મંગળવાર, 1 માર્ચના રોજ શિવરાત્રિ છે. શિવજીની પૂજા સાથે જ તેમના બોધપાઠને જીવનમાં ઉતારી લેવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. શિવજીની અનેક એવી કથાઓ પ્રચલિત છે, જેમાં ભગવાને જીવનને શ્રેષ્ઠ બનાવવાના સૂત્ર જણાવ્યા છે. જાણો આવી કથાઓ…
ક્યારેય પોતાની શક્તિ ઉપર ઘમંડ કરશો નહીં
મહાભારત યુદ્ધ પહેલા અર્જુન દેવરાજ ઇન્દ્ર પાસે દિવ્યાસ્ત્ર મેળવવા ઈચ્છતો હતો. એટલે અર્જુન ઇન્દ્રને મળવા ઇન્દ્રકીલ પર્વત પર પહોંચ્યો. ઇન્દ્રકીલ પર્વત પર ઇન્દ્ર પ્રગટ થયા અને તેમણે અર્જુનને કહ્યું કે મારી પાસેથી દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કરતા પહેલા તારે શિવજીને પ્રસન્ન કરવા પડશે. ત્યારે અર્જુને શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા શરૂ કરી દીધી. જ્યાં અર્જુન તપસ્યા કરી રહ્યો હતો, ત્યાં મૂક નામનો એક અસુર ભૂંડનું રૂપ ધારણ કરીને પહોંચી ગયો. તે અર્જુનને મારવા ઈચ્છતો હતો. આ વાત અર્જુન સમજી ગયો અને તેણે પોતાના ધનુષ પર બાણ ચઢાવી લીધું અને જેમ તે બાણ છોડવાનો હતો, તે સમયે એક કિરાત એટલે કે વનવાસીના વેશમાં શિવજી ત્યાં પ્રગટ થયા. વનવાસીએ અર્જુનને બાણ ચલાવતા રોકી દીધો.
વનવાસીએ અર્જુનને કહ્યું કે આ ભૂંડ પર મારો અધિકાર છે, કારણ કે તારી કપહેલાં મેં તેને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. એટલા માટે તેને તું નહીં મારી શકે, પરંતુ અર્જુને આ વાત ન માની અને ધનુષથી બાણ છોડી દીધું. વનવાસીએ પણ તરત જ બાણ ભૂંડ તરફ છોડી દીધું. અર્જુન અને વનવાસીનું બાણ એકસાથે ભૂંડને વાગ્યું અને તે મરી ગયું. ત્યારબાદ અર્જુન તે વનવાસીની પાસે ગયો અને કહ્યું કે આ ભૂંડ પર મારું લક્ષ્ય હતું, તેની ઉપર તે બાણ કેમ માર્યું? આ પ્રકારે વનવાસી અને અર્જુન બંને તે ભૂંડ પર પોત-પોતાનો અધિકાર બતાવવાં લાગ્યાં. અર્જુન એ વાત જાણતો હતો કે આ વનવાસીના વેશમાં સ્વયં શિવજી જ છે. વાદ-વિવાદ વધી ગયો અને બંને એક-બીજા સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયાં.
