લોંગેવાલાની લડાઈમાં જીતના મુખ્ય સૂત્રધાર હતા બ્રિગેડિયર ચાંદપુરી, જેના પર બોર્ડર ફિલ્મ બની હતી.
કુલદીપસિંહ ચાંદપુરી મહૂના પ્રતિષ્ઠિત ઈન્ફેન્ટ્રી સ્કૂલમાં ઈન્સ્ટ્રકટર પણ રહ્યાં.
ચંદીગઢઃ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લોંગેવાલા પોસ્ટ પર થયેલી જંગના હીરો બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીનું નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. ચાંદપુરીએ શનિવારે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ કેન્સરની સારવાર કરાવી રહ્યાં હતા. લોંગેવાલામાં બહાદુરી દેખાડવા બદલ ચાંદપુરીને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
જેપી દત્તાની ફિલ્મ બોર્ડર લોંગેવાલાની લડાઈ પર આધારિત હતી. જેમાં સની દેઉલે ચાંદપુરીનો રોલ ભજવ્યો હતો. ત્યારે તેઓ મેજર હતા. લોંગેવાલામાં બ્રિગેડિયર ચાંદપુરીએ 90 જવાનોની સાથે પાકિસ્તાનના 2000 સૈનિકો પર જીત મેળવી હતી.
પંજાબમાં ચાંદપુરીનું પૈતૃક ગામ
– કુલદીપ સિંહનો જન્મ 22 નવેમ્બર, 1940નાં રોજ અવિભાજિત ભારતના પંજાબ ક્ષેત્રમાં થયો હતો. જે બાદ પરિવાર પૈતૃક ગામ ચાંદપુર રુડકી આવી ગયો હતો, જે પંજાબના બલચૌરમાં છે. ચાંદપુરી માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. તેઓએ 1962માં હોશિયારપુર કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું. આ દરમિયાન NCCના સક્રિય સભ્ય પણ રહ્યાં.
1962માં થયા હતા સેનામાં ભર્તી
– કુલદીપ સિંહ 1962માં ભારતીય સેનામાં સામેલ થયાં. તેઓએ ચેન્નાઈના ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીથી કમીશન પ્રાપ્ત કર્યું અને પંજાબ રેજીમેન્ટની 23મી બટાલિયનનો ભાગ બન્યાં. તેઓએ 1965 અને 1971ના યુદ્ધમાં ભાગ લીધો હતો. જંગમાં તેમની વીરતાની ઘણી પ્રશંસા મળી હતી. જે બાદ સંયુક્ત રાષ્ટ્રના આપાતકાલીન બળમાં વર્ષ સુધી ગાઝામાં સેવાઓ આપી. બે વખત મધ્યપ્રદેશના મહૂ ઈન્ફન્ટ્રી સ્કૂલમાં ઈન્સ્ટ્રકટર પણ રહ્યાં.