સિબ્બલે કહ્યું કે બંધારણની કલમ 370 નાબૂદ કરવી એ બ્રેક્ઝિટ જેવું રાજકીય કાર્ય
પાંચ જજોની બંધારણીય બેન્ચે ગઈકાલે ટિપ્પણી કરી

સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે ત્યારે ગઈકાલે કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે કલમ 370 નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે કલમ 370ની નાબૂદી બંધારણીય રીતે માન્ય હતી કે નહી તે અંગે કોર્ટ મૂલ્યાંકન કરી રહી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારત એક બંધારણીય લોકશાહી છે, જ્યાં તેના લોકોની ઇચ્છા સ્થાપિત સંસ્થાઓ દ્વારા જ જાણી શકાય છે.
પાંચ જજોની બેન્ચે ટિપ્પણી કરી
સીજેઆઈની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે ગઈકાલે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલ બાદ ‘બ્રેક્ઝિટ’ પર આ ટિપ્પણી કરી હતી. સિબ્બલે કહ્યું હતું કે બંધારણની કલમ 370 નાબૂદ કરવી એ બ્રેક્ઝિટ જેવું રાજકીય કાર્ય હતું, જ્યાં બ્રિટિશ નાગરિકોના અભિપ્રાય લોકમત દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. સિબ્બલે વધુમાં કહ્યું હતું કે જ્યારે 5 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી ત્યારે આવો કોઈ અભિપ્રાય કોઈ પાસેથી લેવામાં આવ્યો ન હતો. નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોન વતી સિબ્બલ હાજર થયા હતા જેમણે કલમ 370 નાબૂદને પડકાર્યો હતો.
સિબ્બલે સંસદની સત્તા પર પણ સવાલો કર્યા
સિબ્બલે કહ્યું કે સંસદે જમ્મુ અને કાશ્મીરમાં લાગુ બંધારણની જોગવાઈને એકપક્ષીય રીતે બદલવાના કાયદાને મંજૂરી આપી છે. આ અદાલતે નક્કી કરવાનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારત સરકાર આ કરી શકે છે. સિબ્બલે જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની ગેરહાજરીમાં કલમ 370 નાબૂદ કરવાની સંસદની શક્તિ પર વારંવાર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કલમ 370ને રદ કરવાની અથવા તેમાં સુધારો કરવાની ભલામણ કરવાની સત્તા માત્ર બંધારણ સભાને જ છે. બંધારણ સમિતિનો કાર્યકાળ 1957માં સમાપ્ત થયો ત્યારથી, જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણીય જોગવાઈને કાયમી ગણવામાં આવી હતી.
ચંદ્રચુડ સિબ્બલની દલીલોથી પ્રભાવી ન થયા
જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો બંધારણીય બેંચમાં સમાવેશ થાય છે. જોકે જસ્ટિસ ચંદ્રચુડ સિબ્બલની દલીલોથી પ્રભાવિત થયા ન હતા અને કહ્યું હતું કે બંધારણીય લોકશાહીમાં લોકોના અભિપ્રાય જાણવાનું કામ સ્થાપિત સંસ્થાઓ દ્વારા થવું જોઈએ. તમે બ્રેક્ઝિટ લોકમત જેવી પરિસ્થિતિની કલ્પના કરી ન કરી શકો. જો કે બેન્ચ સિબ્બલના મત સાથે સંમત થયા હતા કે બ્રેક્ઝિટ એક રાજકીય નિર્ણય હતો, પરંતુ કહ્યું હતું કે આપણા જેવા બંધારણમાં જનમત લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. સિબ્બલે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના કેન્દ્રના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે બંધારણ તેની મંજૂરી આપતું નથી.