એક લાખની લોન માટે બેંકોમાં લાંબી લાઈનો, આ લોકોને કોણ સમજાવે..?

0
115
એક લાખની લોન ના ફોર્મ લેવા માટે સવારથી જ લાંબી લાઇનો, સોશિયલ ડિસ્ટન્સનું ક્યાંય પણ પાલન નહીં

સનવિલા સમાચાર, અમદાવાદ: ગુજરાતની સરકારે આત્મનિર્ભર સહાય યોજના હેઠળ રૂ. 1 લાખ સુધીની લોનની જાહેરાત કરી હતી.ત્યારે આ લોન હેઠળ બે ટકાના વ્યાજ હેઠળ મળનારી લોનના ફોર્મ લેવા માટે ગુજરાતભરના લોકોએ સહકારી બેન્કોમાં લાઈનો લગાવી હતી, પરંતુ મોટાભાગના લોકો ફોર્મ મેળવ્યા વિના વિલા મોંએ પરત ફર્યા હતા. ઘણી સહકારી બેન્કોમાંથી ફોર્મ મળી શક્યા જ નહોતા. લોકડાઉનને કારણે ફોર્મ છપાયા ન હોવાથી કેટલીક બેન્કોએ તેમને કોમ્પ્યુટર પ્રીન્ટ કાઢીને આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં ફોર્મ લેવા માટે મસમોટી લાઈનો લાગી હતી. પરંતુ ફોર્મ મળી શક્યા નહોતા.

બીજી તરફ નાના વેપારીઓને આત્મ નિર્ભર બનાવવા માટે સહકારી બેન્કોમાંથી માત્ર બે ટકા વ્યાજ લઈને લોન આપવાની યોજના હેઠળ લોન લેનાર જો નિયમિત હપ્તો ન ભરે તો સહકારી બેન્કોને છ ટકા વ્યાજ સબસિડી ન આપવાનું સરકારે સ્ટેન્ડ લીધું હોવાથી સહકારી બેન્કો લોન આપવી કે ન આપવી તે અંગે અસમંજસમાં પડી ગઈ છે. નાના માણસોને આપવામાં આવતી લોનના હપ્તા નિયમિત ન ભરાય તેવી શક્યતા રહેલી છે. આ સંજોગોમા સરકાર તરફથી બેન્કોને છ ટકાના વ્યાજ સબસિડી ન અપાય તો તેમણે મૂડી ગુમાવવાની સાથેસાથે જ વ્યાજની સબસિડી પણ ગુમાવવી પડી શકે છે. નિયમિત હપ્તા ન ભરનારને વ્યાજ સબસિડી ન આપવાને મુદ્દે ગુજરાત સરકારના જીઆરમાં જોગવાઈ હોવાથી સહકારી ક્ષેત્ર માટે લોન આપની કઠિન બની શકે છે.દસલાખ નાના કારીગરોને લોન લેવા માટેના ફોર્મ લેવા ગયેલાઓને ફોર્મ છપાયા જ ન હોવાથી સંખ્યાબંધ બેન્કો ફોર્મ જ ન આપી શકી નથી. કેટલીક બેન્કોએ કોમ્પ્યુટર પર ફોર્મ તૈયાર કરીને તેના પ્રીન્ટ આઉટ કાઢીને અરજદારોને આપ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. માત્ર અમદાવાદ જિલ્લા સહકારી બેન્ક આ ફોર્મ આપી શકી હોવાનું જાણવા મળી રહ્યું છે.બીજું, કારીગરો બેન્ક તરફથી તેમને રૂા. 1 લાખ સુધીની આર્થિક સહાય મળવાની હોવાની ગેરસમજ સાથે ફોર્મ લેવા આવી રહ્યા છે. પરંતુ તેમને લોન આપવામાં આવી રહી છે.

ત્યારબાદ સરકાર તેમના ખાતામાં છ ટકા વ્યાજ સબસિડી જમા કરાવશે. તેઓ નિયમિત હપ્તા નહિ ભરે તો તેમને વ્યાજ સબસિડી આપવામાં આવશે નહિ. સહકારી ક્ષેત્રના આગેવાનોનું કહેવું છે કે કારીગરો અને વ્યવસાયિકો નિયમિત હપ્તા ન ભરે તો વ્યાજ સબસિડી ન આપે તેવી સરકારની શરતને રદ કરી દેવાની માગણી સહકારી આગેવાનો દ્વારા કરવામાં આવી છે. આ અંગે હજી સુધી કોઈ જ નિર્ણય સરકાર તરફથી લેવાયો હોવાની જાહેરાત થઈ નથી. સરકાર આ નિર્ણય ન લેતો સહકારી બેન્કોએ મૂડી ઉપરાંત વ્યાજ સબસિડી પણ ગુમાવવી પડી શકે છે.આ અગાઉ સહકારી બેન્કોએ દસ લાખ નાના કારીગરો દુકાનદારોને ધિરાણ આપવા માટેની મૂડી પર પણ 60, 40 અને 30 ટકાના ધોરણે સબસિડી આપવાની દરખાસ્ત મૂકી હતી.

આ દરખાસ્તને સરકારે અમાન્ય રાખી હતી. નાના વેપારીઓ અને કારીગરોને આત્મ નિર્ભર સહાય યોજના હેઠળ રૂા. 1 લાખ સુધીની લોન માત્ર બે ટકા વ્યાજે આપવાની જાહેરાત તો સરકારે કરી દીધી છે, પરંતુ સહકારી બેન્કો કુલ સભાસદના 20 ટકાથી વધુ નોમિનલ સભ્ય બનાવી ન શકતી હોવાથી 270 બેન્કો અને 6000 ક્રેડિટ સોસાયટીઓ મળીને 10 લાખ લોકોને લોન આપી શકશે કે કેમ તે એક સવાલ પહેલા દિવસે જ ઊભો થયો છે.આ સંજોગોમાં રિઝર્વ બેન્કની અનુમતી મેળવીને નોમિનલ સભ્યની ટકાવારી 20થી વધારીને 40 કરાવી આપવાની દરખાસ્ત સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા સરકાર સમક્ષ મૂકવામાં આવી છે.