પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા અંતર્ગત ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાર્તાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે પાકિસ્તાનના આ અનુરોધને ભારતે સ્વીકાર કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, “હું તે વાતને કન્ફર્મ કરું છું કે પાકિસ્તાનના આગ્રહ પર ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક થશે. આ બેઠકની તારીખ અને સમય અંગે બંને મળીને નિર્ણય કરશે.” આ પહેલાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી શાંતિ વાર્તા શરૂ કરાવવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. ઈમરાન ખાને પત્ર લખી આગ્રહ કર્યો હતો કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી વચ્ચે મંત્રણા થાય. તો બીજી તરફ પાકિસ્તાન વિદેશ વિભાગે બુધવારે કહ્યું કે આ માટે પુરા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા આ મહિને જ થવાની છે. જેમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશી સામેલ થશે. જોકે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, આતંક અને મંત્રણા એક સાથે ન થઈ શકે.
છેલ્લાં કેટલાંક અઠવાડીયાથી તેવી શક્યતાઓ તેજ થઈ છે કે UN જનરલ એસેમ્બલીમાં સુષ્મા સ્વરાજ અને કુરૈશી વચ્ચે મીટિંગ થશે કે નહીં. ઈમરાન ખાનનો પત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે ઠોસ સંબંધ બીજી વખત શરૂ કરતા પહેલા ઔપચારિક પ્રસ્તાવ પણ છે. રાજનાયિક સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ખાને પોતાના પત્રમાં તે વ્યાપક દ્વિપક્ષીય વાર્તા પ્રક્રિયા ફરીથી શરૂ કરાવવાનો આગ્રહ કર્યો છે જે ડિસેમ્બર 2015માં શરૂ કરાઈ હતી. પઠાણકોટ આતંકી હુમલા બાદ આ મંત્રણ સ્થગિત કરવામાં આવી છે. ઈમરાન ખાને પોતાના પત્રમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાનને આતંકવાદ અને કાશ્મીર સંબંધિત તમામ મોટાં મુદ્દાઓની વાતચીતના માધ્યમથી સમાધાન પર વિચાર કરવો જોઈએ.
25 સપ્ટેમ્બર બાદ બંને દેશના વિદેશ મંત્રી મળી શકે છે
– સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક ન્યૂયોર્કમાં 25 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, જે આગામી 9 દિવસ સુધી ચાલશે. આ દરમિયાન સાર્ક વિદેશ મંત્રીઓની પણ બેઠક થઈ શકે છે.
– સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 27 સપ્ટેમ્બરે સાર્ક દેશોના વિદેશ મંત્રીઓની બેઠકના એક દિવસ પહેલાં આ મુલાકાત થઈ શકે છે.
– જો કે મળતી માહિતી મુજબ ભારતનું વલણ સ્પષ્ટ છે કે આતંકવાદ અને મંત્રણા એક સાથે ન થઈ શકે, તેથી બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે મંત્રણા થશે કે નહીં તે અંગે પણ સવાલ છે.
બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે અંતિમ વખત ડિસેમ્બર 2015માં થઈ હતી મંત્રણા
– ડિસેમ્બર 2015માં સુષ્મા સ્વરાજ હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ઈસ્લામાબાદ ગયા હતા, તે સમયે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોના સ્તરે પાકિસ્તાનની સાતે અંતિમ વખત મંત્રણા થઈ હતી.
– તે સમયે જાહેર કરવામાં આવેલાં સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશોની વચ્ચે વિદેશ સચિવ અનેક મામલે વ્યાપક ચર્ચા માટે મીટિંગની સંભાવનાઓ અને શેડ્યૂલ તૈયાર કરવા અંગે કામ કરશે.
– બંને દેશ વચ્ચે જે મુદ્દે ચર્ચા થવાની હતી તેમાં શાંતિ અને સુરક્ષા, સીબીએમ, જમ્મુ કાશ્મીર, સિયાચિન, સરક્રીક, વુલર બૈરાજ/તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ, આર્થિક તેમજ વાણિજ્ય સહયોગ, આતંકવાદ વિરોધી પગલાં, નારકોટિક્સ કંટ્રોલ, માનવીય મુદ્દા, લોકોનું લોકો સાથે આદાન પ્રદાન અને ધાર્મિક પર્યટન સહિતના અનેક મુ્દ્દાઓ સામેલ હતા.