ઇનસિક્યૉર હોવું એ ખરાબ છે? અસુરક્ષિત ભાવના વચ્ચે આંખમાં આંસુનું તોરણ બંધાવું ખરાબ કહેવાય ખરું? ગુસ્સો આવે એ હીનતાની નિશાની છે? ખીજ ચડે ત્યારે મૂંગા થઈ જવાનું મન થાય એમાં કશું ખોટું છે? બીક લાગે તો શરમ આવવી જોઈએ? ભય લાગે એ ખરાબ કહેવાય ખરું? ઘરમાં દાખલ થતી વખતે અંધારું હોય ત્યારે આંખ સામે પહેલાં જોયેલી કોઈ હૉરર ફિલ્મ આવી જાય અને હાથ ફટાક દઈને સ્વિચબોર્ડ પર ચાલ્યો જાય તો શું એનાથી જાત માટે ઘૃણા થવી જોઈએ ખરી? પતિ છીનવાઈ નહીં જાય, બૉયફ્રેન્ડ છોડી નહીં દે એવો વિચાર મનમાં આવે તો એ ખરાબ કહેવાય, એને માટે જાત પર આક્રોશ જનમવો જોઈએ ખરો?
ના, જરા પણ નહીં અને ક્યારેય નહીં. આ જ નિશાનીઓ છે માણસ હોવાની, આ જ નિશાની છે સામાન્યજન હોવાની. ગુસ્સો તો ચડવો જોઈએ જો તમને તમારી પ્રિય વ્યક્તિ છોડી દેવાનો ડર ન લાગતો હોય. ખીજ ત્યારે ચડવી જોઈએ જ્યારે તમારા પ્રિય પાત્રનું ખરાબ વર્તન તમને અકળાવતું ન હોય. શરમ તો આવવી જોઈએ જો આંખમાંથી બહાર આવવા માટે આંસુને ટેલિગ્રામ કરવામાં આવે અને એ ટેલિગ્રામ આંસુ રિસીવ ન કરતું હોય. જરા પણ ખોટી નથી આ લાગણીઓ, આ ભાવનાઓ અને આ વૃત્તિઓ. આ જ વૃત્તિ દર્શાવે છે કે તમે માણસ છો. આ જ વૃત્તિ દેખાડે છે કે તમારી અંદર લાગણીતંત્ર છે, જે હજી ધબકે છે અને આ જ વૃત્તિઓ દેખાડે છે કે તમારામાં પણ એક માણસ હજી શ્વસે છે. સાવજ જેવા બનવું જરૂરી છે જ નહીં. જો તમને સાવજ બનાવવા હોત તો ઉપરવાળાએ તમારો જન્મ બોરીવલી કે ગોરેગામને બદલે ગીરનાં જંગલોમાં કરાવ્યો હોત. જો નીડર બનાવવા હોત તો તમારો જન્મ ઈશ્વરે એનાકોન્ડાના ખોળિયામાં આપ્યો હોત પણ ના, તે નથી ઇચ્છતો કે તમે નીડર બનો, તે નથી ઇચ્છતો કે તમે સાવજ જેવા નિષ્ફિકર પણ બનો અને તે નથી ઇચ્છતો કે તમે તમારાં આંસુ પર ચેકડૅમ બનાવીને રાખો. તે ઇચ્છે છે કે તમે સહજ રહો. સહજ રહીને તમે એ તમામ પ્રતિક્રિયાઓ આપો જે સામાન્ય સંજોગોમાં સામાન્ય વ્યક્તિ આપતો હોય છે. જૉબ જવાનો ભય મનમાં હોય તો એમાં કશું ખોટું નથી. કૉમ્પિટિટર આગળ નીકળી જાય અને તમારા સિનિયર બની જાય એવું લાગતું હોય ત્યારે ગુસ્સો મનમાં ભભૂકવા માંડે અને આક્રોશ લાવારસ બનીને આખા શરીરમાં પ્રસરી જાય તો એમાં પણ કશું ગેરવાજબી નથી. સહજ છે અને આ સહજ સ્વભાવ છે એટલે જ તમે હ્યુમન બીઇંગની કૅટેગરીમાં સામેલ થયા છો.
