ખેડૂતોના મુદ્દે રાજકારણ રમાય રહ્યું છે તે નક્કી છે. તાજેતરમાં જ સરકારે ત્રણ કૃષિકાયદા પાછા ખેંચ્યા છે. ખેડૂતો કૃષિ કાયદાથી નહીં પરંતુ દર વર્ષે અતીવૃષ્ટી, અનાવૃષ્ટી તેમજ માવઠાના કારણે પાકોનું મોટા પાયે નુકસાન વેઠી રહ્યાં છે. સરકાર દ્વારા પાક વીમાની યોગ્ય સમયે ચૂકવણી ન થવી, પુરતા ભાવ ન મળવા તેમજ ટેકાના ભાવથી અપુરતી ખરીદીના કારણે વાર્ષિક ધોરણે સરેરાશ ખેડૂતો-ટ્રેડરોને રૂ.5000 કરોડથી વધુની નુકસાની પહોંચી રહી હોવાનું અગ્રણી કૃષિ નિષ્ણાતોનું કહેવું છે.
પાક સામે રક્ષણ મળી રહે તેવી સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો જ ખેતી અને ખેડૂત આગામી સમયમાં બચી શકે છે. એગ્રી કોમોડિટીના ભાવ સતત વધી રહ્યાં છે પરંતુ તેનો ધારણા મુજબનો ફાયદો ખેડૂતોને પુરતા પ્રમાણમાં મળતો નથી. ભાવ ઉંચકાય ત્યારે ખેડૂતો પાસે માલ નથી અને તેજી-મંદીનો લાભ વચેટીયાઓ લઇ રહ્યાં છે. 2077માં એગ્રી કોમોડિટીમાં સૌથી વધુ રિટર્ન ગવાર તથા ગમમાં જોવા મળ્યું છે.
ક્રૂડની તેજી, નવો પાક નબળો આવશે તેવા સંકેતો અને વૈશ્વિક બજારમાં મોટા પાયે ડિમાન્ડ ખુલતા ગમમાં વાર્ષિક ધોરણે 89 ટકાનું શ્રેષ્ઠ રિટર્ન રહ્યું છે જ્યારે ગવારમાં પણ 62 ટકાનું રિટર્ન રહ્યું હતું. સૌથી ઓછું રિટર્ન મસાલામાં જીરૂમાં રહ્યું છે. જીરૂમાં માત્ર છ ટકાની જ વાર્ષિક ધોરણે તેજી જોવા મળી છે. આગામી નવા વર્ષે કપાસ, એરંડા, તેલીબિયાં પાકોમાં તેજી જળવાઇ રહે તેવી સંભાવના છે.
એગ્રી પાકોની નિકાસમાં ગુજરાત મોખરે
2020-21 દરમિયાન એગ્રી કોમોડિટીની નિકાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષ (2017-18માં 38.43 અબજ ડોલર, 2018-19માં 38.74 અબજ ડોલર અને 2019-20માં 35.16 અબજ ડોલર)ની નિકાસ રહી હતી. 2020-21 દરમિયાન 41.25 અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઇ છે જે 17.34 ટકાનો વધારો દર્શાવે છે. ગુજરાતમાંથી સૌથી વધુ નિકાસમાં કોટન, એરંડા-દિવેલ, સિંગદાણા, મસાલા પાકો મોખરે છે.
ગુજરાતમાંથી FPO દ્વારા વાર્ષિક 2500 કરોડથી વધુનું ટર્નઓવર
ગમે ત્યાં અને ગમે ત્યારે ખેડૂત માલ વેચી શકશે તેવી જાહેરાતના પગલે ગુજરાતના ખેડૂત મંડળીઓ દ્વારા મહામારીમાં પણ વેપાર જાળવી રાખવામાં સક્ષમ બન્યા હતા. જીરૂ, એરંડા, ધાણા, કઠોળ તથા કપાસ જેવા પાકોમાં ખેડૂતો સાથે મળી ક્વોલિટી માલો નિકાસકારોને અને સીધા નિકાસ વેપાર કરવા લાગ્યા છે. ગુજરાતમાંથી વાર્ષિક એફપીઓનું ટર્નઓવર સરેરાશ 2500 કરોડથી વધુ પહોંચ્યું છે. ખેડૂતોને પોતાની ગુણવત્તાવાળા માલોના પ્રિમિયમ ભાવ મેળવતા થયા છે.
હોર્ટિકલ્ચર પ્રોડક્ટની નિકાસમાં પણ ઝડપી વૃદ્ધિ
ભારતે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં દાડમ માટે બજારમાં પ્રવેશ મેળવ્યો છે, આર્જેન્ટિનામાં કેરી અને બાસમતી ચોખા, ઈરાનમાં ગાજરનાં બીજ; ઉઝબેકિસ્તાનમાં ઘઉંનો લોટ, બાસમતી ચોખા, કેરી, કેળા અને સોયાબીન ખોળ; ભૂટાનમાં ટામેટા, ભીંડા અને ડુંગળીનો સમાવેશ થાય છે. દેશમાંથી થઇ રહેલા હોર્ટિકલ્ચર પાકોની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 20 ટકાથી વધુ રહ્યો છે.