પીપાવાવ : પશ્ચિમ ભારતમાં અગ્રણી ગેટવે પોર્ટ પૈકીના એક એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે (ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ) નવેમ્બરમાં કોટડી અને ભેરાઇ ગામમાં વ્યાપક પશુ આરોગ્ય શિબિરનું આયોજન કરીને પશુધનના આરોગ્ય પ્રત્યેની તેની નિરંતર કટીબદ્ધતા પ્રદર્શિત કરી છે. કંપનીના “પશુ ઉદય પ્રોજેક્ટ – સસ્ટેનેબલ લાઇવસ્ટોક ડેવલપમેન્ટ”ના ભાગરૂપે આ પહેલ દ્વારા 500થી વધુ પશુઓમાં એક્ટોપેરાસાઇટ્સ, ડર્મટાઇટિસ, ઝાડા, ઘા અને એનિસ્ટ્રિયસ સહિત વિવિધ સ્વાસ્થ્ય પરિસ્થિતિની સારવાર કરાઇ હતી, જ્યારેકે 150થી વધુ પશુઓ માટે કૃમિનાશનો પણ સમાવેશ થાય છે.વર્ષ 2016થી પશુ ઉદય પ્રોજેક્ટ ગ્રામીણ પશુ કલ્યાણમાં એક પરિવર્તનકારી પહેલ તરીકે ઉભરી આવ્યો છે, જે પશુધનના આરોગ્ય માટેની બેજોડ કટીબદ્ધતા સાથે 45 ગામડાઓમાં પહોંચ્યો છે. મોબાઇલ વેટરનરી ક્લિનિક અને સમયાંતરે હેલ્થ કેમ્પથી લઇને રસીકરણ અભિયન, પેથેલોજીકલ સેવાઓ, પશુધન વીમા સહિતની સેવાઓ ડિલિવર કરતાં આ પ્રોજેક્ટે માત્ર પશુઓની જ સારવાર નથી કરી, પરંતુ મૂળભૂત રીતે તેમની જીવન ગુણવત્તા અને નસ્લમાં સુધારો કર્યો છે.આ પ્રોજેક્ટની જબરદસ્ત સિદ્ધિઓ તેના આંકડામાં જોવા મળે છેઃ 40,000થી વધુ પશુઓને મહત્વપૂર્ણ સારવાર મળી છે, 165 વ્યાપક આરોગ્ય શિબિર યોજાઇ છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સિંહોના હુમલા બાદ 80થી વધુ પશુઓને ઇમર્જન્સી કેર પ્રદાન કરાઇ છે. મેડિકલ હસ્તક્ષેપ ઉપરાંત આ પ્રોજેક્ટ ક્ષમતા નિર્માણ દ્વારા સ્થાનિક ખેડૂતોને સશક્ત કરે છે તેમજ પશુ સ્વાસ્થ્ય અને ગ્રામીણ વિકાસ માટે એક સ્થાયી ઇકોસિસ્ટમની રચના કરે છે, જે પારંપરિક પશુ ચિકિત્સાથી ઘણું વિશેષ છે.સ્થાનિક ખેડૂતોએ આ પહેલની પ્રશંસા કરી છે. ભેરાઈ ગામના શ્રી વણઝાર કાળુભાઈ જેઠાભાઈએ કહ્યું હતું કે, “જ્યારે પણ મારી ભેંસ બીમાર હતી ત્યારે તેઓ મારા ઘરે આવીને શ્રેષ્ઠ સારવાર આપી, જેથી તેને સ્વસ્થ જીવન મળ્યું છે. હું પીપાવાવ પોર્ટનો સતત સહકાર બદલ ખૂબ આભાર વ્યક્ત છું.”રામપરા ગામના શ્રી નાકાભાઈ દેવતભાઈએ ઉમેર્યું હતું કે, “જ્યારે મારી ગાય બીમાર પડે છે, ત્યારે પશુ ઉદય ટીમ તાત્કાલિક મારા ઘરે પહોંચે છે, સમયસર અને અસરકારક સારવાર પૂરી પાડે છે, જેથી ગાય ઝડપી સ્વસ્થ થવાની ખાતરી મળે છે. અમે આશા રાખીએ છીએ કે આ અમૂલ્ય સેવા સમાન સમર્પિત રીતે ચાલુ રહે.”આ પ્રોજેક્ટ માત્ર સારવારથી ઘણો આગળ વધતાં સ્થાયી પશુધન વિકાસ અને સ્થાનિક ખેડૂત સમુદાયને સપોર્ટ કરવા સુધી પહોંચ્યો છે. વ્યાપક હેલ્થકેર સેવાઓ પ્રદાન કરીને એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ પ્રદેશના ખેડૂતો અને તેમના પશુધન ઉપર અર્થસભર પ્રભાવ પેદા કરી રહ્યું છે.