જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાએ શિક્ષણક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના શિક્ષણ વિભાગ હેઠળના શાળા, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા પરફોર્મન્સ ગ્રેડિંગ રિપોર્ટ(પીજીઆઇ) જાહેર કરાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવાની સાથે દેશભરના 650 જિલ્લાઓમાંથી 19મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ગૌરવપ્રદ સ્થાન અને સિદ્ધિ મેળવવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા, કલેક્ટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે શિક્ષણ વિભાગ અને ડીઇઓ આર.એસ. ઉપાધ્યાયને અભિનંદન પાઠવ્યા છે.આ રિપોર્ટ અધ્યયન વ્યવસ્થા અને ગુણવત્તા, શિક્ષક પ્રાપ્તત્તા, વ્યવસાયિક વિકાસ વ્યવસ્થા, લર્નિગ મેનેજમેન્ટ, અધ્યય સંવર્ધન પ્રવૃતિઓ, આંતરમાળકિય સુવિધાઓ, વિદ્યાર્થી અધિકારો, શાળા સુરક્ષા અને બાળ સુરક્ષા, ડીઝીટલ લર્નિંગ, હાજરી બાબતે દેખરેખ માટેની સિસ્ટમ સહિતના માપદંડોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ-નું નિર્માણ ચોક્કસ સૂચકાંકો અને ડોમેન્સના આધારે કરવામાં આવ્યું છે.પીજીઆઇ માટે માહિતી જે સ્ત્રોતમાંથી લેવામાં આવી છે તેમાં યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ જે ઇન્ફ્રાટ્રક્ચર તથા નેશનલ એચિવમેન્ટ સર્વે(એનએએસ) 2017 અને જિલ્લાઓ દ્વારા આપવામાં આવેલ ડેટાનો સમાવેશ થાય છે. જાહેર થયેલ પરર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ રિપોર્ટમાં જૂનાગઢ જિલ્લાએ કુલ 600 માંથી 447 ગુણ મેળવ્યા છે. સમગ્ર દેશમાં સમાન સ્કેલમાં તમામ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોની સાપેક્ષ કામગીરીનું મૂલ્યાંકન કરવાના અને રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોને વધુ સારો દેખાવ કરવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી ભારત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની સંસ્થા શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો માટે વર્ષ 2018-19 અને 2019-20 માટે પીજીઆઇ રિપોર્ટ જાહેર કર્યો છે.બાળકની શાળામાં અભ્યાસ કરવાની પ્રક્રિયાની વ્યવસ્થામાં કુલ 290 માંથી 183 ગુણ મેળવ્યા છે.બાળકોને અભ્યાસ શિખવામાં રૂચિ જાગે અને એકાગ્રતાથી શિક્ષણ મેળવે તે માટે શાળામાં કરાવવામાં આવતી પ્રવૃત્તિમાં 90 માંથી 72 ગુણ મેળવ્યા છે.મળતી ગ્રાન્ટ-ફંડનો સુચિત હેતુ અનુસાર અને સમયસર ઉપયોગમાં 51 માંથી 39 ગુણ મેળવ્યા છે.કલસ્ટર રિસોર્સ સેન્ટર કો ઓર્ડિનેટરની કાર્યક્ષમતામાં વધારો કરવા માટેની તાલીમ અને પ્રવૃત્તિમાં 35 માંથી 33 ગુણ મેળવ્યા છે.શિક્ષણ અને વિદ્યાર્થીની ઓનલાઇન હાજરીમાં 50માંથી 39 ગુણ મેળવ્યા છે.શાળાનો સમગ્રતયા વિકાસ જેમાં શાળા અન્ય શાળાઓ સાથે નેતૃત્વ કરી શકે તેવી ક્ષમતા કેળવે. તમામ પાસાઓ જેવા કે રમત ગમત, મૂલ્ય શિક્ષણ, તાલીમ, કૌશલ્ય વર્ધન વગેરેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટેનો કાર્યક્રમમાં 84 માંથી 81 ગુણ મેળવ્યા છે. આમ, કુલ 600માંથી 447 ગુણ મેળવ્યા છે.