અર્જુને પોતાના ધનુષથી વનવાસી પર બાણોની વર્ષા કરી દીધી, પરંતુ એકપણ બાણ વનવાસીને નુકસાન પહોંચાડી ન શક્યું. જ્યારે અનેક પ્રયાસો કર્યા પછી પણ અર્જુન વનવાસીને જીતી ન શક્યો ત્યારે તે સમજી ગયો કે આ વનવાસી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. જ્યારે વનવાસીએ પણ પ્રહાર કર્યો તો અર્જુન તે પ્રહારને સહન ન કરી શક્યો અને બેભાન થઈ ગયો. થોડીવાર પછી અર્જુને ફરીથી હોશ આવ્યો તો તેમને માટીનું એક શિવલિંગ બનાવ્યું અને તેની ઉપર એક માળા ચઢાવી. અર્જુને જોયું કે જે માળા શિવલિંગ પર ચઢાવી હતી, તે એ વનવાસીના ગળામાં દેખાઈ રહી છે. આ જોઈને અર્જુન સમજી ગયો કે શિવજીએ જ વનવાસીનો વેશ ધારણ કર્યો છે. ત્યારે અર્જુનને સમજાયું કે તેણે પોતાની શક્તિ ઉપર ઘમંડ થઈ ગયો હતો.ભગવાન શિવ અને માતા સતી સાથે જોડાયેલી એક કથા ખૂબજ પ્રચલિત છે. પ્રજાપતિ દક્ષ દ્વારા હરિદ્વારમાં ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું અને આ યજ્ઞમાં દેવી-દેવતાઓને આમંત્રણ આપ્યું હતું. દક્ષને શિવજી પસંદ ન હોવાથી તેઓએ ભગાવન શિવ અને સતિને આમંત્રણ આપ્યું ન હતું. માતા સતિને નારદ દ્વારા જાણ થઈ હતી કે તેના પિતા દક્ષ યજ્ઞ કરી રહ્યા છે. સતી આ યજ્ઞમાં જવા માટે તૈયાર થઈ ગઈ. શિવજીએ માતા સતીને સમજાવ્યા કે આમંત્રણ વગર યજ્ઞમાં ન જવું જોઈએ. પરંતું સતી માન્યા નહીં. શિવજીએ ના પાડી હોવા છતા સતી તેમના પિતાને ત્યા યજ્ઞમાં ગયા. જ્યારે સતી યજ્ઞ સ્થળે પહોચ્યા ત્યારે તેમણે જોયું કે શિવજી ને બાદ કરતા તમામ દેવી-દેવતાઓને યજ્ઞમાં આમંત્રણ છે. આ જોઈને સતીએ પિતાને શિવજીને યજ્ઞમાં ન બોલાવવાનું કારણ પૂછ્યું. જવાબમાં દક્ષ રાજાએ શિવજીનું અપમાન કર્યું. શિવજીનું અપમાન સહન ન થતા સતીએ હવન કૂંડમાં કૂદીને પોતાના પ્રાણ આપી દીધા. આથી આમંત્રણ વગર ક્યારેય કોઈના ઘરે કે કાર્યક્રમમાં ન જવું જોઈએ. જીવનસાથી કોઈ સાચી વાત કહે તો તેને માની લેવી જોઈએ. તેનો અનાદર કરવો ન જોઈએ.શિવ-પાર્વતીના પુત્ર કાર્તિકેય સ્વામીનો ઉછેર 6 કૃતિકાઓએ કર્યો હતો, આ કારણે તેમનું નામ કાર્તિકેય પડ્યું હતું. જ્યારે કાર્તિકેય અંગે શિવ-પાર્વતીને જાણ થઈ ત્યારે તેમણે પોતાના સેવક મોકલીને બાળક કાર્તિકેયને કૈલાશ પર્વત ઉપર બોલાવ્યાં હતાં. તે સમયે બધા દેવતા શિવજી પાસે પહોંચ્યા અને જણાવ્યું કે તારકાસુરે હાહાકાર મચાવી રાખ્યા છો. તારકાસુરને વરદાન મળ્યું છે કે તેમનો વધ તમારો પુત્ર જ કરશે. હવે તમે તે બાળક અમને સોંપી દો. આ બાળક પાસે એટલી યોગ્યતા છે કે તે દેવતાઓના સેનાપતિ બની શકે છે. શિવ-પાર્વતીએ વિચાર કર્યો કે પુત્ર હાલ જ આવ્યો છે, પરંતુ લોક કલ્યાણ માટે આપણે તેને સોંપી દેવો જોઈએ. તેમણે કાર્તિકેયને આશીર્વાદ આપીને મોકલી દીધાં. કાર્તિકેયે તારકાસુરનો વધ કરી દીધો. માતા-પિતા પોતાની સંતાનને યોગ્ય બનાવે, તેમાં કોઈ ખામી ન રાખવી, યોગ્ય સંતાનને સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનાવો. જ્યારે સમાજ અને રાષ્ટ્રને આપણી યોગ્ય સંતાનની જરૂરિયાત હોય ત્યારે તેમને રોકવા જોઈએ નહીં. જ્યારે બાળક સમાજ અને રાષ્ટ્ર માટે સારા કામ કરશે તો આખા પરિવાર અને વંશને માન-સન્માન મળે છે, કાર્તિકેય સ્વામીએ શિવ-પાર્વતીનું નામ ઊંચું કર્યું હતું.