ISROના અધ્યક્ષ ડો. કે. સિવન અમદાવાદમાં આવેલા સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)માં યોજાયેલા ચોથા ISSE નેશનલ કોન્ફરન્સ-19માં નિવેદન આપ્યું હતું. ઇસરો ચીફે કહ્યું કે ગગનયાન મિશન ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. સૌથી પહેલા ડિસેમ્બર-2020માં પ્રથમમાનવરહિત યાન અંતરિક્ષમાં મોકલવામાં આવશે. જેના કારણે પ્રાથમિક સ્તર પર તેની જરૂરી પ્રણાલીની તપાસ કરી શકાય.ડો. કે. સિવને કહ્યું કે ત્યારબાદ જુલાઇ 2021માં બીજી વખત માનવરહિત મિશન કરવામાં આવશે. તેના પરત ફર્યા બાદ ડિસેમ્બર 2021માં ગગનયાનને ત્રણ અંતરિક્ષ યાત્રી સાથે રવાના કરવામાં આવશે.
માનવરહિત મિશન કેમ જરૂરી છે તે અંગે ISROના ચીફે જણાવી આ વાત
2021માં ગગનયાનને મોકલવામાં આવશે તે અગાઉ ઇસરો દ્વારા બે વખત માનવરહિત યાનને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. ત્યારે ડો. કે. સિવને માનવરહિત મિશન કેમ જરૂરી છે તે અંગે જણાવતાં કહ્યું કે બધી જરૂરી પ્રણાલીઓની તપાસ કરી શકાય. કારણકે અંતરિક્ષમાં માણસોને મોકલતા પહેલા ISRO કોઇ પણ પ્રકારનું રિસ્ક લેવા ઇચ્છતું નથી.
શું મહિલા યાત્રા જશે ગગનયાન મિશનમાં?
ડો. કે. સિવને કહ્યું કે ગગનયાન મિશન માટે 12 અંતરિક્ષ યાત્રીની પસંદગી કરવામાં આવી છે તેમાં બધા પુરૂષ છે. આ વખતે તેમાં કોઇ મહિલા અંતરિક્ષયાત્રી નથી. ઇસરોના ડો. કે. સિવને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે આ મિશનમાં કોઇ ભારતીય મહિલા સામેલ થાય. પરંતુ આ વખતે તે શક્ય ન બની શક્યું. જો કે હવે પછીના મિશનમાં અમે કોઇ મહિલાને અંતરિક્ષમાં મોકલી શકીએ છીએ.
ઇસરો માનવ અંતરિક્ષ મિશન ગગયાન 2021માં મોકલશે
ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરો (Indian Space Research Organization – ISRO) દ્વારા માન અંતરિક્ષ મિશન ગગનયાન 2021માં રવાના કરવામાં આવશે. જો કે આ મિશનનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે કોઇ લેવા દેવા નહી હોય. પરંતુ ભારતીય એસ્ટ્રોનૉટસ પૃથ્વીથી 400 કિમી ઉપર અંતરિક્ષમાં 7 દિવસ સુધી યાત્રા કરશે.
રશિયા આપશે ભારતીય અંતરિક્ષ યાત્રીઓને ટ્રેનિંગ
ઇસરોના વિશ્વનીય સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ રશિયા ગગનયાનમાં જનારા ત્રણ ભારતીય અંતરિક્ષ યાત્રીઓને ટ્રેનિંગ આપશે. આ પાયલટોને ટ્રેનિંગ માટે આ વર્ષે નવેમ્બર બાદ રશિયા મોકલવામાં આવી શકે છે. 10 હજાર કરોડ રૂપિયાના બજેટવાળા ગગનયાન મિશનની જાહેરાત ગત વર્ષે સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.