ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ, ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ દ્વારા સખી મંડળની બેહનો માટે દર વર્ષે માર્કેટિંગના ભાગ રૂપે રાષ્ટ્રીય કક્ષાના 2 સરસ મેળા અને પ્રાદેશિક કક્ષાના 10-12 સરસ મેળાઓ કરવામાં આવે છે. પણ આ વર્ષે એમાં વધારો કરીને શોપિંગ ફેસ્ટિવલ, મોટા મોલમાં સખી માર્કેટ, ફ્લી માર્કેટ, ઇન્ડેક્સ્ટ-સીના મેળાઓ, ટૂરિઝમના કાર્યક્રમો વગેરેમાં પણ જગ્યા મેળવીને સખી મંડળો માટે વસ્તુઓના વેચાણ અને બ્રાન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.આ વખતે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કચ્છના ધોરડોમાં ઉજવાતા રણોત્સવમાં 14મી ડિસેમ્બર 2024 થી 31મી જાન્યુઆરી 2025 સુધી સખી બહેનો માટે સખી ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. આ બજારમાં સ્વસહાય જુથના બહેનોની હાથ બનાવટની વસ્તુઓના વેચાણ માટે કુલ 100 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી ગુજરાત રાજ્યની સખી બહેનોના 60 સ્ટોલ્સ અને અન્ય રાજયોની સખી બહેનોના 40 સ્ટોલ્સ હશે, જે પરંપરાગત હસ્તકલા અને આધુનિક ડિઝાઇનના અનોખા સંયોજનને પ્રસ્તુત કરશે. સખી ક્રાફ્ટ બજારનું આયોજન ત્રણ તબક્કામાં કરવામાં આવશે, જેમાં દર 15 દિવસે સ્ટોલ બદલાશે, એટલે કે કુલ 300 સ્વસહાય જુથને આ ઇવેન્ટ દ્વારા સીધું માર્કેટ મળશે.અહીં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સખી ક્રાફ્ટ બજારની મુલાકાત લેવામાં આવી તેમજ સખી મંડળની બહેનો સાથે તેમના વિવિધ સ્ટોલ પર મુલાકાત લઈ તેમના કૌશલ્ય અને કાર્યને પ્રોત્સાહન આપ્યું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગામડાની મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે. સખી મંડળો દ્વારા મહિલાઓના જીવનમાં ભૌતિક અને આર્થિક પરિવર્તન લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.દર વર્ષે અહીં દેશ વિદેશથી પ્રવાસીઓ રણોત્સવ માણવા આવે છે ત્યારે આ વર્ષે સખી ક્રાફ્ટ બજાર તેમાં એક વિશિષ્ટ આકર્ષણ બનશે જ્યાં દેશભરમાંથી અનોખી હસ્તકળા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતી કળાકૃતિઓનું સખી બહેનો દ્વારા વેચાણ કરવામાં આવશે.સખી ક્રાફ્ટ બજાર કળાપ્રેમીઓ, સંગ્રાહકો અને હસ્તકળાની વસ્તુઓને પસંદ કરનારા માટે ખજાનો સાબિત થશે. હસ્તકળા અને હાથવણાટથી લઈને માટીની વાસણો, જ્વેલરી અને હોમ ડેકોર જેવી અનેક પ્રકારની વસ્તુઓનું અહીં વેચાણ થશે.