અમદાવાદ : આંતરરાષ્ટ્રીય કક્ષાની કોમન વેલ્થ ગેમ્સ હાલ ચાલી રહી છે. ભારતના ખેલાડીઓએ ગોલ્ડથી માંડીને સિલ્વર તેમ જ બ્રોન્ઝ મેડલો મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં વધુમાં વધુ ભારતીયો અને ગુજરાતના ખેલાડીઓ ભાગ લઈ શકે એ હેતુસર દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. એની સાથે ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ નામનું સૂત્ર આપવામાં આવ્યું હતું. આ ખેલ મહાકુંભ 2022ના માર્ચ મહિનામાં યોજાયો હતો. ગુજરાતના ઘણા ખેલાડીઓએ એમાં ભાગ લઈને ઉત્સાહ દાખવ્યો હતો. એની સામે ખેલ મહાકુંભના આયોજકોમાં ઉત્સાહનો અભાવ હોય એવો અહેસાસ ખેલાડીઓને થયો હતો. આ સ્પર્ધામાં વિજેતા ઉમેદવારોને ઇનામ તો ઠીક, પણ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યાં નહોતાં. આ અંગે કરાયેલી રજૂઆત જિલ્લાકક્ષાએ કોઈએ કાને નહીં ધરતાં ખેલાડીને છેક દેશના વડાપ્રધાન સુધી ફરિયાદ કરવાની ફરજ પડી હતી. ત્યાર બાદ પી.એમ.ઓ.માંથી પત્ર આવતાં જ સ્પર્ધામાં વિજેતા થયેલા ઉમેદવારને સર્ટિફિકેટ મળ્યું હોવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ સર્ટિફિકેટો મેળલવા માટે વિજેતા ઉમેદવારોને ખેલ મહાકુંભની અમદાવાદ જિલ્લાની લૉ ગાર્ડન સ્થિત કચેરીએ લેવા જવું પડયું હતું. એમાં પાછું સર્ટિફિકેટમાં તારીખ તો લખી જ નથી અને રોકડ ઇનામ તો ખેલ મહાકુંભ સમાપ્ત થઈ ગયાને બે મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુ કોઈપણ વિજેતાઓને આપવામાં નહીં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે.ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અને મહાનગરપાલિકા અમદાવાદ તેમ જ જિલ્લા રમતગમત અધિકારી કચેરી – અમદાવાદ શહેર દ્વારા સંચાલિત 11મો ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાકુંભમાં વોર્ડકક્ષા બાદ ઝોનકક્ષા, ઝોનમાં વિજેતા ઉમેદવારો જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. જિલ્લાકક્ષાએ પસંદગી પામેલા ઉમેદવારો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાઈ ગયો છે. આવી જ વોર્ડ બાદ ઝોનકક્ષાની યોજાયેલી ઓપન એઇજ ગ્રુપની 400 મીટર એથ્લેટિક ( દોડ ) સ્પર્ધામાં ક્રિનલ કલ્પેશસિંહ વાઘેલાએ પ્રથમ વિજેતા બની હતી. ત્યાર બાદ એને જિલ્લાકક્ષાની સ્પર્ધાની જાણ જ કરવામાં આવી ના હોવાથી એ બીજી સ્પર્ધાઓમાં ભાગ લઇ શકી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં શરૂ થયેલા ખેલ મહાકુંભ મે મહિનામાં સમાપ્ત થઈ ગયો છે.આ અંગે ક્રિનલ કલ્પેશસિંહ વાઘેલાએ દિવ્ય ભાસ્કર સમક્ષ કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે ખેલ મહાકુંભમાં મેં ઉત્સાહપૂર્વક ભાગ લઇને 23-3-2022ના રોજ ઓપન એઇજ ગ્રુપમાં 400 મીટરની દોડમાં ભાગ લઈને પ્રથમ ક્રમાંક તેમ જ 26-3-2022ના રોજ પશ્ચિમ ઝોનકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈને પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, પરંતુ સર્ટિફિકેટ કે ઇનામ મળ્યા નહોતાં કે આ બંને સ્પર્ધા બાદની જિલ્લાકક્ષાની સ્પર્ધા અંગેની કોઈ જાણકારી અમને આપવામાં આવી નહોતી, જેથી તા.28 માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પી.જી. પોર્ટલમાં રજૂઆત કર્યા બાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતે અમને ઝોનકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક અંગેનું સર્ટિફિકેટ આપ્યું હતું, પરંતુ રોકડ ઇનામ હજુ સુધી અમને મળ્યું નથી.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ચીફ કોચ અને ખેલ મહાકુંભના ટીમ લીડરે ખેલાડી ક્રિનલ વાઘેલાને 18-4-2022ના રોજ પાઠવેલા જવાબમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનને સંબોધીને લખાયેલો 30-3-2022નો પત્ર અત્રેની કચેરીને મળ્યો છે, જેમાં ખેલ મહાકુંભ દરમિયાન ખેલાડીઓને થતી તકલીફો બાબતે જણાવવામાં આવ્યું છે. એનું નિરાકરણ કરવામાં આવશે.