અમદાવાદ: ઈતિહાસ એવી ઘટનાઓથી ભરેલો છે જેમાં ભૌગૌલિક, આર્થિક કે રાજકીય રીતે મહત્વના દેશમાં સરકાર નબળી પડે એટલે ક્ષેત્રિય કે વૈશ્વિક મહાસત્તા તેને ઉથલાવી પોતાના ‘પોપટ’ને સુકાન આપવા તૈયાર જ હોય છે. એવી પણ અસંખ્ય ઘટનાઓ છે જેમાં આવી મહાસત્તા સરકારોને નબળી પાડવા માટે સુવ્યવસ્થિત કાવતરું ઘડે અને વિદ્યાર્થી સંગઠનો, વિરોધ પક્ષના રાજકીય નેતાઓને તન-મન-ધનથી મદદ કરી હોય.પંદર વર્ષથી બાંગ્લાદેશમાં સત્તા ઉપર રહેલા, પાંચમી વખત વડાપ્રધાન બનેલા શેખ હસીનાને ઉથલાવવામાં બાંગ્લાદેશ ઈસ્લામી છાત્રશિબિર નામના વિદ્યાર્થી સંગઠનનો ઉપયોગ થયો છે. આ સંગઠન બાંગ્લાદેશની સૌથી માટે ઈસ્લામિક પાર્ટી જમાત-એ-ઈસ્લામીની વિદ્યાર્થી પાંખ છે. સ્થાનિક રીતે આ પક્ષ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. પણ, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ તેની મદદગાર છે. જમાતે ત્રાસવાદીઓને રક્ષણ આપ્યું છે. ત્રાસવાદીઓને તાલિમ માટે વ્યવસ્થા કરી આપી છે અને હથિયારો સહિતની વ્યવસ્થા પણ પૂરી પાડી છે.શેખ હસીના ભારત સાથે આર્થિક અને રાજકીય રીતે વધારેને વધારે મજબૂત સંબંધો માટે કામ કરી રહ્યા હતા. ભારતના સહકારથી પોતાના અર્થતંત્રને મજબૂત કરવા ઈચ્છી રહ્યા હતા. પિતા શેખ મુજુબિર રહેમાને જેમ ઈન્દિરા ગાંધીની મદદથી દેશને પાકિસ્તાનથી આઝાદ કરાવ્યો એમ હસીના આર્થિક સમૃદ્ધિ માટે ભારત તરફ ઢળી રહ્યા હતા.વિરોધીઓ સામે કડક પગલાં લેવા, તેમને જેલમાં પુરી દેવા, વિદ્રોહ કે નારાજગીનો દરેક અવાજ શેખ હસીનાએ દબાવવાનું શરૂ કર્યું અને તેમાં તક ઝડપી આઈએસઆઈ અને ઈસ્લામિક કટ્ટરપંથીઓએ તેમને ઉથલાવી નાખ્યા. છાત્રોનો અવાજ બુલંદ બનશે નહીં અને તેને વ્યાપક સમર્થન મળશે નહીં એવી ધારણા મૂકનાર હસીના નબળા પુરવાર થાય અને સત્તા હાથમાંથી સરકી ગઈ.શ્રીલંકાની દરેક નબળી સરકારો આવી જ રીતે ઉથલાવી પાડવામાં આવી હતી.
૧૯૭૧માં અમેરિકાની આંખમાં ધૂળ નાખી ભારતે બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું પછીના વર્ષોમાં મોંઘવારી, બેરોજગારી, નિરાશ્રિતો જેવી સમસ્યાઓને લઈ આંદોલન, હડતાળ અને વિદ્યાર્થીઓની રેલી સાથે ઈન્દિરા સામે પણ પડકાર ઉભો થયેલો. જોકે, ઈન્દિરાએ ઈમરજન્સી લાદી દીધી. લોખંડી હાથે તેમણે વિરોધીઓને જેલ ભેગા કર્યા. ચૂંટણી હારી ગયા પણ પછી વિદેશી પ્રચારનો ફુગ્ગો ફૂટી જતા ફરી સત્તા ઉપર આવ્યા હતા. ભારતમાં ઈન્દિરા ગાંધી મજબૂત અને સ્થિર સરકાર ચલાવે નહીં એમાં અમેરિકા અને સીઆઈએ સતત પ્રવૃત્ત હતા અને શક્ય છે કે અત્યારે પણ હોય !વિશ્વભરમાં જાપાન, પનામા, ઈન્ડોનેશિયા, દ.કોરિયા, ક્યુબા, વેનેઝુએલા, શ્રીલંકા, ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન જેવા દેશોમાં સરકાર પોતાના પક્ષે હોય એના માટે અમેરિકા સતત પ્રવૃત્ત રહે છે. અમેરિકામાં સરકાર કોઈપણ વહીવટીતંત્રની હોય એમનો વૈશ્વિક હસ્તક્ષેપ જરા પણ ઘટતો નથી. જાપાન, ઈરાન, પનામા અને ઈન્ડોનિશયા જેવા દેશોને આર્થિક, ટેકનોલોજી અને લશ્કરી સહાય કરીને તો અન્ય દેશોમાં સ્થાનિક વિપક્ષ, વિરોધીઓ કે ઉગ્રવાદીઓને મદદ કરી અમેરિકા હસ્તક્ષેપ કરે છે.શીત યુદ્ધ ૯ સોવિયેત યુનિયન અને અમેરિકા વચ્ચે બીજા વિશ્વયુદ્ધ પછીનો સમય) કે પછી આધુનિક સમયમાં ઈઝરાયેલ, યુક્રેન અને સાઉદી અરબમાં અમેરિકાની આ પ્રવૃત્તિ ચાલી રહી છે. જોકે, હવે પડકાર ચીન તરફથી આવી રહ્યો છે. ચીન આર્થિક અને લશ્કરી મહાસત્તા છે. પોતાની લોખંડી નેતાગીરી થકી તે વિશ્વભરના લોખંડી નેતાગીરી થકી તે વિશ્વભરના ભૌગોલિક, ખનીજ સંપત્તિથી સંપન્ન કે રાજકીય રીતે મહત્વના દેશોની સરકારો ઉથલાવવા અને પોતાની સરકારો બેસાડવામાં પ્રવૃત્ત છે. બાંગ્લાદેશ પણ આવી જ રણનીતિનો ભોગ બન્યું હોય એવી શક્યતા છે. પાકિસ્તાન ભારતનું કટ્ટર દુશ્મન છે અને પશ્ચિમ સરહદે સતત પરેશાન કરે છે. ૧૯૭૧ના યુદ્ધની નાલેશી તેનાથી સહન થઈ નથી એટલે ચીનના ખોળામાં બેસી તેણે શેખ હસીનાની સરકારને ઉથલાવવામાં સંભવ હોય એટલી મદદ કરી છે. અનામત વિરોધી અને છાત્ર શક્તિના નામે દોઢ મહિના ચાલેલો વિદ્રોહ, કલાકોમાં સેનાનો હસ્તક્ષેપ અને શેખ હસીનાએ દેશ છોડાવો પડે એ કંઈક મોટા પ્લાનનો ભાગ હોય તેવી વાત નકારી શકાય નહીં.