
સાયન્સ સિટીમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાયન્સ સિટીના મેઘા પંડયા અને યાજ્ઞિકા પટેલ એ કાર્યક્રમના સહભાગીઓને વનો, વન સંરક્ષણ અને તેના મનુષ્ય જીવનમાં વનોના મહત્વ અંગે માહિતગાર કરાયા. આ કાર્યક્રમમાં મેઘા પંડ્યાએ વર્તમાન પર્યાવરણ પરિવર્તન અને તેના પ્રભાવ અંગે માહિતગાર કરતાં જંગલો બચાવવાના ઉપાયો સમજાવ્યા. યાજ્ઞિકા પટેલ દ્વારા જંગલોના સંરક્ષણ માટે વૃક્ષારોપણની જરુરિયાત પર પ્રકાશ નાખી વિદ્યાર્થીઓને પોતપોતાના જીવનમાં વધુ વૃક્ષો રોપી તેમનો સંપૂર્ણ ઉછેર કરવાનો સંકલ્પ લેવા પ્રેરિત કર્યા. આ ઉપરાંત મુલાકાતીઓને પણ આજના દિવસનું મહત્વ સમજાવતા ૨૧ મી માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે કેમ ઉજવાય છે તેની સમજ આપતા જણાવ્યું કે આજનો દિવસ ઉત્તર ગોળાર્ધમાં વસંતઋતુની શરૂઆત ગણાય છે આજના દિવસે દિવસ તથા રાત એક જેટલા સમયના થતા હોવાથી, મોટા ભાગના વૃક્ષો પર ફૂલોની કુંપળો ફૂટે છે તથા પક્ષીઓનો કલરવ પણ સંભળાય છે અને પાનખરનો સમય પૂર્ણ થતો હોય છે જેથી વન દિવસની ઉજવણી માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે. વર્ષ ૨૦૨૫ માં આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ “વનો અને ખોરાક” રાખવામાં આવેલ હતી જે અંગે પ્રકાશ પડતા જાણવામાં આવ્યું કે વનો થકી મનુષ્ય તથા પ્રાણીઓ જે ખોરાક પર નભે છે તે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વનો માટીનું ધોવાણ અટકાવી આસપાસની જમીનને ફળદ્રુપ બનાવી કૃષિલાયક જમીન બનાવતા હોવાથી ખોરાકના ઉત્પાદનમાં અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ઘણી જંગલી પેદાશો જેવી કે ઔષધીય વનસ્પતિ, લાકડું, મધ તથા અન્ય જીવન જરૂરી વસ્તુઓ માટે પણ તેમનું મહત્વ ઘણું છે.સાયન્સ સિટીના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓએ વન અને પર્યાવરણ સુરક્ષાના મહત્વ અંગે ગહન સમજ મેળવી. કાર્યક્રમના અંતે નેચર પાર્કમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સૌએ પર્યાવરણ જતન માટે પ્રતિજ્ઞા લીધી.