2989 કરોડના ખર્ચે કેવડિયા કોલોની સ્થિત સાધુ ટેકરી ખાતે બુધવારે વડાપ્રધાન મોદીના હસ્તે જેનું લોકાર્પણ થવાનું છે એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશે દુનિયાભરના માધ્યમોએ ઉત્સુકતા દાખવી છે. જોકે વિશ્વભરના સમાચારપત્રોએ પોતપોતાની રીતે તેની નોંધ લીધી છે. એ પૈકી કોઈકે આવા ગંજાવર પ્રયત્ન માટે ભારતની સરાહના પણ કરી છે, તો કોઈકે તેને ટીકાપાત્ર પણ ગણ્યું છે.
વોશિંગ્ટન પોસ્ટ કહે છે…
અમેરિકાના પ્રસિદ્ધ દૈનિક વોશિંગ્ટન પોસ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની નોંધ લેતાં લખ્યું છે કે, ‘મહાકાય પ્રતિમા ભારતના ગ્લોબલ દૃષ્ટિકોણને દર્શાવે છે, અને એટલો જ તેમાં વડાપ્રધાન મોદીનો અહમ પણ છતો થાય છે.’ આવી સુચક નોંધ પછી વોશિંગ્ટન પોસ્ટે એ પણ ઉમેર્યું છે કે, ‘આશરે 408 મિલિયન ડોલરના ખર્ચે તૈયાર થયેલી આ પ્રતિમા વડે મોદીએ ત્રણ નિશાન તાક્યા છેઃ હિન્દુત્વની રાજનીતિ આગળ કરવી, પોતાના રાજ્યમાં એક વૈશ્વિક સ્થાપત્ય ઊભું કરવું અને ભારતની વધતી તાકાતનો વિશ્વને પરિચય આપવો.’
પાકિસ્તાને પણ નોંધ લેવી પડી
પાકિસ્તાનની અગ્રણી સમાચાર સંસ્થા જીઓ ન્યુઝે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી ભારતમાં જમણેરી વિચારધારા ઉત્તરોત્તર વધુ મજબૂત બનતી હોવાનો મત વ્યક્ત કર્યો છે. જીઓ ન્યુઝે ઉમેર્યું છે કે, ‘વાસ્તવમાં આ પ્રતિમાના અનાવરણ થકી વડાપ્રધાન મોદી અને તેમની જમણેરી નીતિ આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારનો આરંભ કરવા ધારે છે.’ અન્ય એક પાકિસ્તાની દૈનિક એક્સ્પ્રેસ ટ્રિબ્યુને લખ્યું છે કે, ‘સરદાર પટેલ કોંગ્રેસના નેતા હતા અને કોંગ્રેસ હાલમાં વિપક્ષમાં છે ત્યારે તેમની વિરાટ પ્રતિમા વડે મોદી કોંગ્રેસની બદબોઈ કરવા ધારે છે.’
બ્રિટિશ માધ્યમોનો મત
વિખ્યાત સમાચાર સંસ્થા બીબીસીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કદ કે તે બનાવવા માટે થયેલ ખર્ચના આંકડાથી અંજાવાને બદલે આ પ્રતિમાના નિર્માણથી સ્થાનિક ખેતીને અને આદિવાસી સંસ્કૃતિને થયેલા નુકસાન પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. બીબીસીએ 2006ના સરકારી અહેવાલને ટાંકીને લખ્યું છે કે, ‘જ્યાં આ પ્રતિમા બનાવવામાં આવી છે એ નર્મદા જિલ્લાના ખેડૂતો માટે પૂરતી શાળાઓ નથી, દવાખાનાઓ નથી ત્યારે સરકારે આવા ખર્ચ કરવાને બદલે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધ્યાન આપવું જોઈએ.’