ખોટી આ લાગણીઓ નથી, ખોટી એની અભિવ્યક્તિ છે. જો તમે તમારી નબળાઈઓને જાણી લેશો, ઓળખી લેશો તો તમને ખબર પડશે કે કેવા સંજોગોમાં તમારી નબળી કડીઓ કૂદકા મારીને બહાર આવી જાય છે. જો તમે એને હૅન્ડલ કરી લો, જો તમે એને સાચવી લો, જાળવી લો તો પછી તમારી સામે બીજા કોઈ પ્રશ્નો વિકરાળ રૂપ ધારણ કરવાના નથી અને આ જ હકીકત છે. પૃથ્વી પર જ નહીં, જીવનમાં જ્યારે પણ દુર્ઘટનાઓ ઘટી છે ત્યારે એ દુર્ઘટના પાછળ નબળી ક્ષણો જ જવાબદાર રહી છે. નબળી ક્ષણો લાંબી હોતી નથી, એ ક્ષણ ક્ષણિક જ હોય છે અને ક્ષણિક આવરદા ધરાવતી એ ક્ષણને જો તમે સાચવી શકો તો કોઈ પક્ષે કશું ગુમાવવાનું આવતું નથી.
સામાન્ય સ્તરે બને છે ઊલટું. આપણી નબળાઈઓ આપણને ખબર નથી હોતી, પણ એ બીજાને ખબર પડી જાય છે. જીવનની આ સૌથી મોટી વિટંબણા છે. સ્વાભાવિક રીતે જો તમારા હાથમાં અન્ય કોઈની નબળી કડી આવી હોય તો તમે એનો દુરુપયોગ ન કરો. કબૂલ, મંજૂર પણ હા, જરૂર પડે ત્યારે તમે એનો ઉપયોગ કરવાનું પણ ન જ ટાળો. જો એવું તમારી સાથે લાગુ પડતું હોય તો નૅચરલી, આ જ બેનિફિટ ઑફ ડાઉટ તમારે સામેવાળાના પક્ષમાં ઉમેરવો પડે અને જો એ ઉમેરીને કહેવાનું હોય તો કહી શકાય કે તમારી નબળાઈઓ બીજાના હાથમાં આવે એ હિતાવહ નથી. એવું બનશે ત્યારે તકલીફ તમને જ પડશે અને એ તકલીફોને જો જોવી ન હોય, સહેવી ન હોય તો તમારી નબળાઈઓ દુનિયા ઓળખે, બીજા પારખે એના કરતાં તમે એને પારખી લો.
અનિવાર્ય છે, આવશ્યક છે, જરૂરી છે.
તમારી નબળાઈઓનો પૂરેપૂરો લાભ લેવાશે અને તમારી નબળાઈઓનો પૂરેપૂરો ગેરલાભ પણ લેવાઈ શકે છે. તમારી નબળાઈ જો તમે જાણીને રાખશો તો એ તમારે માટે ઢાલનું કામ કરશે અને ધારો કે તમારી નબળાઈઓ સામેવાળો જાણતો હશે તો એ શસ્ત્રનું કામ કરશે. તમારી નબળાઈઓ જો તમે જાણતા હશો તો એ તમારું સંરક્ષક બનશે અને જો તમારી નબળાઈઓ સામેવાળાની આંખ સામે ખુલ્લી હશે તો એ તમારે માટે જ સંહારક બનશે. ડરવું ખોટું નથી, બીક હોવી જોઈએ.
આંખમાં આંસુ આવે તો ફાટી પડવાની જરૂર નથી. ચિંતા સતત થયા કરે છે તો એમાં કંઈ ગેરવાજબી નથી, પણ આ ડર, બીક, આંસુ અને ચિંતાની લાગણીનું ટ્રિગર પૉઇન્ટ કર્યું છે એની ખબર તમને હોવી જોઈએ, દુનિયાને નહીં. જો દુનિયાને ખબર હશે તો દુનિયા એ ટ્રિગર પૉઇન્ટને રમકડા તરીકે વાપરશે અને ધારો કે તમે એ ટ્રિગર પૉઇન્ટને ઓળખી ગયા તો તમને ખબર પડશે કે ક્યારે કઈ જગ્યાએથી કેટલી ઝડપથી હટી જવામાં સાર છે.
ભાગવું, નીકળી જવું, સરકી જવું એ પણ માનવ હોવાના ગુણ છે સાહેબ. એમાં પણ કશું ખોટું નથી.