૧૨૨ તળાવ પૈકી ૩૭ તળાવ ઈન્ટરલિંક કરાયા છતાં તંત્રે પાણી રહે છે કે કેમ એ અંગે હજી સુધી તંત્રે ચેક કર્યુ નથી
આગામી ચોમાસા અગાઉ અમદાવાદ મ્યુનિ.તંત્ર તરફથી શહેરમાં વરસાદી પાણી ના ભરાય એ માટે કરેલી કામગીરીની સમીક્ષા કરવા બેઠક યોજાઈ હતી.બેઠકમાં શહેરના ૪૮ વોર્ડમાં પહેલા રાઉન્ડમાં ૫૮ હજાર તથા બીજા રાઉન્ડમાં અત્યારસુધીમાં ૧૫ હજાર એમ કુલ મળી ૭૬ હજાર કેચપીટ સાફ કરાઈ હોવાનો તંત્રના અધિકારીઓએ દાવો કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ,મારી સાથે આવો બે વર્ષથી કેચપીટની સફાઈ ન થઈ હોય એવી જગ્યા બતાવુ.મ્યુનિ.હસ્તક શહેરમાં ૧૨૨ તળાવ આવેલા છે.આ પૈકી માત્ર ૩૭ તળાવને ઈન્ટરલિંક કરાયા છે.તળાવોને ઈન્ટરલિંક કરાયા બાદ એમાં પાણી રહે છે કે કેમ એની તપાસ કરી એવા સવાલના જવાબમાં સંબંધિત અધિકારીઓ કોઈ જવાબ આપી શકયા નહોતા.
પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા કરવા મ્યુનિ.પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓની મળેલી બેઠકમાં દર વર્ષે મોટી રકમનો ખર્ચ કર્યા બાદ પણ શહેરના વિવિધ વિસ્તારમાં એક ઈંચ જેવા સામાન્ય વરસાદમાં રસ્તા ઉપર પાણી ભરાતા હોવાના મુદ્દે વહીવટીતંત્ર અને મ્યુનિ. સત્તાધીશો વચ્ચે લાંબો ગજગ્રાહ ચાલ્યો હતો.અધિકારીઓ તરફથી કામગીરીને લઈ રજૂ કરવામા આવેલા પ્રેઝન્ટેશનને જોયા બાદ સ્ટેન્ડિંગ ચેરમેન ે અધિકારીઓને વેધક સવાલ કરતા કહયુ,તમે બે રાઉન્ડમાં ૭૬ હજાર કેચપીટ સાફ કરી હોવાનો દાવો કરો છો.તો કેચપીટમાંથી કેટલી માટી નીકળી, એ માટીનો કયાં અને કેવી રીતે નિકાલ કરાયો એની વિગત આપો.તંત્રના અધિકારીઓ આ વિગત આપી શકયા નહોતા.ચેરમેને કેચપીટ સફાઈ કરાઈ તો કેટલી કેચપીટના કવર બદલવામા આવ્યા તેની વિગત માંગી હતી આ વિગત પણ અધિકારીઓ આપી શકયા નહોતા.આ સ્થિતિમાં મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને પણ અધિકારીઓને કહેવુ પડયુ હતુ કે,તમે કામગીરી કરી હોય તો વિગત તો હોવી જોઈએને? એક તબકકે સ્ટેન્ડિંગ ચેરમેને ત્યાં સુધી કહેવાની ફરજ પડી હતી કે,તમે શું કેચપીટ સાફ કરી હોવાના દાવા કરો છો? આવો મારી સાથે બે વર્ષથી કેચપીટ સાફ ના કરાઈ હોય એવી જગ્યા બતાવુ.