અમદાવાદ જિલ્લા સ્થિત રમતગમત કચેરીમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, અમદા વાદ જિલ્લામાં યોજાયેલા ખેલ મહાકુંભની વિવિધ એઇજની રમતમાં કુલ 4,32,770 લોકોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી, જેમાંથી 97,869, એટલે કે 22.61 ટકા ખેલાડીઓએ રમતગમતમાં ભાગ લીધો હતો. એમાંથી 2920 ખેલાડીઓ વિજેતા થયા હતા.એથ્લેટિક્સમાં વોર્ડ તથા પશ્ચિમ ઝોનકક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનારી ક્રિનલ કલ્પેશભાઈ વાઘેલાએ જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ અરજી કરી હતી. આ અરજીમાં 2022ના ખેલ મહાકુભમાં કઈ કઈ રમતોમાં કેટલા ખેલાડીઓને કેટલી રકમની ચુકવણી થઈ એ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી જણાવવામાં આવ્યું છે કે 2022ના ખેલ મહાકુંભમાં ખેલાડીઓને કોઈપણ પ્રકારની ચુકવણી થઈ નથી તેમ જ ખેલાડીઓને રમતમાં ભાગ લઈને જીતવા બદલ સર્ટિફિકેટ આપવાના નિયમ અંગે જણાવ્યું હતું કે તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ જ વિજેતાઓને સર્ટિફિકેટ આપવામાં આવે છે.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી એથ્લેટિક્સમાં ઝોનકક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનારી ક્રિનલ કલ્પેશભાઈ વાઘેલાને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, પરંતુ નવાઈની વાત તો એ છે કે આ સર્ટિફિકેટમાં તારીખની જગ્યા ખાલી રાખવામાં આવે છે. તો કઈ તારીખે સ્પર્ધા યોજાઈ હતી એ સ્પષ્ટ થતું નથી.ક્રિનલ વાઘેલાએ જણાવ્યું હતું કે ગૂગલમાં ખેલ મહાકુંભની જાહેરાત જોઈ હતી. મેં એમાં ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. 400 મીટર વોર્ડકક્ષાની સી.એન. વિદ્યાલયમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ યુનિવર્સિટી સિન્થિટેક ગ્રાઉન્ડમાં યોજાયેલી ઝોનકક્ષાની સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારે મેં સર્ટિફિકેટની માગ કરી હતી. એ સમયે તેમણે પછીથી આપવાની વાત કરી હતી. અને શહેરકક્ષાની સ્પર્ધાની જાણ તેમને ઇમેઇલ અથવા મેસેજ મારફત કરાશે, પરંતુ થોડા સમય પછી આ સ્પર્ધા સમાપ્ત થઇ હોવાની જાહેરાત કરી હતી, જેથી મેં તપાસ કરતાં જણાવવામાં આવ્યું હતું કે શહેરકક્ષાની સ્પર્ધામાં તમારો 20મો ક્રમાંક આવ્યો હતો. વાસ્તવમાં તો મેં શહેરકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો જ નહોતો તો ક્રમાંક કેવી રીતે આપવામાં આવ્યો ?શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા હિતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મારી પૌત્રી ક્રિનલે ખેલ મહાકુંભની સ્પર્ધામાં ભાગ લીધો હતો. વોર્ડ બાદ ઝોનકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, પરંતુ કોઈ સર્ટિફિકેટ કે ઇનામ આપવામાં આવ્યું ન હતું. તપાસ કરતાં કોઇ માહિતી મળી ન હતી. છેવટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પરેશાન થાય છે. કોઈ વ્યવસ્થા ન હતી. ઇનામ કે સર્ટિફિકેટ પણ આપ્યાં નથી. ત્યાર પછી અહીંની કચેરીએ અમને સર્ટિફિકેટ આપ્યું હતું, પરંતુ ઇનામ હજુ પણ આપ્યું નથી. અમદાવાદ શહેરના જિલ્લા રમતગમત અધિકારી એસ. આર. રાઠોડે જણાવ્યું હતું કે અમે જિલ્લાકક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતા ઉમેદવારોના પત્રક તૈયાર કરીને ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને મોકલી આપ્યા છે. ત્યાંથી ખેલાડીનાં બેંક એકાઉન્ટમાં સીધા જ રોકડ પુરસ્કાર જમા કરી દેવામાં આવે છે. જોકે હજુ સુધી રકમ જમા થઈ નથી એ વિષય હેડ ઓફિસનો છે. માત્ર અમદાવાદમાં નહીં, પણ રાજ્યમાં કોઈને હજુ રકમ ચૂકવાઈ નથી.