નવી દિલ્હી: વિવાદિત રાફેલ ડીલ પર વિરોધ પક્ષના આરોપોનો સામનો કરી રહેલ મોદી સરકારને સુપ્રીમ કોર્ટે એક મોટી રાહત આપી છે. આજે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની બેન્ચે ચુકાદો આપીને રાફેલ ડીલની કોર્ટની દેખરેખ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા તપાસ માટેની માગણી કરતી ચાર અરજીઓને ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે આ ડીલને લઇને દાખલ થયેલ તમામ અરજીઓ ફગાવી દેતાં જણાવ્યું હતું કે રાફેલ ડીલને લઇને કોઇ શંકાને સ્થાન નથી અને કોર્ટ આ બાબતમાં કોઇ પણ પ્રકારની દરમિયાનગીરી કે હસ્તક્ષેપ કરવા ઇચ્છતી નથી. સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું કે રાફેલ ફાઇટર જેટ વિમાનની ખરીદી પ્રક્રિયા પર કોઇ પણ પ્રકારનો શક નથી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું આ ડીલમાં એવું કોઇ પણ કારણ નજરે પડતું નથી કે સુપ્રીમ કોર્ટે કાનૂની રીતે આ મામલામાં હસ્તક્ષેપ કરવો પડે. સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલમાં તમામ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે અને તેના વ્યાવસાયિક પાસા અંગે પણ કોઇ પ્રકારની હેરાફેરી થઇ નથી.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં વધુમાં જણાવ્યું છે કે રાફેલ ડીલની કોઇ તપાસ થશે નહીં. ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં પણ કોઇ પક્ષપાત દાખવવામાં આવ્યાે હોવાના પુરાવા મળ્યા નથી. અમે કોઇ અટકળ કે ધારણા પર ચુકાદો આપી શકીએ નહીં.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ કોઇ પણ પ્રકારની શંકા હોવાની શકયતાને નકારી કાઢતાં જણાવ્યું હતું કે આ ડીલ પર કોઇ શંકા નથી અને વિમાન આપણા દેશની જરૂરિયાત છે. અમે આ સોદાની પ્રક્રિયાને લઇને સંતુષ્ટ છીએ અને શંકા કરવા માટે અમને કોઇ કારણ જણાતું નથી. સુપ્રીમ કોર્ટ માટે એ યોગ્ય નથી કે તે એક એપેલેટ ઓથોરિટી બની અને તમામ પાસાઓની તપાસ કરે. અમને કંઇ પણ એવું મળ્યું નથી કે જેના પરથી લાગે કે કોઇ કોમર્શિયલ પક્ષપાત થયો છે.
આ અગાઉ રાફેલ ડીલમાં મનોહરલાલ શર્મા, વિનિત ઢાંડા, આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ, સિનિયર એડ્વોકેટ પ્રશાંત ભૂષણ, પૂર્વ કેન્દ્રીય પ્રધાનો અરુણ શૌરી અને યશવંત સિંહાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ વિવિધ પિટિશનો દાખલ કરીને રાફેલ સોદાની કિંમત અને તેના ફાયદાની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સીટ દ્વારા કરાવવાની દાદ માગવામાં આવી હતી અને એવી રજૂઆત કરવામાં આવી હતી કે રાફેલ ડીલ વધુ કિંમત પર નિર્ધારિત થઇ હતી અને ખોટી રીતે ઓફસેટ પાર્ટનરની પસંદગી કરવામાં આવી હતી અને તેથી આ ડીલને રદબાતલ ઠરાવવામાં આવે.