કહેવાય છે કે, જ્યાં શ્રદ્ધા અને આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. પરંતુ વડોદરા શહેરનો ઇતિહાસ કંઈક અલગ જ છે. શિવનગરી વડોદરામાં વર્ષોના 365 દિવસ શિવ આરાધનાની ધૂણી અવિરત જાગ્રત રહે છે. વડોદરાના નવનાથ મંદિરનો ઇતિહાસ ઋષિ વિશ્વામિત્ર જેટલો જ પ્રાચીન છે. વડોદરાની ફરતે આવેલા આ નવ મંદિર છેલ્લા હજારો વર્ષોથી આ શહેરની અને આ પ્રદેશની રક્ષા કરી રહ્યા છે.
તમામ નવ મંદિરોમાં એકસરખી પ્રતિમા
ભારતમાં અન્ય કોઈ સ્થળે શિવમંદિરોમાં ના જોવા મળે એવી એક વિશેષતા આ નવનાથ મંદિરોમાં છે. શિવલિંગની પાછળ પાર્વતીજીની પ્રતિમા વિશેષ રૂપમાં જોવા મળે છે. જેમાં માતાજીના ચાર હાથ અને એ પૈકી એક હાથમાં જમણી સૂંઢના ગણપતિજી બિરાજે છે. તો બીજા હાથમાં શિવલિંગ છે. તમામ નવ મંદિરમાં એકસરખી પ્રતિમા છે. સંતો, શાસ્ત્રોના જાણકારો અને અખાડાના મહંતોના મત અનુસાર આ પ્રતિમા સમગ્ર બ્રહ્માંડનું પાલનપોષણ કરતી શક્તિનું સાચુ સ્વરૂપ દર્શાવે છે. એક હાથમાં ગણપતિજી છે એટલે કે, વિઘ્નહર્તા અને કલ્યાણકારી શક્તિ છે. બીજા હાથમાં શિવલિંગ એટલે કે કરૂણા અને સંહાર બંને થાય છે.
કાશી બાદ વડોદરામાં સૌથી વધુ શિવાલય
આ અંગે નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિના પ્રણેતા નીરજ જૈને દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વડોદરાના રક્ષક દેવ એટલે નવનાથ મહાદેવ. વડોદરા શિવનગરી છે કારણ કે, કાશી પછી સૌથી વધુ શિવાલયો વડોદરામાં છે. નાના 1,142 અને મોટા 558 એટલે કે 1700 જેટલા શિવાલયો વડોદરામાં આવેલા છે. વડોદરાની ફરતે નવનાથ મહાદેવ આવેલા છે એટલે એ વડોદરા શહેરનું રક્ષણ કરી રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિ, પૂરની પરિસ્થિતિ કે પછી ધરતીકંપની સ્થિતિ હોય કે પછી કોઈ મહામારી અનેક આફતમાં વડોદરાવાસીઓનું રક્ષણ નવનાથ મહાદેવ કરી રહ્યા છે.
આ શહેર નવનાથ નગરી તરીકે ઓળખ
તેમણે વધુમાં જણાવવ્યું હતું કે, વડોદરા શહેરનો દ્વાપરયુગથી ઇતિહાસ રહ્યો છે કેમ કે, વિશ્વામિત્રી નદી ઋષિ વિશ્વામિત્રીએ આપી છે. વડોદરામાંથી ગાયત્રી મંત્ર વિશ્વામિત્ર ઋષિએ આપ્યો હતો. વડોદરાના પાવાગઢથી કાયાવહોરણ સુધીનો વિસ્તાર શંકરવન તરીકે ઓળખાતો હતો. એટલું જ નહીં વિશ્વામિત્ર ઋષિનો તપોભંગ પણ કામનાથ મહાદેવ ખાતે થયો હતો. એટલે આ શહેર નવનાથ નગરી તરીકે ઓળખાય છે.
યોગનાથ, જાગનાથની વાર્તા વડોદરાના ઇતિહાસ સાથે જોડાયેલી
આ નગર પહેલાંના સમયમાં અંકોટક તરીકે પ્રચલિત થયું, બાદમાં વટપત્ર નગર અને આજે વડોદરા તરીકે જાણીતું થયું છે. યોગનાથ, જાગનાથ અને ત્રિશંકુની વાર્તા પણ વડોદરા શહેરના ઇતિહાસ સાથે જોડાયેલી છે. નવનાથ મહાદેવ વડોદરા નગર દેવતા છે. આ પવિત્ર શ્રાવણ માસમાં કાવળયાત્રાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. આખા વિશ્વમાં માત્ર વડોદરામાં જ નવનાથ મહાદેવ છે.
