શિયાળામાં જે રીતે આપણા શરીરને એક્સ્ટ્રા કેયરની જરૂર હોય છે એ જ રીતે આપણી ત્વચાને પણ આ સમયમાં વધારે દેખભાળની જરૂર પડે છે. આમ તો ત્વચાની સારસંભાળ તો વર્ષના બારેય મહિના લેવાવી જ જોઈએ, પણ તેમ છતાં અત્યારે ત્વચાને વધારાના પોષણ અને પેમ્પરિંગની જરૂર હોય છે. શિયાળામાં ત્વચા રૂક્ષ થઈ જાય છે અને તેમાં પણ પુરુષોની ત્વચા વધારે રૂક્ષ હોય છે એટલે તેમણે તો ત્વચાનું ખાસ ખ્યાલ રાખવું જોઈએ.આજે આપણે વાત કરીશું કેટલીક એવી ટિપ્સ વિશે કે જેની મદદથી તમે ઓછા ખર્ચમાં પણ તમારી ત્વચાનું વિશેષ ધ્યાન રાખી શકશો.
સનસ્ક્રીન કો ભૂલના મના હૈ
આપણે ત્યાં સામાન્યપણે એવી માન્યતા હોય છે કે સનસ્ક્રીનનો ઉપયોગ તો તડકામાં જતાં પહેલાં કે પછી બીચ પર જતી વખતે જ કરાય. પણ એવું નથી હોતું. શિયાળામાં તાપમાનમાં વધઘટ જોવા મળે છે અને એટલે ત્વચાને વધારે નુકસાન પહોંચે છે. ત્વચાને આ નુકસાનથી બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. સનસ્ક્રીન સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી તમારી ત્વચાનું રક્ષણ તો કરે જ છે, પણ તેની સાથે સાથે જ એજિંગને પણ રોકે છે.
એલોવેરા-હની ફેસપેક
એલોવેરા જ્યુસની સાથે સાથે તમે એલોવેરા-હની ફેસપેકનો ઉપયોગ પણ શિયાળામાં કરી શકો છો. એક ચમચી એલોવેરા જેલ અને એક ચમચી મધને મિક્સ કરીને એ પેસ્ટ ચહેરા પર લગાવો. ૧૫-૨૦ મિનિટ બાદ ચહેરાને ભીના કપડાંની મદદથી સાફ કરી લો. આ ફેસપેકને કારણે તમારી રૂક્ષ નહીં થાય અને તે ફાટશે પણ નહીં.
ફેસ સીરમનો ઉપયોગ
અગાઉ કહ્યું એમ શિયાળામાં ત્વચા ખૂબ જ રફ થઈ જાય છે એટલે તેની એક્સ્ટ્રા કેયર કરવી પડે છે. સીરમના ઉપયોગથી ખીલ, ડાઘ-ધબ્બા અને કરચલીથી છુટકારો મળે છે. બાકીના દિવસોમાં ભલે તમે ફેસ સીરમનો ઉપયોગ ઓછો કરતાં હોવ પણ શિયાળામાં તો વિધાઉટ ફેઈલ ફેસ સીરમનો ઉપયોગ કરવો જ રહ્યો.
ક્લીન્ઝરથી ધૂઓ મોઢું
મુંબઈ જેવા શહેરમાં હવા પ્રદૂષિત છે અને આ પ્રદૂષણના નાના-નાના કણ આપણા શરીર પર ચોંટી જાય છે. ચહેરા પર પણ ધૂળ-માટીને દૂર કરવા માટે ક્લીન્ઝરનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે. આ માટે તમે સવાર-સાંજ બંને સમયે ક્લીન્ઝરથી જ ચહેરાને સાફ કરો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે હંમેશા એવા ક્લીન્ઝરનો ઉપયોગ કરો કે જેને કારણે તમારી ત્વચામાં નમીનું પ્રમાણ જળવાઈ રહે.
એલોવેરા જ્યુસ
એલોવેરામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે એટલે શિયાળામાં તેનું સેવન તમારી ત્વચાને નવજીવન આપવાનું કામ કરશે. રોજ સવારે ઊઠીને શિયાળામાં એલોવેરાનું જ્યુસ પીવાનું રાખો આને કારણે તમારી ત્વચામાં નમી જળવાઈ રહેશે અને ત્વચા સુંવાળી પણ રહેશે. એલોવેરા જ્યુસ પીવા સિવાય તમે એલોવેરા ફેસપેકનો ઉપયોગ પણ કરી શકો છો.