નવી દિલ્હી : વધી રહેલી વેપાર ખાધ તથા રૂપિયા પરના દબાણને ધ્યાનમાં રાખી ભારત સરકારે ગોલ્ડ પરની આયાત ડયૂટીમાં વધારો કર્યો છે. આયાત ડયૂટી જે ૭.૫૦ ટકા હતી તે વધારી ૧૨.૫૦ ટકા કરાઈ હોવાનું સરકાર દ્વારા એક નોટિફિકેશનમાં જણાવાયું હતું. વિશ્વમાં ભારત ગોલ્ડનો બીજો મોટો વપરાશકાર દેશ છે અને ગોલ્ડની મોટાભાગની આવશ્યકતા આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. આયાત ડયૂટીમાં વધારો કરાતા ગોલ્ડની માગ ઘટવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. ગોલ્ડ પરની આયાત ડયૂટી ઉપરાંત સરકારે ડીઝલ તથા પેટ્રોલ પરની એકસપોર્ટ ડયૂટીમાં અનુક્રમે પ્રતિ લિટર રૂપિયા ૧૩ અને રૂપિયા ૬નો વધારો કર્યો હતો. એટીએફની નિકાસ પર પ્રતિ લિટર રૂપિયા ૬નો સેસ લાગુ કરાયો છે. વિશ્વ બજારમાં ઊંચા ભાવને કારણે થઈ રહેલા લાભને ધ્યાનમાં રાખી સરકારે ઘરઆંગણે ઉત્પાદિત થતાં ક્રુડ ઓઈલ પર પ્રતિ ટન રૂપિયા ૨૩૨૩૦નો વિન્ડફોલ ટેકસ પણ લાગુ કર્યો છે.ગોલ્ડ પર ૧૨.૫૦ ટકા આયાત ડયૂટી ઉપરાંત ૨.૫૦ ટકા કૃષિ સેસ વસૂલવામાં આવે છે. અસરકારક આયાત ડયૂટી હવે વધીને ૧૫ ટકા થઈ છે. આ ઉપરાંત ગોલ્ડ પર ૩ ટકા ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ પણ વસૂલવામાં આવે છે. ભારતની મે મહિનાની વેપાર ખાધ ૨૪.૩૦ અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી છે. ચાલુ ખાતાની ખાધમાં જંગી વધારો થતાં સરકાર આયાતી ચીજવસ્તુઓ ખાસ કરીને ગોલ્ડની આયાત પર સખત નજર રાખી રહી છે. ગયા વર્ષના મેની સરખામણીએ વર્તમાન વર્ષના મેમાં ગોલ્ડની આયાત નવ ગણી વધીને ૬.૦૩ અબજ ડોલર રહી હતી. ગયા વર્ષે સરકારે ગોલ્ડની આયાત ડયૂટી ઘટાડીને ૭.૫૦ ટકા કરી હતી. ગોલ્ડનો આયાત આંક મેમાં ૧૦૭ ટન્સ રહ્યો હતો. ગયા વર્ષે ભારતની ગોલ્ડ આયાત એક દાયકાની ઊંચી સપાટીએ રહી હતી. દેશમાં ગોલ્ડની દાણચોરી અટકાવવી હોય તો તેના પરની આયાત ડયૂટી ઘટાડવી જોઈએ તેવી જ્વેલર્સ ઉદ્યોગની માગ રહી હતી, પરંતુ વધી રહેલી વેપાર ખાધને ધ્યાનમાં રાખી સરકારે ડયૂટીમાં વધારો કરવાની ફરજ પડી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચાંદી પરની આયાત ડયૂટીમાં કોઈ ફેરબદલ કરાયો નથી. ગોલ્ડ પરની ડયૂટીમાં વધારાને કારણે આયાત પર અસર થશે અને દેશમાંથી ડોલરના આઉટફલોઝને અટકાવવામાં મદદ મળશે જેથી ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળવાની સરકાર અપેક્ષા રાખી રહી છે.