નવનાથ વડોદરાની રક્ષા કરતાં આવ્યા છે
નાથ સંપ્રદાયના જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, વડોદરા નવનાથની નગરી તરીકે પણ ઓળખાય છે. આ શિવાલયોમાં ઋષિમુનિઓ તપ કરી ગયા હોવાનો ઇતિહાસ છે. શ્રાવણ માસમાં હજારો લોકો પગપાળા નવનાથના દર્શન કરવા જાય છે અને ધન્યતા અનુભવે છે. નવનાથ વડોદરાની રક્ષા કરતાં આવ્યા છે. આવનાર સમયમાં પણ રક્ષા કરતાં રહેશે. પવિત્ર શ્રાવણ માસમાં એક વખત દરેક શ્રધ્ધાળુઓ દર્શન કરે.
સિદ્ધનાથ મહાદેવ: શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા આ મંદિર પાસે વિશાળ તળાવ આવેલું છે અને એની સામે સિદ્ધનાથ મહાદેવ આવેલા છે. અહીં આવેલું તળાવ એટલું પવિત્ર ગણાતું હતું કે ઋષિ-મુનિઓ, સાધુ-સંતો અને શંકરાચાર્ય જીવનમાં એકવાર અચૂક આ તળાવમાં સ્નાન કરતા હતા. તળાવની બાજુમાં વાવ છે અને અહીં ભક્તોની મનોકામના સિદ્ધ થતી હોવાથી સિદ્ધનાથ નામ પડ્યું હતું.
રામનાથ મહાદેવ: શહેરના ગાજરાવાડી વિસ્તારનું આ મંદિર પણ તળાવ પાસે આવેલું છે અને બાજુમાં સ્મશાન છે. કહેવાય છે કે, જાતે ભગવાન રામચંદ્રજીએ અહીં આવીને રામનાથ મહાદેવનો અભિષેક કર્યો હતો, જેથી તેનું નામ રામનાથ મહાદેવ પડ્યું છે.
ઠેકરનાથ મહાદેવ: શહેરના ફતેપુરામાં ઠેકરનાથ મહાદેવમાં બે શિવલિંગ અને બે ગુંબજ છે. ખેડાવળા ઇષ્ટદેવ હોવાથી તેમણે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ઠેકરનાથ મહાદેવની કૃપાથી આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે.
મોટનાથ મહાદેવ: શહેરના હરણી વિસ્તારમાં આવેલા આ મંદિરમાં પાંડવોએ પૂજા કરી હોવાની લોકવાયકા છે. અહીં પૂજા-અર્ચનાથી વિશેષ મોહમાયાથી મન સાત્ત્વિક બને છે અને ઈચ્છા પૂરી થાય છે.
કામનાથ મહાદેવ: શહેરના કમાટીબાગ પાછળ વિશ્વામિત્રી નદીના કિનારે આ મંદિર આવેલું છે. આ મંદિરમાં પ્રવેશતાં નીચે સાત ફૂટ ઊતરીને ગર્ભગૃહમાં જવું પડે છે. અહીં ઋષિ વિશ્વામિત્રના તેજ સાથે જોડાયેલી લોકવાયકા છે. અહીં વિશ્વામિત્ર ઋષિની મનોકામના પૂર્ણ થઈ હોવાથી કામનાથ મહાદેવ નામ પડ્યું છે.
ભીમનાથ મહાદેવ: શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલું આ મંદિર પણ વિશ્વામિત્રીના કિનારે છે તથા બાજુમાં સ્મશાન છે. પ્રાચીનકાળમાં હિડંબ નામનો રાક્ષસ હતો અને તેની બહેન હિડિમ્બાના લગ્ન ભીમ સાથે થયાં હતાં અને અહીં શિવલિંગની સ્થાપના થઈ હોવાનું મનાય છે, જેથી ભીમનાથ મહાદેવ નામ પડ્યું છે.
કાશી વિશ્વનાથ: શહેરના જેતલપુર ચાર રસ્તાને અડીને આ મંદિર આવેલું છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર ગોપાલરાવ મૈરાળે કરાવ્યો હતો. આ મહાદેવનાં દર્શન કરવાથી શાંતિની અનુભૂતિ થાય છે.જાગનાથ મહાદેવ: કલાલી ફાટક પાસે વિશ્વામિત્રીના કિનારે આવેલા આ મંદિરની બાજુમાં પણ સ્મશાન છે. અહી જ રાજકુમાર ત્રિશંકુએ યજ્ઞ કરીને સદેહે સ્વર્ગમાં પ્રવેશ મેળવ્યો હતો. એ સમયનું યાગનાથ આજે જાગનાથ મહાદેવ તરીકે ઓળખાય છે.કોટનાથ મહાદેવ: વડસર ગામમાં આવેલા આ મંદિરની બાજુમાં પણ સ્મશાન છે. આ મંદિરના ગર્ભગૃહમાં બે શિવલિંગ જોવા મળે છે. આ મહાદેવનાં દર્શનથી કલ્યાણના માર્ગ પર આગળ વધી મોક્ષની પ્રાપ્તિ થાય છે.