અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા જારદાર કાર્યવાહી : ગંદગીના લીધે કેસોમાં વધારો નોંધાયો
અમદાવાદ, તા.૧૯
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના નવા કેસો સપાટી પર આવ્યા છે. ઓગસ્ટ ૨૦૧૮ની સરખામણીમાં ઓગસ્ટ ૨૦૧૯માં હજુ સુધી મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ચાલુ માસમાં ૪૯૫ કેસો નોંધાયા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૨૫ અને ડેંગ્યુના ૭૮ કેસો સપાટી ઉપર આવ્યા છે. ઝાડાઉલ્ટીના ૨૭૦ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. કમળાના ૧૮૪ અને ટાઇફોઇડના ૨૭૧ કેસ નોંધાઈ ચુક્યા છે. હાલમાં પડેલા વરસાદના કારણે જુદા જુદા ક્ષેત્રોમાં ગંદગી અને કાદવ-કીચડના પરિણામ સ્વરુપે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. માત્ર ૧૭ દિવસના ગાળામાં ઝાડા ઉલ્ટીના ૨૧૭ કેસ નોંધાઈ ચુક્યા છે. અલબત્ત કોલેરાના કેસોને રોકવામાં તંત્ર સફળ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે મોટાપાયે વિવિધ વિસ્તારોમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ કર્યું છે જેમાં ૨૪૭૯૦ ક્લોરિન ગોળીઓનું વિતરણ ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું છે. બેક્ટોરિયોલોજીકલ તપાસ માટે ૭૭૮ પાણીના નમૂના લેવામાં આવ્યા છે. વહીવટી દંડ ફટકારીને પણ અસરકારક કામગીરી જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. પાણીના અનફિટ સેમ્પલોની સંખ્યા તપાસ કરવામાં આવ્યા બાદ ૨૧ નોંધાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ૧૭મી ઓગસ્ટ સુધીમાં લોહીના હજારોની સંખ્યામાં નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે ઓગસ્ટ ૨૦૧૮ની સરખામણીમાં ૧૭મી ઓગસ્ટ ૨૦૧૯ સુધીમાં ૧૪૩૦ જેટલા સિરમ સેમ્પલો લઇને તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને જાગૃત કરવાના પ્રયાસો પણ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે. મચ્છરજન્ય વિસ્તારોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના લીધે મેલેરિયા રોગચાળાને રોકવામાં આંશિકરીતે સફળતા મળી છે.