Ahmedabad: સાબરમતી નદીને પ્રદુષિત કરનારા એક પણ ઔદ્યોગિક એકમને છોડવામાં નહિ આવે એવું હાઇકોર્ટે અવલોકન કર્યા બાદ સરપ્રાઈઝ વિઝિટ કરવાનું અને કોર્ટ મિત્ર પણ ઈન્સપેક્શન કરશે તેવું કહ્યું હતું.આ જ સંદર્ભમાં કોર્ટ મિત્ર હેમાંગ શાહ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમોએ સાબરમતી નદી અને આસપાસના ઔદ્યોગિક એકમોનું ઇન્સ્પેકશન કર્યું તો જાણવા મળ્યું કે ઓછું અથવા તો ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી ખેતીમાં વાપરવા અધિકારીક છૂટ અપાઈ છે. ટ્રીટમેન્ટ વગર છોડાતા પાણીના કારણે નદી અને આસપાસની ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ મામલે કોર્ટ મિત્ર અને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં કોર્ટમાં વિસ્તૃત રિપોર્ટ સબમીટ કરશે.આ પહેલાં કોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણ બાબતે સ્પષ્ટ કહ્યું હતું કે રિવરફ્રન્ટનું આપણે ગૌરવ લઈએ છીએ, પરંતુ તેમા દૂષિત પાણી છોડાતુ હોય તે ચલાવી નહીં લેવાય. સત્તાની ટોચ પર બેઠેલા લોકો આવા ઔદ્યોગિક એકમોને રક્ષણ આપે તે દુ:ખદ છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ કડક પગલાં લેવા હાઇકોર્ટનો આદેશ છે ત્યારે હવે આ ઈન્સ્પેક્શન બાદ પાલિકા, ઔદ્યોગિક એકમોની આકરી કસોટી થવાની છે એ નક્કી છે.હવે કોર્ટના આદેશ બાદ સફાળી જાગેલી પાલિકા દ્વારા સાબરમતી નદીનાં શુદ્ધિકરણ માટે 2 હજાર કરોડનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટને કેન્દ્ર સરકારની નેશનલ રિવર કન્ઝર્વેશન યોજના હેઠળ રજુ કરવામાં આવશે. આ માટે કેન્દ્રીય ટીમ અમદાવાદ આવી રહી છે.સાબરમતી નદીના બંને કાંઠેથી કેટલાક વરસાદી પાણીનાં નાળા નદીમાં ખુલતા હતા. જેમાં ગટરનાં જોડાણો જોડી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ રિવરફ્રન્ટ બનતા આ નાળા બંધ થઇ શકે તેમ નથી. જેથી વાસણા બેરેજથી ડફનાળા સુધી ઇન્ટરસેપ્ટર લાઇન નાખવામાં આવી હતી જેની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ છે.સાબરમતીમાં ગટરનાં પાણી બારોબાર છોડવામાં આવે છે. સાબરમતી નદીમાં ટ્રીટ થયા વગરનું ગટરનું પાણી રોકવા તથા ઇન્ડસ્ટ્રીનું કેમિકલ યુક્ત પાણી રોકવા કોર્પોરેશન દ્વારા 2 હજાર કરોડના પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે.સાબરમતી નદીના શુદ્ધિકરણને લઈને પર્યાવરણવિદોનો આક્ષેપ છે કે કોર્પોરેશનના એસટીપી પ્લાન્ટ ચાલતા નથી. ગટર અને ઉદ્યોગોનું ટ્રીટ કર્યા વગરનું પાણી સીધું સાબરમતીમાં ઠાલવવામાં આવે છે. સાબરમતીના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ કરોડો ક્યાં ગયા તેનો કોઈ હિસાબ નથી. ત્યાં હવે કોર્પોરેશન દ્વારા ફરીથી ફેજ 2 માટે 2 હજાર કારોડ કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યા છે. કોર્પોરેશન હાઇકોર્ટે ઠપકો આપતા નદીના શુદ્ધિકરણ માટે દેખાડો કરે છે પણ કામ થતું નથી.શાહીબાગ ડફનાળાથી ઇન્દિરાબ્રિજ સુધીનાં વિસ્તારોનાં ગટરનાં પાણીને સુએજ નેટવર્ક અને મેઇન લાઇન થકી એસટીપીમાં લઇ જવાશે અને એસટીપીમાં ગટરનાં પાણી ટ્રીટ કરીને નદીમાં છોડવાની યોજના એનઆરસીપી સમક્ષ રજૂ કરાઈ છે. જેના માટે અંદાજે 2 હજાર કરોડનાં વિવિધ પ્રોજેક્ટસ એનઆરસીપી સમક્ષ મોકલાયા છે.