માસ પ્રમોશન મેળવનારા ધોરણ 10ના 8.50 લાખ વિદ્યાર્થીની સામે હાલ ધો.11માં 4.89 લાખ વિદ્યાર્થીની કેપિસિટી છે
ધોરણ 10માં માસ પ્રમોશનની અસર વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ થશે. નવા શૈક્ષણિક વર્ષ માટે રાજ્યની ઉચ્ચત્તર માધ્મમિક સ્કૂલોના ધોરણ 11માં 5 હજારથી વધુ ક્લાસ રૂમની જરૂરિયાત ઊભી થશે. બોર્ડે નવા વર્ગોની દરખાસ્ત માટેની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ ખાનગી સ્કૂલોના સંચાલક મંડળના મતે, છેલ્લાં બે વર્ષથી સ્કૂલોની આવકમાં ઘટાડો થતાં સ્કૂલો નવા વર્ગોનું બાંધકામ કે વ્યવસ્થા કરી શકે તે સ્થિતિમાં નથી. આથી સરકાર જ વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરી તેઓના અભ્યાસની વ્યવસ્થા કરે.ધો. 10માં માસ પ્રમોશન બાદ ત્રણ લાખ વિદ્યાર્થીઓના ધો.11માં પ્રવેશ અંગેની અસમંજસતાની સ્થિતિ ઊભી થઈ છે, જેને કારણે સરકાર પણ હવે સફાળી જાગી છે. જોકે શિક્ષણશાસ્ત્રીઓમાં બાળકના શિક્ષણ અંગે ચિંતા જોવા મળી રહી છે. શિક્ષણશાસ્ત્રીઓના મતે, ખાનગી સ્કૂલો ઓછા પગારે હંગામી ધોરણે શિક્ષકોની ભરતી કરશે, સરકારી સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની ભરતી થશે, પણ પ્રવાસી શિક્ષક એક વર્ગદીઠ 90 રૂપિયામાં બાળકોને કેવું શિક્ષણ આપશે તે પણ એક પ્રશ્ન છશિક્ષણશાસ્ત્રીઓમાં ડર છે કે હાલની ધો.11 અને 12ની શિક્ષણ વ્યવસ્થામાં કચાશ રહેશે તો આ વિદ્યાર્થીઓ જ્યારે ધો.12માં આવશે ત્યારે તેમના પરિણામ પર પણ અસર પડશે. એટલે શિક્ષણ વિભાગે માત્ર ક્લાસરૂમની વ્યવસ્થા નહીં, પરંતુ યોગ્ય શિક્ષકોની પણ વ્યવસ્થા કરવી જોઈશે. આ વર્ષ ધો.10માં માસ પ્રમોશન મેળવનારા વિદ્યાર્થીઓ માટે જેટલું મહત્ત્વનું છે તેટલું જ શિક્ષણ વિભાગ માટે પણ મહત્ત્વનું બની રહેશે.