુમાર શર્માએ કહ્યું છે કે, દમણકારી નીતિ સરકાર અપનાવી રહી છે. આનાથી શાંતિપૂર્ણ આંદોલન હિંસક બની શકે છે. મંદસોર, થાર, ઝાંબુઆ સહિત અનેક સંવેદનશીલ વિસ્તારો ઉપર તંત્રએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ૨૨થી વધુ રાજ્યોમાં ખેડૂતોના ગામડા બંધ આંદોલનની શરૂઆત થયા બાદ મોદી સરકાર પર પણ દબાણ વધી ગયું છે. રહ્યુ છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે દેશમાં જુદા જુદા મામલે મોદી સરકારની સામે નારાજગી દેખાઇ રહી છે. ખેડુતોના ગામડા બંધના કારણે મોદી સરકાર પર વધારે દબાણ આગામી દિવસોમાં રહી શકે છે. ખેડુતોમાં વધતા આક્રોશને રોકવાની જરૂર દેખાઇ રહી છે.