– ઓછા વળતરને કારણે ખેડૂતો હળદર કરતા અન્ય પાક તરફ વળ્યાનું ચિત્ર
દેશમાં ખાધાખોરાકીના ભાવને અંકૂશમાં રાખવા કેન્દ્ર સરકાર દ્વારા કરાઈ રહેલા પ્રયત્નોમાં એસ સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. ટોમેટો, ચોખા તથા કેટલાક કઠોળ બાદ હવે રોજબરોજના વપરાશમાં લેવાતી હળદરના ભાવ પણ ઊંચે ગયેલા જોવા મળી રહ્યું છે.
હળદરનો પાક જે વિસ્તારમાં લેવામાં આવે છે ત્યાં વાવણીની કામગીરી ઢીલથી શરૂ થતાં છેલ્લા એક મહિનામાં હળદરના ભાવમાં ચાલીસ ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.ટ્રેડરો પાસે હાલમાં હળદરનો સ્ટોકસ પણ ઓછો છે એટલું જ નહીં નીચા વળતરને કારણે ખેડૂતો હળદરને બદલે અન્ય પાક તરફ વળી રહ્યાની ચર્ચાએ પણ ભાવ મજબૂત બન્યા છે. ૨૦ જૂનના રોજ એકસચેન્જો પર હાજર હળદરના ભાવ જે પ્રતિ ટન રૂપિયા ૮૧૦૦ જેટલા હતા તે હાલમાં વધીને રૂપિયા ૧૧૫૦૦ જેટલા પહોંચી ગયા છે.
હળદર એ લાંબા ગાળાનો પાક છે અને તેને પાકતા ૨૫૦થી ૨૬૦ દિવસ લાગી જાય છે. હળદરની વાવણી સામાન્ય રીતે જુલાઈમાં થાય છે અને લણણીની કામગીરી માર્ચમાં હાથ ધરવામાં આવે છે.
૨૦૨૨-૨૩ના ક્રોપ યરમાં દેશમાં ૧૧.૬૦ લાખ ટન હળદરનું ઉત્પાદન થયાનો અંદાજ છે જે ૨૦૨૧-૨૨ની મોસમમાં ૧૨.૨૦ લાખ ટનની સરખામણીએ નીચો છે. સામાન્ય રીતે હળદરનો પાક ૩ લાખથી ૩.૨૫ લાખ હેકટર વિસ્તાર પર લેવામાં આવે છે, પરંતુ ૨૦૨૨-૨૩ની મોસમમાં તેમાં ૧૦,૦૦૦ હેકટર્સનો ઘટાડો જોવા મળ્યો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા પાંચ વર્ષમાં હળદરના ભાવ સામાન્ય રીતે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫૦૦૦થી રૂપિયા ૭૦૦૦ની વચ્ચે અથડાયા કરતો હતો. દેશમાં હળદરનો પાક મુખ્યત્વે મહારાષ્ટ્રના સાંગલી તથા નાંદેડ, તામિલનાડૂના ઈરોડ અને તેલંગણાના નિઝામાબાદમાં લેવાય છે.