અમદાવાદ :ખરાબ રસ્તાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન થઈ છે, ત્યારે બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના રોડ-રસ્તાના રિસર્ફેસની કામગીરી માટે 250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓના દેખરેખના અભાવે કોન્ટ્રાક્ટરો મનમાની મુજબ રસ્તાના રીપેરીંગ કરી રહ્યા છે. માત્ર મનમાની જ નહિ, તેઓ કામમાં વેઠ ઉતારતાં જોવા મળી રહ્યા છે. સવાલ એ છે કે, અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરની આ કામગીરીઓ પર કોઈ વોચ રાખવામાં આવી નથી રહી. શહેરના સરદાર નગર પોલીસ લાઇન જવાહર ચોક અને સાંઈ સોસાયટીના રોડનું રીપેરીંગ કામ તો શરૂ કરવામાં આવ્યું, પરંતુ તેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. રસ્તાના રીપેરીંગ કામ દરમ્યાન પાર્ક કરવામાં આવેલી કાર પણ હટાવાવાની તસ્દી ન લેવાઈ અને રોડ બનાવી દેવાયો.
સામાન્ય રીતે રોડ બનાવવાની કામગીરી કરવામાં આવે તો વચ્ચે આવતા તમામ હર્ડલને હટાવવામાં આવે છે. તેના બાદ રોડ સર્ફેસ કરવામા આવે છે. પરંતુ અમદાવાદના આળસી બાબુઓની હદ આ તસવીરમાં જોવા મળે છે. રોડ સર્ફેસની કામગીરી દરમિયાન રોડ પર પડેલી કારને હટાવવાનું કોન્ટ્રાક્ટરને યાદ ન આવ્યું અને તેની સાઇડમાંથી રોડનું કામ કરી દેવાયું. જેના પરથી તંત્રની બેદરકારી સ્પષ્ટ બહાર આવે છે.એક તરફ વિકાસના મામલે ગુજરાતને સમગ્ર દેશમાં રોડ મોડલ બનાવાયુ છે. ગુજરાતના વિકાસના બણગા ફૂંકાય છે. ત્યારે આવી તસવીરો ગુજરાતની લાજ કાઢે તેવી છે. અધિકારીઓ જો નાનકડા રસ્તા બનાવવા માટે આટલી બેદરકારી બતાવતા હોય તો, મોટા રોડ બનાવવામાં કેવુ લોલમલોલ ચાલતુ હશે. સવાલ એ છે કે, સમગ્ર રોડ બની ગયા બાદ પણ તંત્રના પેટનુ પાણી હાલતુ નથી. સરકારી બાબુઓને જાણે માત્ર પગારમાં રસ હોય તેમ ખુરશી પર બેસ્યા રહે છે, અને સ્થળ પર જઈને કોન્ટ્રાક્ટર્સ કેવી રીતે કામગીરી કરે છે તેનુ કોઈ નિરીક્ષણ કરવાન તસ્દી સુદ્દા લેતા નથી.