અમૂલ બ્રાન્ડના દૂધ અને તેના ઉત્પાદનોનો વેપાર કરતી સહકારી કંપની જીસીએમએમએફનો વ્યવસાય નાણાકીય વર્ષ 2020-21માં કોરોના ફાટી નીકળ્યો હોવા છતાં 2 ટકા વધીને 3,9200 કરોડ રૂપિયા થયો છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ રવિવારે આ માહિતી આપી હતી. ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિ. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 17 ટકાના વધારા સાથે 38,550 કરોડ રૂપિયાની આવક નોંધાઈ હતી.મીડિયા રિપોર્ટ અનુસાર સમાચાર એજન્સી સાથે વાત કરતા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ કહ્યું હતું કે, પાછલા નાણાકીય વર્ષ દરમિયાન વેચાણ વૃદ્ધિની ગતિ થોડી ધીમી હતી, પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં તેજીની સંભાવના છે.સોઢીએ કહ્યું કે, અમે છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન બે ટકાના વધારા સાથે 39,200 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સમયગાળા દરમિયાન, તાજા દૂધ, ચીઝ, દહીં, છાશ અને પનીર જેવા ઉત્પાદનોની શ્રેણીમાં વેચાણમાં 8.5-9 ટકાનો વધારો થયો છે. ઉનાળા દરમિયાન દેશવ્યાપી લોકડાઉનને કારણે ગયા નાણાકીય વર્ષમાં કંપનીના આઈસ્ક્રીમના વેચાણમાં 35 ટકાનો ઘટાડો થયો છે. પાઉડર દૂધના કારોબાર પર પણ અસર પડી છે.તાજેતરમાં જ અમૂલે દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. નવી કિંમતો 1 જુલાઈ 2021થી અમલમાં આવી છે. વધારાની સાથે હવે અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લીટર 58 રૂપિયા થઈ ગયો છે. સાથે જ અમૂલ શક્તિ, અમૂલ તાઝા, અમૂલ ટી સ્પેશિયલ, અમૂલ સ્લિમ અને ટ્રીમ મિલ્કના ભાવમાં પણ લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે, અમૂલના દેશભરમાં કુલ 31 પ્લાન્ટ આવેલા છે. જેમાંથી 13 માત્ર ગુજરાતમાં છે. આ સિવાય દિલ્હી એનસીઆરમાં 4, ઉત્તર પ્રદેશમાં 2, મહારાષ્ટ્રમાં 4, રાજસ્થાનમાં 3 પ્લાન્ટ છે. જ્યારે છત્તીસગ, આસામ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ અમૂલના એક-એક પ્લાન્ટ આવેલા છે.