બેઠકમાં હાજર મ્યુનિ.પ્રભારીએ અમદાવાદ મ્યુનિ.હસ્તકના ૧૨૨ તળાવને એકબીજા સાથે ઈન્ટરલિંક કરી તેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વાત ઘણા વર્ષોથી કરાય છે ત્યારે અત્યાર સુધીમાં કેટલા તળાવ ઈન્ટરલિંક કરાયા એ અંગે વિગત માંગી હતી.માત્ર ૩૭ તળાવ ઈન્ટરલિંક કરાયા છે પરંતુ એમાં પાણી રહે છે કે કેમ એ અંગે તંત્રે ચેક કરવાની તસ્દી લીધી નથી.
ચોમાસની મોસમમાં ગ્રીન વેસ્ટનો નિકાલ હવે સોલિડ વેસ્ટ વિભાગ કરશે
પ્રિમોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠકમાં ચોમાસામાં શહેરમાં એકઠા થતા ગ્રીન વેસ્ટનો નિકાલ ગાર્ડન વિભાગ દ્વારા કરવામા આવે છે એના બદલે હવેથી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જ ગ્રીન વેસ્ટનો પણ નિકાલ કરવાનો રહેશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે.
શહેરમાં ૧૧૫ સ્થળે વરસાદી પાણી ભરાશે
મ્યુનિ.તંત્રે બે રાઉન્ડમાં શહેરની ૭૬ હજાર કેચપીટ સાફ કરી હોવાનો દાવો સમીક્ષા બેઠકમાં કર્યો છે.આમ છતાં આ વર્ષે પણ ચોમાસાની મોસમમાં શહેરના સાત ઝોનમાં આવેલા ૧૧૫ સ્થળે વરસાદી પાણી ભરાશે.જેની ઝોન વાઈસ વિગત આ મુજબ છે.
ઝોન વોટર લોગીંગ સ્પોટ
ઉત્તર ૧૪
દક્ષિણ ૨૯
પૂર્વ ૧૪
પશ્ચિમ ૨૫
મધ્ય ૦૮
દ.પ. ૧૨
ઉ.પ. ૧૩
શહેરમાં ૪૭૩ સ્થળે ૨૫૫૯ કેમેરાથી મોનીટરીંગ કરાશે
જાહેર માર્ગ ઉપરના પોલીસ કેમેરા ઉપરાંત સ્માર્ટસીટી કેમેરા,ચાર રસ્તા ઉપરના પી.ટી.ઝેડ કેમેરા ઉપરાંત અંડરપાસના કેમેરા એમ કુલ મળીને ૪૭૩ અલગ અલગ સ્થળે લગાવવામા આવેલા કુલ ૨૫૫૯ કેમેરાથી સીધુ મોનિટરીંગ કરી જે સ્થળે વરસાદી પાણી ભરાયા હશે એ સ્થળે પમ્પ મુકીને ઝડપથી પાણીનો નિકાલ કરવામા આવશે.કેનાલ સહિત અન્ય સ્થળે વરસાદી પાણીના નિકાલ માટે વરુણ પમ્પ ઉપરાંત ટ્રોલી માઉન્ટેડ ડી વોટરીંગ પમ્પની મદદ લેવામા આવશે.ઉપરાંત ફાયર વિભાગના ૧૫ રેસ્કયૂ વાહન તેમજ ચાર બોટ પણ કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડ ટુ રખાશે.
શહેરના ૪૫ સ્થળે ભુવા પડવાની સંભાવના
૧૫ જુનથી વરસાદ શરુ થવાનો સમય ગણવામાં આવતો હોય છે.આ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમા અલગ અલગ ૪૫ સ્થળે વોટર તથા ડ્રેનેજ પ્રોજેકટને લગતી કામગીરી માટે ખોદાણ કરવામાં આવેલુ હતુ.શહેરના દક્ષિણ ઝોન ઉપરાંત ઉત્તરઝોન તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોન તથા પૂર્વ,દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં આ કામગીરી કરવામા આવી હોવાથી ચોમાસાની મોસમમાં ૪૫ સ્થળે રોડ સેટલમેન્ટ અથવા તો ભુવા પડવાની સંભાવના હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.