સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો પર ગેરકાયદે રીતે જાસૂસી કરવામાં આવી રહી હતી એટલે સુધી કે સીમકાર્ડના ઉપયોગમાં ગરબડ અને મોબાઇલ નંબરના કલોનિંગની પણ આશંકા છે.
તેનાથી વધુ ચોંકાવનારી વાત એ છે કે જે નંબરો પર ટેપિંગ કરીને જાસૂસી કરવામાં આવી હતી તેમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સીબીઆઇના સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાનાના નંબરોનો પણ સમાવેશ થાય છે.
આ પ્રકારની આશંકા ત્યારે વ્યકત કરવામાં આવી છે જ્યારે કાયદા સચિવ સુરેશચંદ્રએ જણાવ્યું હતું કે તેઓ ૮ નવેમ્બરે લંડનમાં નહોતા. ટ્રાન્સફર કરવામાં આવેલા સીબીઆઇ ડીઆઇજી મનીષ સિંહાએ પોતાની અરજીમાં એવો આરોપ મૂકયો છે કે ચંદ્રએ બિઝનેસમેન સતીશ સના (રાકેશ અસ્થાના વિરુદ્ધ આરોપ મૂકનાર) સાથે મુલાકાત કરી હતી.
એવો આક્ષેપ છે કે આ મુલાકાત કરાવવામાં આંધ્રપ્રદેશ કેડરના આઇએસ અધિકારી રેખા રાનીએ પણ મદદ કરી હતી. મનીષ સિંહાએ સનાને ટાંકીને જણાવ્યું હતું કે રેખા રાની વિવાદિત બિઝનેસમેન ચંદ્રા સાથે તેમના લંડનવાળા નંબર પર વાત કરવા જણાવ્યું હતું.
આ અંગે કાયદા સચિવ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ માત્ર એક જ વખત જુલાઇમાં લંડન ગયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોઇને પણ ફસાવવા માટે આ એક પરફેકટ સ્ક્રીપ્ટ હતી. તમે કોઇ પણ ને ફોન કોલના આધારે ઝડપી શકો છો. આ પ્રકારના રિપોર્ટથી એવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે અસ્થાના અને ડોભાલના ફોન પણ સર્વેલન્સમાં રાખવામાં આવ્યા હતા.
કોઇ પણ તપાસ એજન્સી ગૃહસચિવની મંજૂરી વગર કોઇનો પણ ફોન સર્વેલન્સ પર રાખી શકે નહીં. ખાસ વિશેષાધિકારો સાથે એજન્સીના વડા કટોકટીની સ્થિતિમાં જ આવું કરી શકે અને તેની પ્રક્રિયા પણ લાંબી હોય છે. એજન્સીએ ગૃહ સચિવને આ અંગે ત્રણ દિવસમાં જાણ કરવાની હોય છે અને ત્યાર બાદ સાત દિવસમાં નિર્ણય લેવાનો હોય છે.
મનીષ સિંહાએ પોતાની અરજીમાં ફોન સર્વેલન્સની વાત કરી છે. સિંહાએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને રાકેશ અસ્થાનાની વાતચીતનું વિવરણ પણ રજૂ કર્યું છે.